







કચ્છ જિલ્લાના ગાંધીધામ અને રાપર મત વિસ્તારના વિવિધ રસ્તાઓના રૂ. ૫૬.૨૫ કરોડની અંદાજિત રકમથી વિસ્તૃતિકરણ તથા રિસર્ફેસીંગની કામગીરીનું ભુમિપૂજન ભચાઉ તાલુકાના વિજપાસર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યની ગરિમામય ઉપસ્થિતિમાં અને માર્ગ- મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ૫૬.૨૫ કરોડના ખર્ચે થનારી સ્ટ્રેન્ધનીંગ કામગીરીમાં ત્રણ તાલુકાના કુલ ૧૧ રસ્તાનો સમાવેશ કરાયો છે. જેમાં ભચાઉ તાલુકામાં રૂ. ૦.૫૦ કરોડના ખર્ચે વામકા- લાખાવટ – કરમરિયા રોડ , રૂ. ૩ કરોડના ખર્ચે હલરા- રામપર – વિજ્પાસર- આમલીયારા- જંગી રોડ, રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે હલરા- રામપર- વિજ્પાસર- આમલીયારા- જંગી રોડ, ગાંધીધામ તાલુકાના સતાપર , અજારપર-મોડવદર-મીઠી રોહર રસ્તાનું કામ રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે કરવામાં આવશે. રાપર તાલુકામાં રૂ. ૨૦ કરોડના ખર્ચે ભચાઉ-રામવાવ રાપર રોડ, રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે વણોઇ સુવઇ રોડ , રૂ. ૧.૯૦ કરોડના ખર્ચે રામવાવ ખેંગારપર સુવઇ રોડ, રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે ફતેહગઢ – શિવગઢ મૌવણા , રૂ. ૨૦ કરોડના ખર્ચે આડેસર- વરણુવાંઢ , રૂ. ૩ કરોડના ખર્ચે બાદલપર – કિડિયાનગર સોમનીવાંઢ રસ્તો તથા રૂ. ૧.૭૫ કરોડના ખર્ચે સામખિયાળી – આધોઇ- કંથકોટ- રામવાવ રોડની કામગીરી કરવામાં આવશે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા યોજાયેલા ભૂમિપૂજનના આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આર્ચાયે જણાવ્યું હતું કે, વરસાદ તો હવે થશે પરંતુ માર્ગ-મકાન અને વ્યવહાર મંત્રી શ્રી પુર્ણેશભાઇ મોદીએ કચ્છ પર અત્યારથી જ વિવિધ રસ્તાના કામ મંજૂર કરીને વિકાસ કામોનો વરસાદ કરી દિધો છે. વર્ષોથી રસ્તાથી વંચિત આ વિસ્તારની સમસ્યા હવે હલ થઇ જશે. ભવિષ્યમાં નવા હજુ નવા રસ્તા મંજૂર થશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભુકંપ બાદ નષ્ટ થયેલા કચ્છને વડાપ્રધાન શ્રી મોદીજીએ એક બાળકની જેમ ઉછેરીને વિશ્વફલક પર મુકી દિધું છે. સુકા કચ્છને પાઇપલાઇન વાટે પીવાના તથા સિંચાઇ માટે નર્મદાના નીર આપીને કચ્છની પીડા હરી છે . જે ઋણ કચ્છીઓ કયારેય નહીં ચુકવી શકે. આજે કચ્છના ૯૦૦થી વધુ ગામમાં નર્મદાના નીર પહોંચ્યા છે. કચ્છના લોકોનો પડ્યો બોલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઝીલે છે. તેમણે કચ્છમાં વિવિધ રસ્તાઓની મંજૂરી આપવા બદલ માર્ગ – મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીનો આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં માર્ગ – મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીએ ભુકંપમાંથી બેઠા થયેલા કચ્છીઓની ખુમારીને બિરદાવતા ધરતીકંપ સમયે તેઓ ભુજ ખાતે રહીને કરેલા વિવિધ સેવાકામને યાદ કર્યા હતા. આજે પણ ભુજના સોનીવાડના લોકો સાથે તેમનો નાતો અવિરત જોડાયેલો છે તેવું જણાવતા તેમણે કહ્યું હતું કે, જે રીતે મોબાઇલ નેટવર્ક વગર લોકો મુશ્કેલી અનુભવે છે તે જ રીતે રોડ કનેકટીવીટી વગર અનેક સમસ્યા ઉભી થતી હોય છે. તેથી જ ગુજરાત સરકારે છેલ્લા છ માસમાં રાજ્યભરમાં રૂ. ૧૨ હજાર ૨૦૦ કરોડના ખર્ચે રસ્તાના ખાતમુહુર્ત તથા લોકાપર્ણ કર્યા છે. જેનો લાભ લોકોને મળશે. જે હેઠળ જ કચ્છમાં રૂ. ૫૫૦ કરોડના ખર્ચે વિવિધ રસ્તાના કામનું વિસ્તૃતિકરણ તથા રિસર્ફેસીંગની કામગીરી થનારી છે. આ ટાંકણે તેમણે ભચાઉ-ભુજ રસ્તાનું રૂ. ૭૭ કરોડના ખર્ચે રીસર્ફેસીંગનું કામ કરવાની જાહેરાત પણ કરી હતી. જેનું કામ જુલાઇ માસમાં પુર્ણ થશે તેવું જણાવ્યું હતું. કચ્છના વિકાસને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રીના વિઝનના કારણે કચ્છમાં ઉદ્યોગો આવતા રોજગારી વધી છે, રણોત્સવ જેવા