
બધાજ દર્દીઓ સારા થઈ તેમનું સ્વાસ્થ્ય મજબૂત કરે -વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્ય


દેશલપર ખાતે સંતરામ મંદિર નડિયાદ અને દેશલપર ઉમિયા માતાજી ટ્રસ્ટ દ્વારા આંખના રોગનું નિદાન તથા જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું




દેશલપર વાંઢાય ખાતે શ્રી સંતરામ મંદિર નડિયાદ અને દેશલપર ઉમિયા માતાજી ટ્રસ્ટ દ્વારા આંખના રોગનું નિદાન તથા જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને કરાયુ હતું. આ કેમ્પમાં આંખને લગતા રોગો ઝામર, ત્રાંસી આંખ, પરદાની તપાસ, મોતીયાના મફત ઓપરેશન, નંબરવાળા લોકો માટે મફત ચશ્મા અને જનરલ કેમ્પમાં તાવ, શરદી, કફ, ઉધરસ, ચામડીના રોગો તથા સર્વ રોગ નિદાન તથા દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. પ્રાસંગિક પ્રવચનમાં અધ્યક્ષ સ્થાનેથી ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ગરીબ દર્દીઓની સેવા એ સૌથી મોટો ધર્મ છે. આ કેમ્પમાં દર્દીઓને બધી સારવાર મળી રહે અને દર્દીઓ ઝડપથી સાજા થાય તેમનું સ્વાસ્થ સુધરે તેવી પ્રાર્થના. આ તકે તેમણે વધુમા જણાવ્યું હતું કે ઉમિયા માતાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સંતરામ મંદિર નડિયાદ દ્વારા ખુબજ લોક ઉપયોગી અને આરોગ્યલક્ષી કામગીરીઓ સુંદરતાથી કરવામાં આવી રહી છે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ મંદિર અને તીર્થ ક્ષેત્રને આગળ વધારવા માટે ૭ હજારથી વધારે બહેનોને સરકાર દ્વારા તીર્થ યાત્રા કરાવી છે જેથી મંદિરનો પર્યટન ક્ષેત્રે ઝડપી વિકાસ થશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ હંમેશા શિક્ષણ અને આરોગ્યની ખૂબ ચિંતા કરે છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઇ તકલીફ ના પડે તે માટે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવે છે જે અતર્ગત રૂ. પાંચ લાખ સુધીની દવા અને સારવાર વિના મુલ્યે મળી રહે છે. જે લોકોને ખુબજ ઉપયોગી થશે. આ તકે તેમણે સરકાર દ્વારા દર શુક્રવારે નિરામય કેમ્પ રાખવામાં આવે છે તેનો લોકો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરી હતી. આ તકે તેમણે શ્રી ઉમિયા માતાજી ટ્રસ્ટની વેબસાઈટનું પણ લોન્ચિંગ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. બિહારીભાઇ રામજીયાણી દ્રારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેનશ્રી જનકસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જયાબેન પટેલ, કચ્છ જિલ્લા પંચાયત સદસ્યશ્રી કુંવરબેન, ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ, કેમ્પના મુખ્ય દાતાશ્રી રતનભાઇ સોમજીભાઇ ભેમાણી, સંતરામ મંદિર નડિયાદના ટ્રસ્ટીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વાંઢાય સરપંચશ્રી જસુબભાઈ, કાર્યપાલક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોર, અગ્રણીશ્રી અબજીભાઈ, ગંગારામભાઈ, રવિરાજભાઈ, તેમજ આગેવાનો ઉમિયા માતાજી દેશલપર વાંઢાય ટ્રસ્ટના હોદ્દેદારો, આરોગ્યક્રમીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
