ખેડા જિલ્લામાં ૨૦૦ થી વધુ રોજગાર વાંચ્છુઓને નિમણૂંક પત્રો એનાયત કરાયા
દેશના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ચિંતન અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આજે દેશમાં ક્ષેત્રે પ્રથમ હરોળમાં છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના પારદર્શિત વહિવટ થકી પાંચ વર્ષ દરમ્યાન થયેલા કામોનો વાર્તાલાપ પ્રજા સમક્ષ કરવા માટે આ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તેમ મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે આજે ખેડા જિલ્લાનાં નડિયાદ ખાતે યોજાયેલા રોજગાર દિવસની ઉજવણી પ્રસંગે રોજગાર વાંચ્છુઓને નિમણૂંક પત્રો એનાયત કરતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સરકારી યોજનાઓનાં લાભ સાચા અર્થમાં લાભાર્થીઓ સુધી પહોંચે અને વધુમાં વધુ પ્રજા કલ્યાણલક્ષી કાર્યો થાય તે દિશામાં રાજ્ય સરકાર ચિંતિત છે અને એટલે જ આવા કાર્યક્રમો યોજવાનું સરકારનું પ્રયોજન છે. દરેક વિભાગનાં લાભાર્થીઓને સ્થળ પર જ લાભ મળે તે માટે સતત નવ દિવસ દરમ્યાન આવા કાર્યક્રમોનું આયોજન કરી પ્રજાલક્ષી કાર્યો કરવાનો આ પ્રસંગ છે તેમ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ચાર આધારસ્તંભો પર સ્થિત છે. સંવેદન સરકાર, નિર્ણાયક સરકાર, પારદર્શિ સરકાર અને પરિણામલક્ષી સરકાર. આજે આ તમામ નિર્ણયો આધારિત અનેક પ્રજા કલ્યાણલક્ષી કાર્યો પારદર્શિતાયુક્ત કર્યા છે અને હજુ પણ કરવાના છે. રાજ્ય સરકારે સેવાસેતુ, ગરીબ કલ્યાણલક્ષી કાર્યો, રોજગાર ભરતી મેળા, ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ, મહેસુલી કાર્ય પધ્ધિતને ઓનલાઇન કરવી, મહિલાઓને સ્વરોજગારી તેમના ઉત્કર્ષ માટે યોજનાઓ અમલમાં મુકવી યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ માટેની સુવિધા જેવા અનેકવિધ પ્રજાકલ્યાણ અને પ્રગતિનાં કામો સીધા જ આપ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા આજે રોજગાર દિવસે યુવાનો માટે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે, ત્યારે આ સરકારનાં પાંચ વર્ષ પુરા થયા તે દરમ્યાન આજદિન સુધીમાં ૧૧ લાખથી વધુ યુવાનોને રોજગારી આપી રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે. તેમ જણાવી મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં બેરોજગાર થયેલા ૫૫,૦૦૦ થી વધુ લોકોને રોજગારી આપવામાં આવી છે.
પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આજના રોજગાર દિવસની ઉજવણી પ્રસંગે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણે, રાજ્ય સરકારની પાંચ વર્ષની સિધ્ધિઓનો ચિતાર આપી ઉદ્યોગ, માર્ગ મકાન, ગરીબ કલ્યાણ અને મહિલા ઉત્કર્ષ તથા ખેડૂતલક્ષી કામો લોકહિત સુધી પહોંચાડી આ સરકાર પ્રજાકલ્યાણને વરેલી છે તેમ કહ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા શ્રી કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવે, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબહેન, નિવાસી નાયબ કલેકટરશ્રી બી.એસ.પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રી વિકાસ શાહ, પ્રદેશ મંત્રી જ્હાનવી વ્યાસ સહિત નગરના અગ્રણીઓ, જિલ્લાના પદાધિકારીઓ, નગરજનો તથા લાભાર્થીઓ, અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



