રાજપીપલા ખાતે ગુજરાતના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં “રોજગાર દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી- સૌના વિકાસના

રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, સિંચાઈ સહિત વિવિધ માળખાકીય સુવિધા ઉભી કરવાની સાથે અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે

મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર અને અન્ય મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લામાં ૬૯ જેટલા  રોજગાર વાંચ્છુઓને નિમંણૂક પત્રો અને ખાનગી ક્ષેત્રમાં ૪૭૨ જેટલા રોજગાર વાંચ્છુઓને રોજગારી પત્રો એનાયત

જિલ્લા વહિવટીતંત્રના “નોંધારાના આધાર” પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થી પરિવારની મહિલાને મંત્રીશ્રી પરમારના હસ્તે બપોરનું ભોજન પીરસવાની  સાથેજીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની કિટ્સ એનાયત

          રાજપીપલા,શુક્રવાર :-  મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી  નીતિનભાઇ પટેલના નેતૃત્વની સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે આજે “રોજગાર દિવસ” અંતર્ગત ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઇ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન  અને જિલ્લાના અગ્રણીશ્રી  ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણા, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.પાંડે, જિલ્લાના અગ્રણી શ્રી રમણભાઈ રાઠોડ, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી સહિત અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, રોજગાર વાંચ્છુઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે  “રોજગાર દિવસ” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

        ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલની નેતૃત્વની સરકારે રોજગાર વાંચ્છુઓને ઘર આંગણે જ રોજગારી મળી રહે તે માટે શૈક્ષણિક ક્ષેત્રમાં અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્યલક્ષી માનવબળની ઉપલબ્ધિ માટે ઔદ્યોગિક ભરતી મેળાઓનો નવતર અભિગમ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકીને રોજગારીની તકોનું નિર્માણ કરીને નોકરીદાતાઓને રોજગારી પૂરી પાડી છે. 

          રોજગાર વાંચ્છુઓને સરળતાથી રોજગારલક્ષી માહિતી સમયસર મળી રહે તે માટે વેબ પોર્ટલ થકી કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાની સાથે ગુજરાતના યુવાનો ભારતીય સેનામાં જોડાય તે માટે નિવાસી તાલીમ યોજના અંતર્ગત સંબધિત ભરતી અધિકારીશ્રીઓના સહયોગથી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યવ્યાપી તાલીમવર્ગોના આયોજનથી  ઉમેદવારોને શારીરિક તથા લેખિત કસોટી અંગેની સઘન તાલીમ આપવામાં આવી છે. નર્મદા જિલ્લામાં પણ “રોજગાર દિવસે” સરકારી ક્ષેત્રમાં નિમણૂકોની સાથે એપ્રેન્ટિસ, આઉટસોર્સિંગ ક્ષેત્રોમાં ઉમેદવારોને એનાયત પત્રો આપીને રોજગારી પૂરી પાડી છે.

        વધુમાં શ્રી પરમારે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં પણ સરકારીશ્રી દ્વારા ઓનલાઇન ભરતી મેળા યોજીને રોજગારી આપવાનું કામ કર્યું છે. નાણાકીય વર્ષ મુજબ ભરતી મેળાની વિગત આપતા જણાવ્યું હતું કે,  રાજ્યમાં વર્ષ ૨૦૧૭-૧૮ થી લઈને વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ૧૬૭ ભરતી મેળા યોજીને ૧૬,૭૭૭ લોકોને ભરતીમેળાનું પ્લેસમેન્ટ પૂરું પાડવાની સાથે કેલેન્ડર વર્ષ મુજબ ૨૦૧૭ થી લઈને વર્ષ-૨૦૨૧ સુધીમાં ૧૭૯ ભરતી મેળા યોજી ૧૮ હજારથી વધુ લોકોને પ્લેસમેન્ટ પૂરૂં પાડ્યું છે.

          રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, સિંચાઈ સહિત વિવિધ માળખાકીય સુવિધા ઉભી કરવાની સાથે અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે. રાજ્યના યુવાનોને કૌશલ્યથી સક્ષમ બનાવી રોજગારીની તકો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

          રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની નેતૃત્વની સરકારે “ખેલ મહાકુંભ” થકી રમતગમત ક્ષેત્રે પણ વિકાસ સાધ્યો હોવાની સાથે હાલમાં ચાલી રહેલી ટોક્યો ઓલમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની ૬ દિકરીઓને પ્રત્યેકને રૂ.૧૦ લાખની નાણાકીય સહાય આપવાની  જાહેરાત  કરીને મહિલાઓ માટે હિતકારી નિર્ણય લીધો હોવાનું મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું.

         આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી શ્રી  ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.

         આ પ્રસંગે મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે શિક્ષણ વિભાગમાં સહાયક શિક્ષક-૪૮, આરોગ્ય વિભાગમાં સ્ટાફનર્સ -૧૯, એસ. ટી. વિભાગ,વિજ વિભાગ સહિત  કુલ-૬૯ જેટલા  રોજગાર વાંચ્છુઓને  નિમંણૂક પત્રો એનાયત કરવાની સાથે એપ્રેન્ટિસ અને ખાનગી ક્ષેત્રમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ કંપનીઓ અંતર્ગત ૪૭૨ સહિત  કુલ-૫૪૧ જેટલા રોજગાર વાંચ્છુઓને રોજગારીના એનાયત પત્રો આપ્યા હતા

         સુરત ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં “ રોજગાર દિવસ” નિમિત્તે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમના ઓનલાઇન  માધ્યમ થકી કરાયેલા જીવંત પ્રસારણ નિહાળવાની સાથે પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના સુશાસન નિમિત્તે ફિલ્મ નિદર્શન પણ ઉપસ્થિત સહુ કોઇએ નિહાળ્યું હતું.

          પ્રારંભમાં  રાજપીપલા આઈ. ટી. આઈના આચાર્યશ્રી વી. ડી. પટેલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.પાંડેએ આભારદર્શન કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સેવાભાવી સંસ્થાઓ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અગ્રણીઓ, પ્રજાજનો વગેરેના સહયોગથી હાથ ધરાયેલા “નોંધારાના આધાર” પ્રોજેક્ટ અંતર્ગત દશામાના મંદિર સામે ટેકરા ફળીયા વિસ્તારમાં લાભાર્થી પરિવારની મહિલાને બપોરનું ભોજન પીરસવાની  સાથે આવશ્યક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની કિટ્સ એનાયત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે આ પ્રોજેક્ટ સંદર્ભે  મંત્રીશ્રીને ઝીણવટભરી જાણકારી સાથે વાકેફ કર્યાં હતાં. મંત્રીશ્રી પરમારે આ કામગીરીથી અંત્યત પ્રભાવિત થઇ “ટીમ નર્મદા” ની  સંવેદનાસભર આ માનવીય કામગીરી બિરદાવી અભિનંદન આપ્યાં હતાં.       

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM