શ્રમજીવી, તવંગર કે ગરીબના ભેદભાવ વિના કોઇપણ વ્યક્તિ “મા અન્નપૂર્ણા ભોજનાલય”માં માત્ર રૂ.૨૦માં સ્વાદિષ્ટ ભોજન કરી શકશે
પ્રતિદિન રૂ. ૪૦૦-૫૦૦ કમાનારાઓની રાત-દિવસની મહેનત પછી બચત બનવાનું કારણ “મા અન્નપૂર્ણા ભોજનાલય બનશે : પ્રભારી મંત્રીશ્રી સંઘવી
ગાંધીનગર જિલ્લાના કોબા – અડાલજ હાઇવે ઉપર,મા અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ સંચાલિત અદ્યતન સુવિધાપૂર્ણ મા અન્નપૂર્ણા ભોજનાલયનો ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજથી પ્રારંભ કરાવ્યો હતો.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રીએ મુખ્ય મહેમાન પદેથી, આ પ્રોજેક્ટ પૂરો કરવામાં જે લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે તેમની સરાહના કરતા જણાવ્યું હતું કે, લોકડાઉનને લીધે અનેક ગરીબો ભુખ્યાં મરી જશે અને સિવિલા વોર ફાટી નીકળશે એવી વિદેશી અખબારોની હેડલાઇન છાપતાં લોકોને ગુજરાતની માનવતા,ઉદારતા અને સંસ્કાર વિશે કંઇ જ ખબર નથી. સરકારની સાથે સાથે, લોકડાઉન વખતે ગુજરાતમાં ધાર્મિક-સામાજિક સંસ્થાઓ અને અનેક લોકો ભેગા થઇને ભુખ્યાંને ભોજન કરાવતા હતા. આજેય અનેક સમાજો ભેગા થઇને સબ્સિડાઇઝ દરે ભોજન આપવાનું કાર્ય કરે છે તેને હું અભિનંદન આપું છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રતિદિન રૂ. ૪૦૦-૫૦૦ કમાનારાઓની રાત-દિવસની મહેનત પછી, બચત બનવાનું કારણ “મા અન્નપૂર્ણા ભોજનાલય” બનશે,કારણ કે, અહીં માત્ર રૂ. ૨૦માં દાળ,ભાત,શાક,રોટલી,કઠોળ સહિતનું ભોજન મળવાનું છે. ગુજરાતની સફળતાનું પણ આ જ કારણ છે કે, અહીંની સામાજિક સંસ્થાઓ ઘણી એક્ટિવ છે, જેનો લાભ મધ્યમ વર્ગના લોકોને મળે છે.૨૫ કરોડના ખર્ચે વિદ્યાર્થીઓને ભણવા માટે હૉસ્ટેલ,શારદા-મણી કોમ્યુનિટી હોલ અને રૂ. ૪૦-૪૫ લાખના ખર્ચે હવે ભોજનાલય –આ બધી વ્યવસ્થાઓ માટે તેમણે સંસ્થાના શ્રેષ્ઠીઓનો આભાર માની ઉમેર્યું કે,સરકાર,સમાજ અને સંગઠનની ઉદારતા – માનવતા જ ગુજરાતના વિકાસની ગતિને આગળ વધારી રહી છે.
નવી જાહેર કરાયેલી આઇ.ટી.પોલિસી ૨૦૨૨નો લાભ લેવા રાજ્યના યુવાનોને અનુરોધ કરતા શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો યુવાન હૈદરાબાદ કે બેંગ્લોર કે વિદેશ જઇને જે પગાર મેળવે છે તે ગુજરાતના આંગણે મેળવે એ પ્રકારે આ પોલિસી બનાવવામાં આવી છે.આ પોલિસીને લીધે ખૂબ મોટી આઇ.ટી. કંપનીઓએ ગુજરાત તરફ વળવું પડશે.
આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીનું શાલ ઓઢાડીને અને સ્મૃતિ ચિહન આપીને સ્વાગત-સન્માન કરાયું હતું. તેમજ મુખ્ય દાતા સુશ્રી શ્રીદેવીબેન હિરેનભાઇ ચોકસી અને અન્ય દાતાઓનું પણ સન્માન કરાયું હતું.
આ તકે મા અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના ચેરમેન અને રાજ્ય સભાના સાંસદશ્રી નરહરી અમીને સ્વાગત પ્રવચનમાં દાતાઓના દાન અને સંસ્થાના કાર્યોની વિગતો આપી હતી.
આ વેળાએ ગાંધીનગરના મેયરશ્રી હિતેશભાઇ મકવાણા,વિવિધ પદાધિકારીઓ,ભાજપ પક્ષના કાર્યકર્તાઓ, દાતાઓ, મા અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અને લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.





