
દાહોદનાં ગ્રામીણ વિસ્તારનાં ૮૨ હજારથી વધુ આદિવાસી પરિવારે મેળવ્યું પોતાનું પાકું ઘર
આદિવાસી બંધુઓને રૂ. ૯૫૭ કરોડથી વધુની રકમ સબસીડી તરીકે પાકા ઘર બનાવવા માટે ચૂકવાઇ
વાત ૧ : ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા આદિવાસી ખેડૂત છત્રસિંહ બારીયાએ ૫૮ વર્ષની ઉંમરે આખરે પોતાના પાકા મકાનનું સપનું સાકાર કર્યું છે. દાહોદનાં પાલ્લી ગામનાં છત્રસિંહ વર્ષોથી કાચા મકાનમાં રહેતા હતા પરંતુ ગત વર્ષે તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જુદા જુદા હપ્તામાં ૧.૨૦ લાખની સહાયથી પોતાના પરિવાર માટે પાકી છત સહિતનું સરસ ઘર બનાવ્યું છે. તેમણે પોતાના પરિવાર સાથે મળીને જાતે જ છ મહિનામાં ઘર તૈયાર કરી દેતા અતિરિક્ત રૂ. ૨૦ હજારની સહાય પણ મળી અને નરેગા હેઠળ રૂ. ૧૭૨૮૦ મજૂરીનાં પણ મેળવ્યા છે. છત્રસિંહની જેમ દાહોદનાં હજારો ગરીબ આદિવાસી પરિવારે પોતાના ઘરનું સપનું પુરૂ કર્યું છે.
વાત ૨ : સંજેલીના પિછોડા ગામના વતની ઉદેસિંગ બારીયાએ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું પાકું ઘર બનાવ્યું છે. સરકારની સહાય મળતાં જ ઉદેસિંગ પોતાનું ઘર બનાવી શકયા હતા અને પોતાના બહોળા પરિવાર માટે મજબૂત અને સુરક્ષિત આવાસ મેળવ્યું હતું. કાચા મકાનની અનેક મૂશ્કેલીઓમાંથી પણ તેઓને મુક્તિ મળી છે.

દરેક માણસ ઇચ્છે છે કે તેનું પોતાનું એક ઘર હોય પરંતુ આર્થિક કારણોસર તે સપનું પુરૂ થઇ શકતું નથી. સામાન્ય માણસની પોતાના ઘરના સપનાને સાકાર કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘર મેળવી આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે ત્યારે દાહોદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઇને ગ્રામ્ય વિસ્તારોમાં ૮૨,૧૩૨ પરિવારોએ પોતાનાં ઘરનું સપનું સાકાર કર્યું છે.
દાહોદ જિલ્લામાં મોટેભાગે ખેતી અને પશુપાલન થકી સામાન્ય માણસ ગુજરાન ચલાવે છે ત્યારે પોતાનું પાકું ઘર હોય એવું સપનું દરેક પરિવારનું હોય છે. જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૯૧,૨૫૭ લોકોની અરજી મંજૂર કરવામાં આવી છે. જયારે ૮૨,૧૩૨ લોકોને રૂ. ૯૫,૭૦૮.૫૦ લાખની સબસીડીનો લાભ આપવામાં આવ્યો છે એટલે કે રૂ. ૯૫૭ કરોડથી પણ વધુની રકમ સબસીડી તરીકે આપવામાં આવી છે.
દાહોદના શહેરી વિસ્તારોની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦માં દાહોદમાં ૧૧૦, દેવગઢ બારીયામાં ૩૨ તેમજ ઝાલોદમાં ૨૯ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. જયારે વર્ષ ૨૦૨૧માં દાહોદમાં ૮૮, દેવગઢ બારીયામાં ૪૪ તેમજ ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં ૩૬ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે અને લાભાર્થીને સબસીડીનો લાભ મળી ગયો છે.

