રાજ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫ના ધારા ધોરણ મુજબ પૂરતા પ્રમાણમાં આરોગ્ય કેન્દ્રો ઉપલબ્ધ : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ



આરોગ્ય અને શિક્ષણ સેવાઓ પુરી પાડવા રાજ્ય સરકાર હંમેશા સકારાત્મક

રાજ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫ના ધારા ધોરણ મુજબ પૂરતા પ્રમાણમાં CHC, PHC અને પેટા કેન્દ્રો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાગરિકોને આરોગ્ય અને શિક્ષણ સેવાઓ આપવા માટે સરકાર હંમેશા સકારાત્મક છે. અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ની સ્થિતિએ ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર- CHC, ૪૦ની સામે ૪૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- PHC જ્યારે ૦૩ પેટા કેન્દ્રો ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૧૧ની વસ્તીના પ્રમાણની સામે ગુજરાતમાં હાલની જરૂરિયાત મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

મંત્રી શ્રી પટેલે અમરેલી જિલ્લાના આરોગ્ય કેન્દ્રો સંદર્ભે કહ્યું હતું કે, અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ની સ્થિતિએ ૧૧ CHC, ૧૩ PHC તેમજ ૦૩ પેટા કેન્દ્રો આવેલા છે. અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૦૬ લાખ ઓપીડી અને ૬૪ હજાર આઈપીડી થઈ છે. રાજ્યમાં અંદાજે ૨૫-૩૦ કિ.મી વિસ્તારમાં ડાયાલિસીસ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી કોઈને ડાયાલિસીસ માટે વધુ દૂર જવું ના પડે તેમ, તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે, તા. ૩૧ જુલાઈ ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને અમરેલી જિલ્લામાં એક-એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સરકારના વસ્તીના ધારા ધોરણ મુજબ દુર્ગમ અને પછાત વિસ્તારમાં ૦૩ હજારની વસ્તીએ એક, સામાન્યમાં ૦૫ હજારની વસ્તીએ એક પેટા કેન્દ્ર ફાળવવામાં આવે છે. આ ઉપરાંત હાઈવે પર જરૂરિયાત મુજબ ટ્રોમા સેન્ટર પર શરૂ કરવામાં આવ્યા છે. હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મા અને મા અમૃતમ કાર્ડની યોજના રાજ્યમાં શરૂ કરી હતી. જેમાંથી પ્રેરણા લઈને હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAYનો લાભ દેશભરની જનતાને મળી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે કોઈ પણ સારી યોજનાની શરૂઆત ગુજરાતમાંથી થતી હોય છે તેનું PMJAY ઉત્તમ ઉદાહરણ છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *