વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રાજ્યની એકમાત્ર સરકારી કચ્છની કાનજી રતનશી પ્રાથમિક શાળા વાંકી સાથે ઈ-સંવાદ કર્યો હતો.
‘દોડતા જઈને મારે રોજના બાંકડાએ ભણવું છે,રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે,
નવી નોટની સુગંધ લેતા પહેલાં પાને,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે,
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
એમ તમારુ મન ગાઈ જશે જો તમે એકવાર વિશાળ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના વાંકી ગામની સરકારી પ્રાથમિક શાળા શ્રી કાનજી રતનશી પ્રાથમિક શાળા વાંકીને જુઓ તો !!
















ખાનગી શાળાની સગવડોને પણ ટક્કર મારે તેવી આ સરકારી શાળાને તાજેતરમાં રાજ્યના પ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ એટલે કે, ગાંધીનગર ખાતે સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જ્યાંથી તાજેતરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ નેશનલ ડિજિટલ આર્કિટેક્ચર ફ્રેમ વર્ક પર આધારિત અત્યાધુનિક ટેક્નોલોજી અને ડેટા સંચાલિત કેન્દ્ર એવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાની વાંકી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી, વાલી, શિક્ષકો સાથે સીધો શિક્ષણ સંવાદ કર્યો હતો॰ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રાજ્યની એકમાત્ર સરકારી કચ્છની કાનજી રતનશી પ્રાથમિક શાળા વાંકી પસંદ કરાઈ હતી .વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રાજ્યની એકમાત્ર સરકારી કચ્છની કાનજી રતનશી પ્રાથમિક શાળા વાંકી સાથે ઈ-સંવાદ કર્યો હતો.
મુન્દ્રા તાલુકાનું એક નાનું ગામ એટલે વાંકી !! પ્રવાસ પર્યટન સ્થળોમાં વાંકી તીર્થને આગવું સ્થાન મળ્યુ છે. આ તીર્થની મુલાકાત માટે દેશ-વિદેશથી વ્યક્તિઓ દર્શનાર્થે આવે છે. વાંકી તીર્થના સાનિધ્યમાં ૧૯૩૯માં શ્રી કાનજી રતનશી પ્રાથમિક શાળાની શરૂઆત થઈ છે અને કોરોનાના સમયમાં ગુરુમંદિરમાં ઝાડ નીચે શિક્ષણકાર્ય ચલાવાયું હતું એમ શાળાના ભુતપુર્વ વિધાર્થી અને મુંબઈ રહેતા ગામ વતની જૈન અગ્રણીશ્રી બાબુભાઈ ભવાનજી છેડાએ જણાવ્યુ હતું.
આ શાળામાં બાળકો માત્ર ચાર દીવાલોમાં જ નહીં પરંતુ રવીન્દ્રનાથ ટાગોર અને રુસો જેવા વિચારકોના વિચાર પ્રમાણે પ્રકૃતિની ગોદમાં અનુભવ દ્વારા શિક્ષણને આત્મસાત કરે છે. આ શાળામાં તમામ સુવિધા ઉપલબ્ધ છે. શાળાની શરૂઆત પ્રાર્થનાથી થાય છે. અત્યાધુનિક પ્રાર્થના કાર્યક્રમથી સજ્જ પ્રાર્થના ખંડમાં સૌ વિદ્યાર્થી સાથે મળી પ્રાર્થના કરે છે. વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દરેક વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ ,ગ્રીન બોર્ડ અને સોફ્ટ બોર્ડની વ્યવસ્થા તેમજ સાધનસંપન્ન હવા-ઉજાસ અને ફાયર સેફટી સાથેની વિજ્ઞાન લેબ પણ શાળામાં છે.
શિક્ષણની સાથે સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય તે અર્થે ખેલ મહાકુંભ અંતર્ગત વિશિષ્ટ રમતોમાં તાલુકાથી જિલ્લાકક્ષા સુધી આ શાળાના બાળકોએ પોતાની શક્તિ પ્રદર્શિત કરી છે. દર શનિવારે યોગ-પ્રાણાયામ અને કસરતના દાવ કરી વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં આવે છે.
પુસ્તક આપણા સાચા અને સારા મિત્રો હોય છે. આ વાતને સાર્થક કરવા તેમજ જીવનમાં પુસ્તકોનું આગવું સ્થાન હોય છે તે બાબતને સમજવા શાળામાં વિવિધ વિષયોને આવરી લેતા ૩૮૪૩ જેટલાં પુસ્તકો વસાવવામાં આવ્યા છે. પુસ્તકાલયનું સમગ્ર સંચાલન કોમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થી જ કરે છે. વર્ષ ૨૦૧૯માં વાતાનુકૂલિત એસી કમ્પ્યુટર લેબ બનાવવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે.
ખાનગી શાળાની સગવડોને પણ ટક્કર મારે તેવી આ સરકારી શાળાને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા માટે રાજ્ય કક્ષાનો એવોર્ડ મળ્યો છે. બાળકોને શુદ્ધ પાણી પીવા મળે તે માટે શાળામાં બે પાણીના પરબ છે જેમાં આર.ઓ. પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે. સ્વચ્છ અને સુઘડ વૉશરુમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત કન્યા અને કુમાર માટે અલગ-અલગ શૌચાલય ની પણ વ્યવસ્થા શાળામાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને શુદ્ધ અને સાત્વિક ભોજન મળે તે માટે મધ્યાન ભોજનની વ્યવસ્થા પણ ચાલુ છે. અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા, નિબંધલેખન સ્પર્ધા, અને કાવ્ય લેખન સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષા સુધી પોતાની પ્રતિભા રજૂ કરી નંબર મેળવ્યા છે. આ રીતે શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.
આ ઉપરાંત શાળાની અભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત નબળા વિદ્યાર્થીઓ માટે વધારાના વર્ગ, વાલીઓનું કાઉન્સેલિંગ તથા તજજ્ઞો સાથે મુલાકાત તેમજ અઠવાડિક પરીક્ષાઓથી સતત મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાયોગિક મોડેલ દ્વારા સમજૂતી તેમજ સ્માર્ટ ક્લાસ દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય શિક્ષણ આપવામાં આવે છે.બાળકોની વય, કક્ષા અને અભ્યાસને અનુરૂપ તેમજ બાળકોમાં એકતા અને સંઘ ભાવના કેળવાય તેવા હેતુથી કુદરતી વાતાવરણ અને પ્રકૃતિના સાનિધ્ય વચ્ચે ઉર્જા અને ચેતનાનો સંચાર થાય તેવા ઉદેશ્યથી બાળકો બહારની દુનિયાને સમજે અને જાણે તે અર્થે વર્ષમાં એકવાર પ્રવાસ પર્યટનનું આયોજન કરવામાં આવે છે. આ રીતે ધાર્મિક ઐતિહાસિક અને કુદરતી સ્થળોની મુલાકાત લે છે.
રાજ્ય સરકાર દ્વારા NMMS, નવોદય પરીક્ષા, પ્રખરતા શોધ, ચિત્ર તેમજ સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ પાસ થાય છે. સાથોસાથ રાજ્યના મેરીટ લિસ્ટ યાદીમાં પણ સમાવિષ્ટ થાય છે. તેમના માટે ખાસ વર્ગોનું આયોજન પણ કરવામાં આવે છે.
રાષ્ટ્રીય, ધાર્મિક અને સામાજિક તહેવારોની હર્ષભેર ઉજવણી તેમજ સામાજિક જાગૃતિ લાવતા ખાસ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે એમ મદદનીશ શિક્ષકશ્રી નિકુંજકુમાર શાંતિલાલ પાટીદાર જણાવે છે.
આ શાળાને અસંખ્ય કીર્તિમાન પ્રાપ્ત થયા છે. જેમાં વર્ષ ૨૦૦૮-૦૯ માં શાળા ગુણવત્તા એવોર્ડ. વર્ષ ૨૦૧૭-૧૮માં રાજ્યકક્ષાનો સ્વચ્છતા એવોર્ડ. વર્ષ ૨૦૧૯-૨૦ના રાજ્યકક્ષાના ઇનોવેશન ફેર માં પ્રાર્થના સોફ્ટવેર અને લાઇબ્રેરી સોફ્ટવેરના નવતર પ્રયોગ કરેલ જેમાં આ શાળાની કૃતિને સ્થાન મળ્યું. ખાસ વિશેષતાએ છે કે દર વર્ષે કચ્છ જિલ્લાના વિજ્ઞાન મેળામાં આ શાળાના વિજ્ઞાન પ્રયોગની કૃતિઓની પસંદગી કરવામાં આવે છે એમ શાળાના આચાર્યશ્રી નારણભાઇ સવાભાઈ ગોયલ જણાવે છે.
