ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રોજગાર દિવસની ઉજવણી વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને યોજાઇ

મહાનુભાવોના હસ્તે ૨૩ ઉમેદવારોને સ્થળ પર  નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા

માળખાકીય સવલતો, કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિ સલામતીના કારણે વિપુલમાત્રામાં રોજગારી તકોનું સર્જન કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ -: મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ

ભરૂચઃ શુક્રવાર :- ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શરૂ કરાયેલા રાજયવ્યાપી નવદિવસીય સેવાયજ્ઞના ભાગરૂપે આજે છઠૃા દિવસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ  ખાતે રોજગાર દિવસની ઉજવણી વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. શ્રમ અને રોજગાર વિભાગ આયોજિત રોજગાર દિવસ નિમિત્તે મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ તથા મહાનુભાવોના હસ્તે ૨૩ ઉમેદવારોને સ્થળ ઉપર નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

        કાર્યક્રમમાં મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે પ્રજાલક્ષી કાર્યક્રમોને લોકો સમક્ષ રજૂ કરવાનો  અને તેનો વ્યાપ વધારવાનો એક પ્રયાસ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી ગુજરાતની વિકાસયાત્રા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વવાળી ટીમ ગુજરાત વધુ તેજ રફતારથી આગળ વધી રહી છે. નિર્ણાયક સરકારે ગુજરાતના જનજનના વિકાસ માટે સંવેદનશીલ અભિગમ સાથે જન કલ્યાણલક્ષી અનેકવિધ યોજનાઓ સુચારુ રીતે અમલમાં મુકી ક્રાંતિ સર્જી છે તેમ જણાવ્યું હતું.

        નવ દિવસના અભિયાન અંતર્ગત વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત એ એક વિક્રમ બની રહેશે તેમ જણાવતાં મુખ્ય દંડકશ્રી દેસાઈએ ઉમેર્યું કે, પાંચ વર્ષના કાર્યકાળમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તાઉતે વાવાઝોડું અને કોરોના મહામારી જેવી વિકટ સમસ્યાઓમાં પણ ગુજરાત સરકારે વિકાસના કાર્યોને અટકવા દીધા નથી. શિક્ષણ, રોજગાર, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ, પીવાનું પાણી – રહેઠાણ આદિવાસી બંધુઓનો વિકાસ તમામ અદભૂત કામગીરી કરી ગુજરાતે પોતાની આગવી ઓળખ પુરી કરી છે. નિર્ણાયક નેતૃત્વ હેઠળ પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના દર્શન જન જને કર્યા છે.

        મુખ્ય દંડકશ્રી દેસાઈએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે વિકસતુ રાજ્ય છે. માળખાકીય સવલતો, કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિ સલામતીના કારણે વિપુલમાત્રામાં રોજગારી તકોનું સર્જન કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. યુવાઓ પોતાના કૈશલ્ય દ્વારા રોજગારી મેળવી પગભર બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

તેમણે રોજગારી અને રોજગાર ભરતી મેળાની વિસ્તૃત વિગતો આપતાં વર્ષ – ૨૦૨૧-૨૨ માં કુલ – ૪૭૩૮૮ ઉમેદવારોને રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પુરી પાડવામાં આવે છે. જે પૈકી ૩૭૫ વર્ચ્યુઅલ ભરતી મેળાના આયોજન થકી ૧૮૭૧૯ ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલ છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા કુલ – ૧૭૩૧૭૫૯ ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવે છે. લશ્કરી/અર્ધલશ્કરી દળોમાં ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યવ્યાપી ૨૯૧ તાલીમવર્ગોના આયોજનથી ૮૦૫૬ ઉમેદવારોને શારીરિક તથા લેખિત કસોટી અંગેની સઘન તાલીમ આપવામાં આવેલ છે. છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલ સંરક્ષણ ભરતી મેળામાં રાજ્યની રોજગરા કચેરીઓના પ્રયત્નોને કારણે ૫૨૨૫ ઉમેદવારો પસંદગી પામેલ છે. કોરોના કાળ દરમિયાન રોજગાર કચેરીઓની અસરકારક કામગીરી રહેવા પામી છે. દેશમાં સૌ પ્રથમ વખત રોજગાર સેતુ પ્રોજેક્ટ અમલમાં મુકેલ જેનો જાન્યુઆરી – ૨૦૨૧ થી ૫૫૦૦૦ થી વધુ યુવાનોએ લાભ લીધો હતો તેમ જણાવ્યું હતું.

ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જીન છે. મેન્યુફેકચરીંગ હબ છે. સૌથી વધારે મૂડી રોકાણ ગુજરાતમાં થાય છે. ભરૂચ જિલ્લામાં ટાંકણી થી માંડીને જહાજ બનાવવાની કામગીરી માટેન ઔદ્યોગિક એકમો આવેલ છે ત્યારે યુવાનોએ પોતાનું કૌશલ્ય બતાવીને આવા ઔદ્યોગિક એકમોનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ ભરતી યોજનાની પણ માહિતી આપી હતી.

જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયાએ રાજ્ય સરકારના સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારે કરેલા કાર્યોની વિસ્તૃત જાણકારી આપી હતી.

પ્રારંભમાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ સ્વાગત પ્રવચનમાં રોજગાર દિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં ખાનગીક્ષેત્ર, સરકારી ક્ષેત્રની નિમણૂંકો, એપ્રેન્ટીસ એમ વિવિધ વિભાગોના કુલ – ૩૭૦૦ ના લક્ષ્યાંક સામે ૪૨૧૨ ઉમેદવારોને એનાયતપત્રો આપવામાં આવશે. અંતમાં આભારવિધિ આઈ.ટી.આઈ. અંકલેશ્વરના આચાર્ય શ્રી બી.ડી.રાવલે કરી હતી. આ સાથે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતમાં થયેલ સુરત ખાતેના કાર્યક્રમનો લોકોએ જીવંત પ્રસારણ પણ નિહાળ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલ, ઉપપ્રમુખશ્રી ભરતભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, શ્રી ગેમલસિંહ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા, જિલ્લા-તાલુકા પંચાયત- નગરપાલિકાના સદસ્યો, જિલ્લાની આઈ.ટી.આઈના અધિકારીગણ, જુદી-જુદી કંપનીઓના પ્રતિનિધિઓ અને રોજગાર વાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM