સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડી પદયાત્રાના યાત્રિકોને ખેડાના નડિયાદમાં રાત્રિ વિરામ સ્થળે આવકારતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

-: શ્રી વિજયભાઇ રૂપાણી :-

  • જે દેશની ભાવિ પેઢી દેશનો ભવ્ય ઇતિહાસ ન જાણતી હોય તે દેશ સુરક્ષિત ન રહી શકે
  • દેશની આઝાદીનો સંગ્રામ-સૌ સ્વાતંત્ર્ય વીર લડવૈયાઓના રાષ્ટ્ર સમર્પણ ભાવને ભાવિ પેઢી સમજે-જાણે અતિતના ઇતિહાસમાંથી પ્રેરણા લઇ ‘લિવ ફોર ધ નેશન’ સાકાર કરે તેવો રાષ્ટ્રભાવ આ અમૃત મહોત્સવ ભાવિ પેઢીમાં ઊજાગર કરશે
  • ભારત માતાની આઝાદીના શતાબ્દી સંકલ્પ રૂપે સૌ કોઇ ભવ્ય ભારત-ભય-ભૂખ-ભ્રષ્ટાચાર-ગરીબીમુકત ભારત-આત્મનિર્ભર ભારત-મહાસત્તા ભારત બનાવવાનો સંકલ્પ કરે તેવું આહવાન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ દેશ માટે મરી ફિટનારા – કુરબાન થનારા શહીદવીરોના સપના, પૂજય બાપૂ, સરદાર સાહેબ, સુભાષચંદ્ર બોઝ જેવા સપૂતોના સપના સાકાર કરી મા ભારતીને વિશ્વગુરૂ બનાવવાનો  અમૃત ઉત્સવ છે.

       આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સ્વતંત્રતાની લડતની આગેવાની લેનારુ ગુજરાત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત, ગરીબી, ભ્રષ્ટાચાર, ભય-ભૂખ વિનાનું શ્રેષ્ઠ ભારત બનવા જઇ રહ્યું છે તેની જનચેતના પણ આઝાદીના અમૃત મહોત્સવના ૭પ વર્ષના ઉજવણી કાર્યક્રમના પ્રારંભે દાંડીયાત્રાથી આ જ ભૂમિ પરથી જાગી છે.

       મુખ્યમંત્રીશ્રી તા.૧ર મી માર્ચે ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રાના ખેડા જિલ્લાના નડિયાદ ખાતેના રાત્રિ મૂકામ પ્રસંગના સાક્ષી બન્યા હતા.

       શ્રી વિજયભાઇ રૂપાણી આ યાત્રાના ૮૧ પદયાત્રિકોના સ્વાગત માટે સાંજે નડિયાદ પહોચ્યા હતા અને ગાંધી પ્રતિમાથી સંતરામ મંદિર સુધી યાત્રામાં સહભાગી થયા હતા.

       મુખ્યમંત્રીશ્રીએ દેશની આઝાદીના સંગ્રામને, તેના સૌ લડવૈયાઓને ભાવિ પેઢી સમજે, ગૌરવ ઇતિહાસ જાણે અને રાષ્ટ્ર માટે સમર્પણ ભાવની તમન્નાથી પ્રેરાય તેવા ઉદાત્ત હેતુથી આ અમૃત મહોત્સવ દેશને આવનારી પેઢીને ‘લિવ ફોર ધ નેશન’નો પ્રેરણા સંદેશ આપશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.

       તેમણે કહ્યું કે, આઝાદીના ૭પ વર્ષની આ અમૃત મહોત્સવ ઉજવણી ત્રણ ભાગમાં ઉજવીને ૭પ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા એવા વીર શહીદો, હુતાત્માઓ અને ૧૮પ૭ના સંગ્રામના ક્રાંતિવીરો જેમણે જીવન ખપાવી આઝાદી અપાવી તેનું ચિરસ્મરણ જન-જનમાં, મન-મનમાં ઊજાગર કરવામાં આ દાંડીયાત્રા ઉદીપક બનશે.

       મુખ્યમંત્રીશ્રીએ લોકમાન્ય તિલક, ખુદીરામ બોઝ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, મેડમ કામા, શ્યામજીકૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, તાત્યાટોપે અને મહર્ષિ અરવિંદ, ઝવેરચંદ મેઘાણી સહિતના અનેક નામી-અનામી વીરોએ ભારતમાતાની મુક્તિ કાજે જીવન ખપાવી દીધુ તેનું વંદન સ્મરણ કર્યુ હતું.  

