
રવિવારે પરોઢે આકાશમાં મંગળ, શનિ, ગુરૂ, શુક્ર યુતિનો નજારો
- – રવિવારે પરોઢે આકાશમાં ગુરૂ, શુક્ર, શનિ, મંગળ યુતિનો નજારો.
- – વહેલી સવારે ૪ વાગ્યાથી સુર્યોદય સુધી ખગોળીય ઘટના.
- – વિજ્ઞાન ઉપકરણ અને નરી આંખે અવકાશી નજારો જોઈ શકાશે.
- – અવકાશી નજારો નિહાળવા વિજ્ઞાન જાથાની અપીલ.
તા. ૧ લી મે વહેલી સવારના ૪ વાગ્યાથી સુર્યોદય સુધી પૂર્વ દિશા આકાશમાં મંગળ, શનિ, ગુરૂ અને શુક્રની યુતિનો નજારો જોવા મળવાનો છે. આ ખગોળીય ઘટના નિહાળવા દેશભરમાં વિજ્ઞાનપ્નેમીઓ અને ખગોળરસિકોને ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. અવકાશી નજારો વિજ્ઞાન ઉપકરણ અને નરી આંખે આહલાદક જોઈ શકાશે.
વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આકાશમાં લોકો નજર કરતાં થાય તે માટેનું અભિયાન ચાલી રહ્યું છે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ સંબંધી રાજયમાં વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમ અમલમાં છે. જાથા દેશભરમાં ગ્રહણ સંબંધી સાચી જાણકારી આપવાથી મોટો સમુહ અવગત છે. સદીઓ જુની માન્યતા–પરંપરાઓનું લોકો સ્વયંભુ ખંડન કરે છે. ગ્રહણો માત્રને માત્ર પરિભ્રમણની રમત છે તેવું લોકો સ્વીકારતા થયા છે. રવિવારે વહેલી સવારથી સુર્યોદય સુધી મંગળ અને શનિની હાજરીમાં ગુરૂ અને શુક્રની જુગલબંધી અવકાશી ઘટના નરી આંખે પૂર્વ દિશામાં જોઈ શકાશે. વિજ્ઞાન ઉપકરણથી આહલાદક જોઈ શકાશે. અદ્દભુત ખગોળીય ઘટના જોવાનું ચુકતા નહિ તેવી જાથા લોકોને અપીલ કરે છે. વિશેષમાં પંડયા જણાવે છે કે પૃથ્વીના ર૪૩ દિવસો બરાબર શુક્રનો ૧ દિવસ થાય છે. શુક્રની તેજસ્વીતાના કારણે ધોળે દિવસે આકાશમાં જોઈ શકાય છે અને ગુરૂ ગ્રહ ૩૯ ઉપગ્રહો ધરાવે છે તેના ઉપગ્રહ ઉપર સમુદ્ર છે. ભવિષ્યમાં ગુરૂ તારાનું સ્વરૂપ ધારણ કરે તેવો વૈજ્ઞાનિકોનો મત છે. મંગળને બે ઉપગ્રહ છે. મંગળ ઉપર ખીણો, પર્વતો આવેલા છે અને લાખો વર્ષ પહેલા મંગળ ઉપર જીવસૃષ્ટિ હશે તેવો વૈજ્ઞાનિકો મત દર્શાવે છે. મંગળ ઉપર લોહતત્વ ભારોભાર છે. મંગળ ઉપર પવન કયારેય શાંત પડતો નથી. શનિ ગ્રહને ૩૦ ઉપગ્રહો છે. સૂર્યમાળાનો સૌથી સોહામણો ગ્રહ શનિ છે. ટેલીસ્કોપ ઉપર વલયો આહલાદક અને સોહામણો જોવા મળે છે. શનિ ગ્રહ સંબંધી વર્તમાન સમયમાં જે કર્મકાંડ–ક્રિયાકાંડો બતાવવામાં આવે છે અને શનિની વાર્તા જોવા મળે છે તે બેબુનિયાદ અને અવાસ્તવિક છે. શનિ ગ્રહ કોઈ દેવ નથી તેવું વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે.
રાજયમાં રવિવાર વહેલી પરોઢે અવકાશી યુતિના દર્શન માટે જીલ્લા કક્ષાએ રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી અને જાથાની ૧૪ શાખાઓમાં શુભેચ્છકો અને ખગોળરસિકો સાથે નિદર્શન રાખવામાં આવેલ છે.
