
નરેન્દ્રભાઈની પ્રેરણાથી ગુજરાતનો અભૂતપૂર્વ વિકાસ થતા ગુજરાત ઈન્વેસ્ટરો માટે બેસ્ટ ડેસ્ટીનેશન બન્યુઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
ભારતના લોકપ્રિય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ વર્ષ પહેલાં ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી હતી, જેના ૨૪ વર્ષ પૂર્ણ થતા રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સરકારશ્રીની ઉદ્યોગોને લગતી અમલીકૃત યોજનાઓથી માહિતગાર કરવા માટે વાપી ઔદ્યોગિક એસોસિએશન (વી.આઈ.એ.) હોલ ખાતે સેમિનાર યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, કચ્છના ભૂકંપ બાદ ગુજરાતનું સુકાન નરેન્દ્રભાઈ મોદીએ સંભાળી ગુજરાતની કાયાપલટ કરી છે. પહેલા કચ્છ એવો જિલ્લો હતો કે, જ્યાં સજાના ભાગે બદલી થતી હતી પરંતુ હવે લોકો ફરવા માટે હોંશેહોશે જાય છે. આખી દુનિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ કચ્છમાં છે. નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચ્યુ છે. નરેન્દ્રભાઈએ ગુજરાતમાં રોજગારીનું સર્જન કરવા માટે અને દેશ વિદેશમાંથી હુંડીયામણ લાવવા માટે વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં ૧૦ કડી પૂર્ણ થઈ ચુકી છે. દર બે વર્ષે વાઈબ્રન્ટ ઉજવાય છે. આ વાઈબ્રન્ટ ગુજરાતમાં હવે થોડો ફેરફાર કર્યો છે. હવેથી રાજ્યના ચાર ઝોનમાં વાઈબ્રન્ટ થશે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અનુકૂળ છે, ઉદ્યોગો માટે માલની હેરફેર માટે બંદરો અને દિલ્હીથી મુંબઈ સુધીનો ફ્રેઈટ કોરીડોર ઉપલબ્ધ છે. માલના વહન માટેનો લોજીસ્ટીક ખર્ચના ઈન્ડેક્સમાં ગુજરાત નંબર વન છે. મોદીજીએ સુરત ખાતે ટેક્સટાઈલ પાર્ક અને જંબુસરમા ફાર્મા પાર્કની ભેટ આપી છે. આખા દેશમાં સેમી કન્ડકટરની ચીપ પ્રથમ વાર બનવા જઈ રહી છે તે આપણા ગુજરાતના આણંદ ખાતે બનવા જઈ રહી છે.
ઉદ્યોગો માટે વીજળી અગત્યનું પરિબળ હોવાનું જણાવી મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઈએ ગુજરાતનું સુકાન સંભાળ્યુ ત્યારે વર્ષ ૨૦૦૪થી સમગ્ર રાજ્યમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ કરાવી હતી. ૨૦૦૯માં સોલાર પોલીસી બનાવી, કલાઈમેટ ચેન્ડ ડિપાર્ટમેન્ટ બનાવ્યું હતું. સોલાર અને વિન્ડ એનર્જીમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. વીજળીમાં ફ્યુલ ચાર્જમાં પણ ઘટાડો કર્યો છે. ઉદ્યોગો માટે સરીગામ, ઉમરગામ, ગુંદલાવ અને વાપીમાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કામ પૂર્ણ થયુ છે. નરેન્દ્રભાઈની પ્રેરણાથી ગુજરાતનો અભૂતપૂર્વ વિકાસ થયો છે એટલા માટે જ ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ બન્યુ છે. વલસાડ જિલ્લાના ઉદ્યોગકારોએ ગુજરાતના વિકાસમાં પોતાની ફરજ બજાવી એ બદલ ખાસ અભિનંદન આપુ છું. ગુજરાતમાં પ્રથમ સીઈટીપી વાપીમાં બન્યો હતો. ઉદ્યોગોના પાણીને દરિયા સુધી ડીપ- સી માં મુકવા માટે સરકારે બજેટ મંજૂર કર્યુ છે. ઉદ્યોગોએ માત્ર માત્ર ૨૦ ટકા ફાળો આપવાનો છે. સરકાર ઉદ્યોગ સાથે ખભે ખભા મિલાવી કામ કરી રહી છે. અમેરિકામાં ટેરીફનો પ્રશ્ન સર્જાયો છે. ત્યારે નરેન્દ્રભાઈએ સ્વદેશી માલનો ઉપયોગ કરવા આહવાન કર્યુ છે. દિવાળીમાં ખરીદી કરવાની હોય કે, ફરવા જવાનું હોય કે લગ્ન પ્રસંગ હોય આપણા રાજ્ય કે, આપણા દેશમાં જ કરીને રાષ્ટ્રને પ્રાથમિકતા આપવી જોઈએ.
કપરાડના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં નાગરિક પ્રથમ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની સરકારશ્રીની નેમ છે. જેમાં આપણે આગળ વધી રહ્યા છે. વાપીમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એવી અપીલ કરી હતી.
વાપી વીઆઈએના પ્રમુખ સતિષભાઈ પટેલે જણાવ્યું કે, વાપીના ઉદ્યોગો પ્રગતિના પંથે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે નવી નવી પોલીસી અમલમાં મુકાઈ રહી છે. ખરા અર્થમાં કહીએ તો ઉદ્યોગો માટે આ ગોલ્ડન પિરીયડ છે. આપણા દેશના અર્થ તંત્રને ચોથા ક્રમ થી ત્રીજા ક્રમે લઈ જવા માટે દરેક ઉદ્યોગકાર પોતાનું યોગદાન આપે એ જરૂરી છે. આ સેમિનારમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સરકારશ્રીની આત્મનિર્ભર ગુજરાત- ૨૦૨૨, ટેક્સટાઈલ પોલીસી- ૨૦૨૪, લોજિસ્ટીક પાર્ક – ૨૦૨૦ તેમજ ઉદ્યોગને લગતી અમલીકૃત યોજનાઓથી ઉદ્યોગકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગુજરાતના વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ વીઆઈએના કલ્પેશ વોરાએ કરી હતી. સ્વાગત પ્રવચન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર વાય.ટી.પાવાગઢીએ કરી હતી.