સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત બાકી રહેલ ત્રણ યોજનાનું લોકર્પણ કરાયુંગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કપડવંજ તાલુકાના શ્રી નિતીનભાઇ એમ. પટેલને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે રૂા.૫૧,૦૦૦/- પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરવામાં આવી
ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાના પ્રથમ અને બીજા તબકકામાં ચાર યોજનાઓનું લોકાર્પણ કરવામા આવ્યું હતું જયારે આજે ત્રીજા તબકકામાં બાકીની ત્રણ યોજનાઓ જેવી કે, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પુરી પાડવાની યોજના, ખેતી ખાતાની સ્માર્ટ હેન્ડ ટુલ કિટ તથા કાંટાળી તારની યોજનાનું લોકાર્પણ ખેડા જિલ્લામાં સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જયારે આ કાર્યક્રમનું ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઇ- લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર રાજયના ખેડૂત મિત્રોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ માર્ગદર્શક ઉદબોધન કર્યું હતું. આજે ખેડા જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યક્રમો નડિયાદ અને કપડવંજ મુકામે યોજાયા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ખેડૂત મિત્ર શ્રી નિતીનભાઇ મણીભાઇ પટેલને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે સન્માનિત કરાયા હતા અને તેઓને રૂા.૫૧,૦૦૦/-નો ચેક, પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે અસરકારક કૃષિ વ્યવસ્થાપન- કૃષિ ઉત્પાદકતા વધે, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂત પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ પાક વૃધ્ધિ તરફ વળે તે માટે રાજય સરકાર દ્વારા આત્મનિર્ભળ પેકેજ જાહેર કરાયું છે. તેઓશ્રીએ તાજેતરમાં કેન્દ્ર સરકારે પસાર કરેલ ખેડૂતો માટેના બિલની સમજણ આપી એકંદરે આ બિલથી ખેડૂતોને જ લાભ થશે તેમ જણાવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફળ અને શાકભાજી ઉત્પાદનનું સીધે સીધું ગ્રાહકોને વેચાણ થાય, ગુણવત્તા જળવાઇ રહે તે માટે રોડ સાઇડ વેચાણ કરતા નાના વેપારીઓને શેડ રૂપે છત્રીઓનું વિતરણ કરવા માટે વર્ષ ૨૦૨૦-૨૧માં બજેટમાં મોટી જોગવાઇ કરવામાં આવી હતી. આ લાભ રેશનકાર્ડ દિઢ એક વ્યકિતને દર બે વર્ષે લાભ આપવામાં આવશે. આ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. પરંતુ જો કોઇ નાના વેપારીને આ અરજી કરવાની ફાવે નહિ તે તેઓ ખેતીવાડી કચેરીની ઓફિસે અરજી આપી શકશે. ખેડા જિલ્લામાં ૧૮૩૬ છત્રીઓનું વિતરણ કરવામાં આવનાર છે. આ પૈકી માન્ય ૭૮૦ અરજીઓ આવેલ છે તેઓને મંજૂરી પત્રો આપવામા આવનાર છે. જયારે સ્માર્ટ હેન્ડ ટુલ કિટ સીમાંત ખેડૂત અને ખેત મજૂરો માટેની યોજના છે. આ યોજનામાં ખેડા જિલ્લાના જે ખેડૂતોએ અરજી કરી છે તેઓને લાભ આપવામાં આવશે. આ યોજના થકી ખેત મજૂરોને પડતા શ્રમને ધટાડવા તેમજ ખેત કામ ઝડપી કરી શકશે. આ યોજનામાં ૧૮ ખેત કિટ (સાધનો) માંથી ખેતમજૂર તેઓને જોઇતી કિટ ખરીદી શકશે અને તેઓએ એ કિટની મૂળ રકમના ફકત ૧૦ ટકા રકમ જ આપવાની રહેશે. આ માટે તલાટી કમ મંત્રીનો ખેત મજૂરનો દાખલો પણ જોડવાનો રહેશે. આ કિટની મદદથી ખેતીના ખર્ચમાં ઘટાડો થશે તેમજ કાર્યક્ષમતામાં વધારો થશે. કલેકટરશ્રી ત્રીજી યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ ખેતરમાં રોઝ-ભૂંડના ત્રાસથી બચવા માટે કાંટાળા વાડની યોજના હતી તેમાં સુધારો કરી હવે ચાર કે પાંચ ખેડૂત મિત્રો ભેગા થઇ આ યોજનાનો લાભ લઇ શકશે જેથી તેઓના ખેત ઉત્પાદનનું રક્ષણ થશે. કલેકટરશ્રી આઇ. કે. પટેલએ ઉપસ્થિત ખેડૂત મિત્રોને કોરોના સામે રક્ષણની પધ્ધતિઓ જણાવી તેનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા મદદનીશ ખેતી અધિકારીશ્રી ધવલભાઇ પટેલ દ્વારા યોજનાની માર્ગદર્શક રૂપરેખા આપવામાં આવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતમિત્રોને મહાનુભાવોને વરદહસ્તે મંજૂરી પત્રો ખેડૂતમિત્રોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અર્જૂનસિંહ ચૌહાણ, જિલ્લા ખેતીવાડિ અધિકારીશ્રી એ.આર.સોનારા, નાયબ બાગાયત અધિકારીશ્રી હિરેનભાઇ ત્રિવેદી, નાયબ ખેતી નિયામકશ્રી ભટ્ટ જિલ્લાનાં અગ્રણીઓ, પદાધિકારીશ્રીઓ તથા ખેડૂતમિત્રો ઉપસ્થિત રહયાં હતા.




