
રોજગારી આપવામાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબરે અને રોજગાર સર્જનમાં પણ ગુજરાત અગ્રેસર: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત “યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ” નિમિત્તે તા.૦૮-૧૦-૨૦૨૫ નાં રોજ પારડીના ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડીટોરીયમ ખાતે રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ અને રોજગાર ભરતી મેળો યોજાયો હતો.
રોજગાર મેળામાં રોજગારી મેળવનાર તમામ યુવક- યુવતીઓને અભિનંદન પાઠવતા કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, તા. ૦૭ ઓક્ટોબર ૨૦૦૧ નો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મહત્વનો દિવસ છે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ જે મતોનું રાજકારણ હતું તે નાબૂદ કરી વિકાસની રાજનીતિ શરૂ કરી હતી. આજે સેવા, સમર્પણ અને સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે રોજગારી આપવામાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબરે છે. રોજગાર સર્જનમાં પણ ગુજરાત અગ્રેસર છે. નરેન્દ્રભાઈ એ વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કરી રોજગારીની તકો ઉપલબ્ધ કરી અને દેશ વિદેશમાંથી મૂડી રોકાણ લાવી ગુજરાતના વિકાસનો નવો અધ્યાય લખ્યો હતો. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા, સરળ વહીવટ અને ક્યાંય પણ ઔદ્યોગિક અશાંતિ નથી જે ગુજરાતના વિકાસનું પરિબળ છે. આજે ગુજરાત દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન તરીકે ગણાય છે. સમગ્ર વિશ્વમાં આજે ભારતનું અર્થતંત્ર ચોથા ક્રમે આવ્યું છે એ નરેન્દ્રભાઈ મોદીની વહીવટી સૂઝબૂઝના દર્શન કરાવે છે.
વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વદેશી અભિયાન હેઠળ સ્વદેશી વસ્તુ અપનાવી દેશની ઉન્નતીમાં ફાળો આપી નાગરિક તરીકેની ફરજ અદા કરવા અનુરોધ કર્યો હતો.
કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, દરેક પરિવારમાં માં બાપની ઈચ્છા હોય કે, મારા દીકરા દીકરીને નોકરી મળે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા રોજગાર મેળાનું સમયાંતરે આયોજન કરી યુવાવર્ગને રોજગારી મળી રહી છે. દરેક શિક્ષિત અને સ્કિલ ધરાવનારને રોજગારી મળી રહે તે માટે સરકાર ચિંતિત છે. યુવાનોને અપીલ કરતા વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, તમે જ્યાં પણ નોકરી કરો ત્યાં વિશ્વાસ સંપાદન કરજો. જેથી તમે ખૂબ આગળ પ્રગતિ કરી શકશો. ડેરી ટેકનોલોજીમાં રોજગારીની ઉજ્જવળ તકો હોવાથી યુવાધનને આ ફિલ્ડ તરફ વળવા જણાવ્યું હતું.
મહાનુભાવોના હસ્તે રોજગાર મેળવનાર ૩૧ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોજગાર ભરતી મેળામાં નોંધાયેલા અંદાજે ૮૫૦ જેટલા ઉમેદવારોની પસંદગી/ઇન્ટરવ્યુની પ્રક્રિયા ખાનગી કંપનીના નોકરીદાતા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે પારડી પાલિકા પ્રમુખશ્રી ચેતન નાયકા, જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા, પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી મહેન્દ્ર ચૌધરી સહિત મોટી સંખ્યામાં આઈટીઆઈના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન જિલ્લા રોજગાર અધિકારી પારુલ પટેલે અને આભારવિધિ પારડી આઈ.ટી.આઈ.ના આચાર્ય વી.એ.ટંડેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુરુષ અધ્યાપન કોલેજ, વાપીના પ્રો. શૈલેષ કે. પટેલે કર્યું હતું.