કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતેથી તેમજ આણંદ ગાંધીજીની પ્રતિમા પાસેથીકલેકટર શ્રી મનોજ દક્ષિણી સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવશે.
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન “સ્વચ્છ ભારત” અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આણંદ જિલ્લામાં આજે તા. રજીના રોજ પૂ. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિથી આણંદ જિલ્લામાં સવારના ૯-૦૦ કલાકે કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતેથી અને ૯-૩૦ કલાકે આણંદની ગાંધીજીની પ્રતિમા પાસેથી જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સ્વચ્છતા ઝુંબેશ રેલીનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આ જ રીતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે.
જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીની અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમના સુચારૂં આયોજન અર્થે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ રેલી દરમિયાન સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અંગે સુત્રોચાર અને કચરો ઉપાડીને તેમજ ખાસ કરીને પ્લાસટીક મુકત જિલ્લાની વિભાવનાને સાકાર કરવા લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવે તે જોવા સંબંધિતોને સુચવ્યું હતું. કલેકટરશ્રીએ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ નિર્મળ પર્યાવરણ નિર્માણ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ), હેઠળ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના તમામ ગ્રામ્ય અનેશહેરી કક્ષાએ સ્વચ્છતા ઝુબેશ અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આ વર્ષને દેશની આઝાદીના અમૃત મહોત્સવ ૭૫ વર્ષ નિમિત્તે સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા “ક્લિન ઇન્ડીયા” પ્રોગ્રામ અંતર્ગત તા.૩૧મી ઓક્ટોબર ૨૦૨૧ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું જણાવી આ મિશનનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે વધુ સભાનતા કેળવાય અને સ્વચ્છતા વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બને અને સ્વચ્છતા સંબંધી લોકોમાં જાગૃતિ અને સકારાત્મક વર્તનને પ્રોત્સાહન મળી રહે તે જોવા કહ્યું હતું.
કલેકટરશ્રીએ જિલ્લામાં અલગ-અલગ કાર્યક્રમો દ્વારા સ્વચ્છ ભારત મિશનમાં જનભાગીદારી દ્વારા અમલી બનાવવામાં આવે તેમજ જિલ્લામાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને એન.એસ.એસ વિધાર્થીઓ દ્વારા ઘેર-ઘેર પહોંચીને કચરો અને પ્લાસ્ટીક એકઠું કરવામાં આવે તે જોવાની સાથે જળસ્ત્રોતોની સફાઇ, ગામડાઓના બ્યુટીફીકેશનનું કામ તેમજ હેરિટેજ સાઇટ, યાત્રાધામો, શૈક્ષણિક સંકુલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, નેશનલ હાઈવે, સ્થાપત્યો, મંદિરો ધાર્મિક સ્થળો હોસ્પિટલોની પણ સાફ સફાઈ કરવામાં આવે તે જોવા પણ જણાવ્યું હતું.
સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આણંદ જિલ્લામાં છેવાડાના માનવી સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચાડવાનું ખાસ અભિયાન ચલાવીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરી પ્લાસ્ટીકનો કચરો ડોર ટુ ડોર કલેકશન કરીને પધ્ધતિસર નિકાલ કરવામાં આવે તે જોવા પણ કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ જિલ્લાના યુવાનો, પ્રબુધ્ધ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠનો, ચુંટાયેલા પદાધિકારીઓ સહિત જિલ્લાના નાગરિકોને સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થઈ સહયોગ આપી આણંદ જિલ્લાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા અપીલ કરી છે.
આ બેઠકમાં નિવાસી કલેકટરશ્રી પી. સી. ઠાકોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. વી. દેસાઇ, પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, નહેરુ યુવા કેન્દ્રના સંયોજકશ્રી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




