ઉત્તર ગુજરાતના કૃષિ સંબંધિત ઉદ્યોગો અને વેલ્યુ એડિસન આધારિત ઉદ્યોગોને આ કોન્ફરન્સ દ્વારા વેગ મળશે :-ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે યોજાઇ રહેલ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંગે મીડિયાના માધ્યમથી વિગતો પૂરી પાડતા ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આજે વટવૃક્ષ બનીને વૈશ્વિક રોકાણોને રાજ્યમાં લાવવામાં મહત્વની ઇવેન્ટ સાબિત થઈ છે.
ઉદ્યોગમંત્રીશ્રીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગે વાત કરતા કહ્યું હતું કે રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ૨૬૦૦થી વધુ એમઓયુ અને ૪૫,૦૦૦ કરોડથી વધુનું રોકાણ થયું હતું એમ જણાવીને મંત્રીશ્રીએ કહ્યું હતું કે આ વર્ષે પ્રાદેશિક સ્તરે ઝોનવાઈઝ અને જિલ્લા વાઇઝ આયોજનો થકી રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કરાયું છે.

શ્રી રાજપૂતે ઉમેર્યું હતું કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યના કેબિનેટ અને રાજ્ય મંત્રીશ્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો અને હાઇ કમિશનર સહિત જાણીતા ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે આ પ્રસંગે યોજાયેલા ટ્રેડ શો અને પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું છે. પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી ઉદ્યોગપતિઓ, નાના મોટા વેપારીઓ, વિવિધ એસોસિએશન અને માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા લોકો કોલેજના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો આ પ્રદર્શનની મુલાકાત લેશે એમ તેમણે જણાવ્યું હતું.
વધુ વિગતો પૂરી પાડતા શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે લગભગ ૧૮ હજાર વર્ગ મીટરના વિશાળ પ્રદર્શન ક્ષેત્રમાં ટ્રેડ શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા તેમજ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા ૪૦૦થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યાં છે. ઉદ્ઘાટન સમારોહમાં જ ૧૯થી વધુ એમઓયુ થયા છે. બે દિવસ દરમિયાન ૫૦થી વધુ સેમિનાર યોજાશે અને સેમિનાર દરમિયાન પણ વિવિધ એમઓયુ થશે.
રેલવે ક્ષેત્રમાં પણ મહત્વના ૩૦થી વધુ પ્રોજેક્ટ રાજ્યમાં ચાલી રહ્યા છે. જ્યારે ૩૧થી વધુ પ્રોજેક્ટનો સર્વે ચાલુ છે અને બુલેટ ટ્રેનની કામગીરી પણ પ્રગતિમાં છે. ઉત્તર ગુજરાતમાં બહુચરાજીથી કડી સુધી રેલવે લાઇનના વિસ્તાર અંગે પણ તેમણે વિગતો આપી હતી.
રિજ્નલ કોન્ફરન્સીસ અંગે વાત કરતા ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રિજ્નલ કોન્ફરન્સીસ દ્વારા અમે રાજ્યના ક્ષેત્રોની ઔદ્યોગિક અને આર્થિક તાકાત, રોકાણ માટેની તૈયારીઓ દર્શાવવાની સાથેસાથે ઉદ્યોગકારો, યુવા ઉદ્યોગસાહસિકો, લોકલ લીડરશિપ અને નાગરિકોની આકાંક્ષાઓને વેગ આપવાની સાથે વિકાસ સ્થાનિક સ્તરે પહોંચાડવા માંગીએ છીએ. બે દિવસની આ રિજનલ કોન્ફરન્સમાં સારું રોકાણ આવવાની સંભાવના છે તથા વધુમાં વધુ રોજગારીની તકો ઉભી થશે. ઉત્તર ગુજરાતના કૃષિ સંબંધિત ઉદ્યોગો અને વેલ્યુ એડિસન આધારિત ઉદ્યોગોને આ કોન્ફરન્સ દ્વારા વેગ મળશે એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ આયાત ઘટાડવા તથા લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવાના આયોજનો પ્રત્યે ધ્યાન આપીને સ્વદેશી અપનાવવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ આગામી સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)નું આયોજન કરવામાં આવનાર છે.
પ્રેસ બ્રિફિંગમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી મમતા વર્મા, ઉદ્યોગ કમિશ્નર શ્રી પી. સ્વરૂપ, INDEXTBના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.સી. સંપત ઉપસ્થિત રહ્યા હતા.