
ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના ડાયરેક્ટરશ્રી ડૉ. નિતેશ ધવનના અધ્યક્ષપદે રાજપીપલાના ડૉ.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ગ્રામઉદ્યોગ વિકાસ યોજના અંતર્ગત ગ્રામીણ ઉદ્યોગ જાગૃત્તાનો કાર્યક્રમ યોજાયો

ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના ડાયરેક્ટરશ્રી ડૉ. નિતેશ ધવન સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નાંદોદની કુલ-૨૯ જેટલી આર-સેટીની તાલીમાર્થી બહેનોને બ્યુટીપાર્લર અને મેનેજમેન્ટની સ્વરોજગારલક્ષી તાલીમના પ્રમાણપત્ર એનાયત કરાયાં
શૈશવ રાવ
ખાદી અને ગ્રામઉદ્યોગ આયોગ, અમદાવાદ અને જિલ્લા લીંડ બેન્કના સંયુક્ત ઉપક્રમે ગ્રામઉદ્યોગ વિકાસ યોજના અંતર્ગત ગ્રામીણ ઉદ્યોગ જાગૃત્તાના યોજાયેલા કાર્યક્રમમાં ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના ડાયરેક્ટરશ્રી ડૉ. નિતેશ ધવન, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના એડીશનલ ડાયરેક્ટરશ્રી અજય રાજપાલ અને જગવિરસિંગ, લીંડ બેન્કના મેનેજરશ્રી રાકેશકુમાર સિહં, શ્રી વૅદ પ્રકાશ, આર.સૅટી.ફૅકલ્ટી નિલેશભાઇ વસાવા અને ટીમના શ્રીમતી મનિષાબેન ગાંધી, શ્રી હૈદરઅલી રાઠોડ, લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે રાજપીપલાના ડૉ.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ગ્રામીણ ઉદ્યોગ જાગૃત્તાના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના ડાયરેક્ટરશ્રી ડૉ. નિતેશ ધવને પ્રાસંગિક ઉદબોધમમાં જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ દ્વારા અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અમલી છે. નર્મદા જિલ્લાને અસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયેલ છે ત્યારે નર્મદા જિલ્લાના શહેરી-ગ્રામ્ય કક્ષાના સ્થાનિક લોકો પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમનો લાભ લઇને સ્વરોજગારી મેળવીને આત્મનિર્ભર બને તેવી નેમ શ્રી ડૉ. ધવને વ્યક્ત કરી હતી.
ડૉ. ધવને વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમએ સરકારશ્રીનો ફ્લેગશીપ કાર્યક્રમ છે. ખાદી અને ઉદ્યોગક્ષેત્રમાં મધમાખી ઉછેર, બ્યુટીપાર્લર, સુથારી-દરજીકામ, વેજીટેબલ નર્સરી અને ખેતી, પશુપાલન અને વર્મીકંપોસ્ટ, વાંસમાંથી વિવિધ બનાવટોની વસ્તુઓ બનાવવાની સાથે માર્કેટીંગવિવિધ યોજનાઓ અને કુમારી સશક્તિકરણ મિશનને પણ પ્રોત્સાહન મળવાની સાથે લઘુ, સુક્ષ્મ અને મધ્યમક્ષેત્રના ઉદ્યોગને વધુ વેગ મળવા ઉપરાંત આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સ્વપ્ન પણ ચરિતાર્થ થશે તેમ શ્રી ડૉ. ધવને જણાવ્યું હતું.
આ પ્રસગે ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના એડીશનલ ડાયરેક્ટરશ્રી અજય રાજપાલ અને જગવિરસિંગે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમની પાવરપોઇન્ટ પ્રેજન્ટેશનમ દ્વારા વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. લીંડ બેન્કના મેનેજરશ્રી રાકેશકુમારે સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી લોકોને બેન્ક કઇ રીતે સહાયરૂપ બની રહી છે તેની સમજૂતી આપી હતી.
ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના ડાયરેક્ટરશ્રી ડૉ. નિતેશ ધવન સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નાંદોદ તાલુકાની કુલ-૨૯ જેટલી આર-સેટીની તાલીમાર્થી બહેનોને બ્યુટીપાર્લર અને મેનેજમેન્ટની સ્વરોજગારલક્ષી તાલીમના પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં. કાર્યક્રમના અંતે ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના એડીશનલ ડાયરેક્ટરશ્રી જગવિરસિંગે આભારદર્શન કર્યું હતું.