       તેમણે ઉમેર્યુ કે, જે દેશનો ઇતિહાસ તેની ભાવિ પેઢી જાણતી ન હોય તે દેશ સુરક્ષિત ન રહી શકે, આ અમૃત મહોત્સવ એ ભાવિ પેઢીને અતિતના ઇતિહાસમાંથી પ્રેરણા લઇ આગળ વધવાનો અવસર પૂરો પાડશે, તેમ તેમણે જણાવ્યું હતું.

       મુખ્યમંત્રીશ્રીએ આઝાદી ચળવળમાં ખેડાના સત્યાગ્રહનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ખેડૂતો પરના લગાન સામે ગાંધીજીએ શરૂ કરેલો આ સત્યાગ્રહ ચંપારણ અને અમદાવાદ મિલ મઝદૂરોના વેતન માટેની લડાઇ પછીનો બ્રિટીશરો સામેનો ત્રીજો મોટો સત્યાગ્રહ હતો.

       તેમણે ઐતિહાસિક દાંડીયાત્રાનું પણ સ્મરણ કરતાં જણાવ્યું કે, દાંડીના દરિયા કિનારે એક ચપટી નમક-મીઠું ઉપાડીને પૂજ્ય બાપૂએ બ્રિટીશરોની ચુંગાલમાંથી દેશને મુકત કરવાનો પવન ફૂંકેલો. મીઠું-નમક એ દેશપ્રત્યેની વફાદારી, પ્રામાણિકતા અને દેશદાઝનું પ્રતીક બન્યું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

       મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ એટલે કે ૭પ વર્ષમાં ભારતે વિકાસની, પ્રગતિની જે રફતાર જાળવી તેને પણ આ મહોત્સવથી જન-જન સમક્ષ મૂકવાની છે.

       ભારત જ્યારે આઝાદીની શતાબ્દી એટલે કે ૧૦૦ વર્ષ પૂરાં કરશે ત્યારે આપણા સૌનો સંકલ્પ ભવ્ય ભારત, આત્મનિર્ભર ભારત, વિશ્વ મહાસત્તા ભારત બનાવવાનો જ હોય તેવું આહવાન તેમણે કર્યુ હતું.

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતને જમીનનો ટૂકડો નહિ, એક જીવતા જાગતા રાષ્ટ્રપુરુષની પ્રધાનમંત્રી સ્વ. અટલજીએ આપેલી ઉપમાને યાદ કરતાં ઉમેર્યુ કે, એ જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ સમાન ભારત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં એક નવી તાકાત સાથે પ્રસ્થાપિત થયો છે.

       કોરોનાની વેકસીન ભારતે વિશ્વને આપી, સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇકથી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો. હવે એ જ ભારત સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસના મંત્રથી ખેડૂત, ગરીબ, પીડિત, શોષિત હરેકને સાથે જોડીને વિકાસના અવસર આપીને વિશ્વગુરુ બનવાનું છે.

       મુખ્યમંત્રીશ્રીએ આ પદયાત્રામાં સાબરમતી આશ્રમથી નડિયાદ સુધીનું ૭પ કિ.મી.નું અંતર પદયાત્રીઓ સાથે ચાલીને કાપનારા અને યાત્રામાં સહભાગી બનેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલનો વિશેષ આભાર સમગ્ર ગુજરાત વતી વ્યકત કર્યો હતો.

       પ્રારંભમાં નડિયાદના વિધાયક અને વિધાનસભામાં મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇએ સૌને આવકાર્યા હતા.

       કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલે આ અમૃત મહોત્સવના ૭પ સપ્તાહ સુધીના બહુઆયામી અને રાષ્ટ્રવ્યાપી આયોજનની દીર્ઘદ્રષ્ટિનું શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વને આપ્યું હતું.  

       કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ દેશની આઝાદીના ૧૦૦ વર્ષ જ્યારે પૂર્ણ થાય ત્યારે પ્રત્યેક ભારતવાસી રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત ભાવથી પોતાનું યોગદાન અવશ્ય આપશે, તેવો ઉત્સાહપ્રેરક માહોલ આ અમૃત મહોત્સવ ઊભો કરી રહ્યો છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.

       તેમણે પૂજ્ય બાપૂની ઐતિહાસિક દાંડીયાત્રાની આ પુનર્જીવિત પદયાત્રામાં પોતાને જોડાવા મળ્યું તે ક્ષણને ગૌરવ ક્ષણ ગણાવીને ગુજરાતના પદયાત્રીઓ સહિત પ્રશાસન, નાગરિકો સૌનો આભાર વ્યકત કર્યો હતો.

       આ અવસરે ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ, મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન, નગરપાલિકા પ્રમુખ રંજનબહેન અને પ્રદેશ મંત્રી જ્હાનવીબહેન, સંતરામ મંદિરના મહંતશ્રી અને નગરજનો પદયાત્રીકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM