વિશાળ યુવાશક્તિ – ડેમોગ્રાફિક ડિવિડન્ડ એ આપણી સૌથી મોટી મૂડી છે અને વડાપ્રધાનશ્રીએ આ મૂડીને લાંબા ગાળાની સમૃદ્ધિ માટે દેશની તાકાત બનાવવાનો નિર્ધાર કર્યો છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ સંપન્ન
658 ભરતી મેળાઓ દ્વારા ખાનગી ક્ષેત્રમાં રોજગાર મેળવનારા 55 હજારથી વધુ યુવાઓને નિમણૂક પત્રો – 25 હજારથી વધુ યુવાઓને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત થયા
ઉદ્યોગોને અનુરૂપ માનવ સંસાધન મળે તે માટે 100થી વધુ ઉદ્યોગ ભાગીદારો સાથે એમ.ઓ.યુ. થયાસમગ્ર

મુખ્યમંત્રીશ્રી
- પોતાની સ્કિલ, વિલ અને ઝિલથી પથ્થરમાંથી પાણી કાઢવાની ક્ષમતા ધરાવતી યુવાશક્તિને સ્કિલ ડેવલપમેન્ટ માટેનો નવો રાહ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દર્શાવ્યો.
- યુવાનોના ઈનોવેશનને વડાપ્રધાનશ્રીએ આપેલા પ્રોત્સાહનથી અનેક સ્ટાર્ટઅપ આત્મનિર્ભર બન્યા અને ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં 4 વર્ષથી અગ્રેસર રાજ્ય બન્યું.
રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના ૫૭ હજાર કરતાં વધુ યુવાઓને આજે રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા-મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભરભારત- વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનને ઝિલી લેવા યુવાઓને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વિશાળ યુવાશક્તિ સમાન ડેમોગ્રાફિક ડિવિડન્ડ એ આપણી સૌથી મોટી મૂડી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મૂડીને લાંબા ગાળાની સમૃદ્ધિ માટે દેશની તાકાત બનાવવાનો નિર્ધાર કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી રાજ્યમાં તા.7થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના બીજા દિવસે ગાંધીનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. આ સમારોહનું રાજ્ય ભરના 33 જિલ્લાઓની આઈ.ટી.આઈ.માં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં યોજાયેલા 658 ભરતી મેળાઓમાં ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવેલા 57,502 યુવાઓને પ્રતિક રૂપે નિમણૂક પત્રો પણ આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીનગરમાં તથા મંત્રીશ્રીઓનાસસ્તે જિલ્લાઓમાં આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિભાગે આઈ.ટી.આઈના તાલીમાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે પ્રોવિઝનલ ઓફર લેટર આપવાની કરેલી પહેલરૂપે 25,000 થી વધુ યુવાઓને આવા લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
એટલું જ નહીં, ઉદ્યોગોને અનુરૂપ માનવ સંસાધન બળ મળી રહે તે માટે 100થી વધુ ઉદ્યોગ ભાગીદારો સાથેના એમ.ઓ.યુ. પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રમ રોજગાર તથા ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓને મળેલા આ રોજગાર અવસરો તેમના ઘર પરિવારમાં દિપાવલીનો આર્થિક ઉજાસ બનવા સાથે આત્માનિર્ભરતાના નવા કદમ ગણાવ્યા હતા.
તેમણે કહ્યું કે, પોતાની સ્કીલ, વીલ અને ઝિલથી પથ્થરમાંથી પણ પાણી કાઢવાની ક્ષમતા ધરાવતી યુવા શક્તિને સ્કીલ ડેવલપમેન્ટ માટેનો નવો રાહ વડાપ્રધાનશ્રીએ દર્શાવ્યો છે. આ 24 વર્ષમાં ગુજરાતના યુવાઓને અપાર અવસરો આપીને તેમણે જોબ સિકરથી જોબ ક્રિયેટર બનાવ્યા છે. ‘હર હાથ કો કામ’ સૂત્ર વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં સાકાર થઈ રહ્યું છે તેમ પણ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું.
રાજ્યમાં આવતા ઉદ્યોગોને યોગ્ય માનવબળ મળે તે માટે ઇન્ડસ્ટ્રી અને આઈ.ટી.આઈના જોડાણનું જે મોડલ વડાપ્રધાનશ્રીએ આપ્યું છે તેને સ્કિલ અભ્યાસક્રમો દ્વારા આગળ વધારતા રાજ્ય સરકારે કૌશલ્યા ધી સ્કિલ યુનિવર્સિટી શરૂ કરી છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગ્રીન અને રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, એ.આઈ., હેલ્થ કેર, એગ્રી સર્વિસીસ જેવા રોજગારીની વિપૂલ તકો ધરાવતા વિવિધ અભ્યાસક્રમોમાં આ યુનિવર્સિટીના 12,000થી વધુ યુવા સફળ થયા છે. ગુજરાતમાં યુવાશક્તિના ઇનોવેશનને પણ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં જે વેગ મળ્યો છે તેના પરિણામે 12,500થી વધુ સ્ટાર્ટઅપ આત્મનિર્ભર બન્યા છે અને ગુજરાત ચાર વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં અગ્રેસર છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ છેલ્લા એક દશકમાં 15 મિલિયનથી વધુ યુવાઓને વિવિધ અભ્યાસોમાં સઘન તાલીમ અપાવી છે અને કુશળતા તથા ટેકનિકલ લાયકાત સાથે જોડ્યા છે. આવા સ્કિલ્ડ યુવાઓને પી.એમ. રોજગાર એપ્રેન્ટીસશીપ અંતર્ગત ઉદ્યોગોમાં રોજગાર પણ આપ્યા છે. દેશના યુવાઓ આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી રૂપિયા એક લાખ કરોડની પી.એમ. વિકસિત ભારત રોજગાર યોજનાની પણ વિગતો શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર લોકલ – હર ઘર સ્વદેશી અભિયાનને ઝિલી લેવા યુવાશક્તિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેરક આહવાન પણ આ તકે કર્યું હતું.
શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના ૫૭ હજાર કરતાં વધુ યુવાઓને આજે રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા છે, જે આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રોજગાર મેળાઓની સાથે યુવાઓને કંપનીઓના માર્ગદર્શન હેઠળ અભ્યાસ બાદ તુરંત જ નોકરી મળી રહે તે માટેની વ્યવસ્થા થાય એ પ્રકારની પહેલ ગુજરાતે કરી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આગામી સમયમાં પ્રવેશ મેળવનારા ૧૦૦ ટકા યુવાઓને ભણતર દરમિયાન જ સ્થાનિક કક્ષાએ રોજગારી પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આજે સિંગલ વિન્ડોના માધ્યમથી રજીસ્ટ્રેશન દ્વારા નોકરી આપી અને મેળવી શકાય છે. રોજગાર મેળા અને અન્ય ભરતીઓના માધ્યમથી અનેક યુવાઓને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતના ૩.૨ ટકાના રોજગારી દરની સામે ગુજરાતનો બેરોજગારી દર માત્ર ૧.૧ ટકા જેટલો છે. આ દરમાં વધુ ઘટાડો થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
મંત્રી શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી નાગરિકો ગુજરાતમાં આવીને સારી નોકરી પ્રાપ્ત કરીને સ્થાયી થઈ શકે છે, એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝને પણ યુવાઓને રોજગારી આપવા માટે સહાય આપવામાં આવે છે, તેમ જણાવી મંત્રીશ્રીએ રોજગારી પ્રાપ્ત કરનાર સૌ યુવાઓને શુભેચ્છા આપી હતી.
શ્રમ, કૌશલ્ય અને રોજગારના અગ્ર સચિવ શ્રી વિનોદ રાવે સ્વાગત કરતાં કહ્યું હતું કે, આગામી સમયમાં યુવાઓને રોજગારી આપતા આવા કાર્યક્રમો અંતર્ગત વધુમાં વધુ અસરકારક કામગીરી કરવામાં આવશે. આજે યુવાઓને રોજગારી પત્ર એનાયત, પ્રોવિઝનલ ઓફર લેટર અને ઉદ્યોગો સાથે MoU કરવાના કાર્યક્રમનું ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, આગામી વર્ષથી ૧૦૦ ટકા વિદ્યાર્થીઓને ભણતર દરમિયાન જ પ્રોવિઝનલ ઓફર લેટર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
રોજગાર અને તાલીમના નિયામક શ્રી નીતિન સાંગવાને આભારવિધિ કરી હતી.
રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, શ્રમ નિયામક શ્રી કે.ડી. લાખાણી, કૌશલ્ય વિકાસ નિયામક શ્રી કમલેશ રાઠોડ સહિત શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી-કર્મચારી અને મોટી સંખ્યામાં યુવાનો અને રોજગાર દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર રાજ્યમાંથી ૧.૫ લાખ કરતાં વધુ યુવાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.