ઉત્સવો તથા અન્ય પ્રકલ્પો થકી કચ્છ ટુરીઝમનું હબ બન્યું છે. પરીણામે ગ્રામ્યકક્ષાથી લઇને શહેરો સુધી રોજગારીની નવી તકો ખુલી છે. મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી સરહદના ગામોને સ્માર્ટ વિલેજ, સુરક્ષિત વિલેજ, પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા કટિબધ્ધ છે જે હેઠળ જ નડાબેટનો પ્રકલ્પ સાકાર થયો છે. યુવાઓમાં દેશભક્તિની ભાવના જાગે તે માટે આવા પ્રકલ્પો ગુજરાતમાં કરાઇ રહ્યા છે. તેમણે ગુજરાત સરકારનું વિઝન સમજાવતા ઉમેયું હતું કે, ગામડાઓને યોગ્ય કનેકટીવીટી આપવા સરકારે ચાર નિર્ણય લીધા છે. જેમાં પ્રથમ જે ગામડાઓ વરસાદમાં વિખુટા પડી જાય છે તેવા ૨૯૫ ગામોમાં સ્ટ્રક્ચર, પુલ સહિતના કામો કરાશે. જયાં આઝાદી બાદ એકપણ પાકો રસ્તો બન્યો નથી તેવા ૪૧૪ ગામમાં પાકા રોડ બનાવાશે. જે ગામડાઓમાં બાળકો શિક્ષણ માટે હોડીથી સ્કુલ જાય છે તેવા સ્થાનો પર પુલ, કોઝ – વે સહિતની સુવિધા ઉભી કરાશે. અંતરીયાળ ગામડાઓને મુખ્ય રસ્તાસુધી જોડવા રૂ. ૩૦૦ કરોડના ખર્ચે રસ્તા બનાવાશે . આવનારા દિવસોમાં બંધ રૂટો ચાલુ કરાશે તથા નવી એસ.ટી બસો મુકાશે. જેથી લોકોનું પરિવહન સરળ બનશે. પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી ના પ્રયાસથી કચ્છ નવપલ્લવિત થઇ રહ્યું છે. કચ્છના દરેક ક્ષેત્રના પ્રશ્નો હલ કરાયા છે. ભુકંપ પછી ઉદ્યોગો આવ્યા, જિલ્લો ટુરીઝમનું હબ બન્યો ત્યારે રસ્તાઓ અદ્યતન અને મજબુત હોય તે જરૂરી છે. આ વિચારને સામે રાખીને બે દિવસમાં કચ્છમાં કરોડોના ખર્ચે વિવિધ તાલુકાના રસ્તાઓનું ભુમિપૂજન તથા લોકાપર્ણ કરાશે. ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, કચ્છ માટે બે દિવસ ઐતિહાસીક છે. રૂ. ૫૫૦ કરોડના વિકાસ કામોના ભૂમિપૂજન તથા લોકાપર્ણ કરાઇ રહયા છે. વધુમાં તેમણે વિજપાસરમાં હાઇસ્કુલની નવી ઇમારત બનાવવાની તથા નવી પાણીની લાઇનને મંજૂરી મળી ગઇ હોવાની જાહેરાત કરી હતી. ઉપરાંત ભચાઉ – ગાંધીધામ તાલુકાની સમરસ પંચાયતોને રૂ. ૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની સૈધ્ધાંતિક મંજૂરી મળી ગઇ હોવાનું પણ ઉમેર્યું હતું . વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી જે રીતે કચ્છની ચિંતા સેવે છે તે બદલ કચ્છીઓ વતી તેમણે આભાર વ્યકત કર્યો હતો. સ્વાગત પ્રવચન માર્ગ મકાન વર્તુળ, મહેસાણાના અધિક્ષક ઇજનેર, એ.જે.ચૌહાણે જયારે આભાર વિધી મા.મ.વિભાગ ભુજના વી.એન. વાઘેલાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પંકજભાઇ ઝાલા તથા અનિલભાઇ સાધુએ કર્યું હતું આ પ્રસંગે પુર્વ રાજ્યમંત્રી તથા અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિર, માંડવી – મુંદરાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન જનકસિંહ જાડેજા, ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ મધીબેન વાવીયા, રાપર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હમીરસિંહ સોંઢા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી કલાવતીબેન જોશી , એકલધામના મહંત શ્રી દેવનાથ બાપુ, વિજપાસર સરપંચ શ્રી સવજીભાઇ પરમાર, ભચાઉ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વશરામભાઇ સોલંકી , સરપંચ સંગઠનના પ્રમુખ પરબતભાઇ ચાવડા વોંદળાના માજી સરપંચ વાલાભાઇ છાંગા તથા અગ્રણીઓ લક્ષ્મણસિંહ સોઢા, પરાક્રમસિંહ જાડેજા, અરજણભાઇ રબારી, જગદીશ મારાજ, નરેન્દ્રસિંહ જાડેજા, રામજીભાઇ, અંબાવીભાઇ પટેલ, માવજીભાઇ , ભરતસિંહ જાડેજા, ભરતભાઇ ધાડવારા, લાલજીભાઇ ગુજરીયા, રામદેવસિંહ જાડેજા , હરદેવસિંહ જાડેજા, ધનજીભાઇ, બીજલભાઇ, શંકરભાઇ છાંગા, રાજુભા જાડેજા , ગોપાલભાઇ છાંગા, વાલાભાઇ, રાજાભાઇ પટેલ, ભરતસિંહ જાડેજા, , રણછોડભાઇ પટેલ , દેવશીભાઇ રબારી, ગેલાભાઇ ચાવડા , કેશાભાઇ પટેલ, મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
