
સહકારિતા થકી ગામડાની સમૃદ્ધિ તરફ ગુજરાતનો દૃઢ પ્રયાસ:- સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે વધુ એક નવતર પહેલ હાથ ધરીને ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નું આયોજન કરાયું છે. આ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના પ્રથમ શૃંખલાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતેથી પ્રારંભ કરાવ્યો છે.
તારીખ ૯ અને ૧૦ ઓકટોબર દરમિયાન ચાલનાર આ કોન્ફરન્સના પ્રથમ દિવસે ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાતમાં સહકારી મંડળીઓ: બજાર પહોંચ અને મૂલ્યવધારા માટે સહક્રિયા વિષય પર સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અલાયદા સહકાર મંત્રાલયની શરૂઆત થતાં જ સહકારી ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહકારી ક્ષેત્રે પહેલ કરીને ખેડૂતો અને ગામડાઓને સમૃદ્ધ કરવા માટે કામ કર્યું છે. આજે દેશભરમાં સહકારિતાને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, વિદેશમાં કમાવા જવાની જગ્યાએ ગ્રામ્ય માળખાને વધુ મજબૂત બનાવીએ, જેથી કરીને સ્થાનિક રોજગારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકાય છે જેનો સીધો ફાયદો ગામડામાં વસતા લોકોને મળી રહેશે.
મંત્રીશ્રી વિશ્વકર્માએ ઉપસ્થિત તમામ એ.પી.એમ.સી. ચેરમેનશ્રીઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી. જેમાં સહકારી ક્ષેત્રે શું વિશિષ્ઠ કરી શકાય છે તે બાબતે ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યની એ.પી.એમ.સી.એ પોતાના મોલ બનાવવા જોઈએ અને ખેડૂતોને પોતાના પાકના વધુમાં વધુ ભાવ મળી રહે તે દિશામાં કામ કરવું જોઈએ. એ.પી.એમ.સી. લેવલે ગ્રેડિંગ, વેલ્યુ એડીશન થઈ શકે તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. તેમણે બનાસ ડેરીનું ઉદાહરણ આપીને જણાવ્યું કે, બનાસ ડેરી દૂધ સાથે તેલ, બટાકા, મધ જેવા અનેક વ્યવસાય ઊભા કરીને પશુપાલકોની આવક વધારવા પ્રયત્નો કરી રહ્યાં છે.
મહેસાણા બજાર સમિતિના ચેરમેનશ્રી જયંતીભાઇ પટેલે જણાવ્યું કે, સહકાર ક્ષેત્ર થકી છેવાડાના વ્યક્તિને લાભ પહોંચે તે મુજબ રાજ્યની એ.પી.એમ.સી.એ કામ કરવું જોઈએ. એ.પી.એમ.સી. ખાતે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ ૪ કરોડ જેટલી માતબર સબસિડી આપવામાં આવે છે. તેમણે વિવિધ પ્રોડક્ટનું વેલ્યુ એડીશન કરીને વેચાણ માટે બજારમાં મુકવા પર ભાર મૂક્યો હતો.
બનાસ ડેરીના કાર્યકારી નિયામક અને બ્રિગેડિયર શ્રી વિનોદ બાજીયાએ પ્રેઝન્ટેશન રજૂ કરીને બનાસ ડેરીની વિકાસ ગાથા અંગે ઉપસ્થિતોને માહિતી આપી હતી. જેમાં વર્ષ ૨૦૨૫ ની સ્થિતિએ બનાસ ડેરી સાથે ૩૦ લાખ કેટલ અને ૧૦ લાખ ફાર્મર સાથે વર્ષ ૨૦૨૪-૨૫માં બનાસ ડેરી ૨૧,૨૯૫ કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. તેમણે કહ્યું કે સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ બનાસ ડેરી ગણી શકાય છે. દૂધ સાથે વિવિધ વ્યવસાય શરૂ કરીને ખેડૂતના ૧૦૦ રૂપિયા સામે ૮૨ રૂપિયા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે.
કાર્યક્રમમાં રાજ્ય રજીસ્ટ્રારશ્રી મિતેષ પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કરીને સેમિનાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી જ્યારે એચ.એમ.પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સેમિનારમાં રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઈ નાયક, સચિવશ્રી સંદીપ સાંગલે, બજાર સમિતિઓ અને દૂધ સંઘના ચેરમેનશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.