






દરેક જરૂરિયાતમંદ નાગરિક સુધી સરકારશ્રીની વિવિધ યોજનાના લાભો પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરી શકાય તેવા હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત ગામોગામ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માણસા તાલુકાના લોદરા ખાતે માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે. એસ .પટેલ ની હાજરીમાં યોજાઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જાણકારીના અભાવે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચતો ન હોય તો તેમના સુધી જઈને યોજનાનો લાભ આપવા માટે આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજવામાં આવી રહી છે. કોઈને આધારે રહેવું ન પડે અને તમામ નાગરિકો સ્વમાનભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોને ત્રણે વખત પાકના વાવેતર માટે મદદરૂપ થવા સહાય રકમ ત્રણ હપ્તામાં ખેડૂતોને સીધી તેમના ખાતામાં જમા આપવામાં આવે છે. ગરીબ પરિવારોને માંદગી કે અકસ્માત વખતે વ્યાજે પૈસા લેવા ન પડે કે કોઈ આગળ હાથ લંબાવવો ન પડે તે માટે આયુષ્માન કાર્ડ અંતર્ગત ૧૦ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા જરૂરિયાતમંદોને વિના મૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. બાળકીઓ અને ધાત્રી માતાઓના પોષણ માટે સરકાર પોષણ કીટ પૂરી પાડી રહી છે. આ ઉપરાંત તેમણે આગેવાનો તેમજ અધિકારીઓને જરૂરિયાતમંદ લોકોને શોધી તેમને યોજનાઓનો લાભ અપાવવા અપીલ કરી હતી.
માણસા તાલુકાના લોદરા ખાતે માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે. એસ .પટેલ ની હાજરીમાં તેમજ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત પોતાને મળેલ લાભની રજૂઆત કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
