
કલાના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવવાનું માધ્યમ કાર્યશાળા છે


વ્યકિતમાં રહેલ કલા — કૌશલ્યતાને ઉજાગર કરવું એ ઉમદા કાર્ય છે . કલાના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવવાનું માધ્યમ એ કાર્યશાળા છે .’– ગ્રામોત્થાનના પ્રણેતા અને કચ્છીયતના હામી શ્રી કાંતિસેન શ્રોફના શતાબ્દી વર્ષ અને કચ્છના ગૌરવવંતા સાક્ષર ડો.જયંત ખત્રીની પુણ્યતિથિ નિમિતે યોજાયેલ ચિત્રકલા કાર્યશાળાના શુભારંભે એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ લી.ના એમ.ડી. દિપેશભાઈ શ્રોફએ આ મુજબ જણાવીને કાકા અને ડો . જયંત ખત્રી વચ્ચેના મૈત્રીના સંભારણાને યાદ કર્યા હતા . શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયુટ ( વી.આર.ટી.આઈ. ) અને ડો.જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા ‘ સંસ્કૃતિ ‘ , ભુજ દ્વારા મહારાઓશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય , ભુજમાં યોજાયેલ આ કાર્યશાળાનો શુભારંભ કિરીટભાઈ દવેના હસ્તે દિપ પ્રાગટયથી કર્યા બાદ ગોરધન પટેલ’કવિ’એ ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે , કાકા અને ડો . ખત્રીમાં ચિત્રકલાનો શોખ સમાન રીતે હતો . તેઓના ચિત્રોમાંથી પ્રેરણા લઈને બાળકો ચિત્રકલામાં વધુ સારું શીખે તેવો ઉદેશ આ કાર્યશાળાનો છે . મંચ પરથી વરિષ્ઠ પત્રકાર કીર્તિ ખત્રીએ જણાવ્યું હતું કે , જયંત ખત્રી અને કાકાની મિત્રતા ચિત્રના માધ્યમથી થઈ હતી . ડો . ખત્રી પેન્સીલ ચિત્રો , છાપા ચિત્રો , કોતરેલા ચિત્રો બનાવતા અને તેઓ ભણતા ત્યારે મેગેઝીનમાં વાર્તા ચિત્રો દોરવાનું શરૂ કર્યું હતું તેમ જણાવીને ડો . ખત્રી અને કાકા વચ્ચેના મૈત્રીના સંસ્મરણો વાગોળ્યા હતા . આ પ્રસંગે કિરીટભાઈ દવે , માર્ગદર્શક બિપીન સોની અને પુષ્પદાન ગઢવીનું મંચ પરથી સન્માન કરાયું હતું . કાર્યશાળાની સમાંતરે ડો . ખત્રીએ દોરેલ તેમજ એલ.એલ.ડી.સી. , ભુજોડીના સહયોગથી કાકાએ દોરેલ ચિત્રોનું પ્રદર્શન બહોળી સંખ્યામાં નગરજનોએ નિહાળ્યું હતું . આ કાર્યશાળામાં તજજ્ઞ બિપીન સોનીએ ચિત્રનો શોખ દરેક ક્ષેત્રમાં કેવી રીતે ઉપયોગી બને , રંગ — રેખા અને ચિત્ર સંયોજનની માહિતી , ચિત્ર અભિવ્યકિતના પ્રકારની સમજણ આપીને બાળકોને વિવિધ ચિત્રો દોરવા પ્રેર્યા હતા . સંસ્કૃતિના મંત્રી ઝવેરીલાલ સોનેજીએ કાકા અને જયંત ખત્રી જેવા પ્રેરક વ્યક્તિઓને જોડીને યોજાયેલ કાર્યશાળા સાચા અર્થમાં બંનેને સાચી અંજલી ગણાશે તેમ જણાવીને સૌનો આભાર માન્યો હતો . કાર્યશાળાની સમાપન બેઠકમાં તજજ્ઞ બિપીન સોનીએ જણાવ્યું હતું કે , બાળકો પોતાના વિચારો , મનોભાવ અને શકિતઓથી નવું સર્જન કરીને ચિત્ર પર ખાસ ધ્યાન આપે તો ચિત્રકલામાં નિપુણ બની શકે . મહેશ ગોસ્વામીએ આયોજક બંને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા . વાલીઓ વતી ચારૂલતા સંઘવી અને બાયડ મહમદહુશેને પોતાના પ્રતિભાવમાં આવી કાર્યશાળા દ્વારા બાળકોને ખૂબ પ્રોત્સાહન મળ્યું હોવાનું જણાવ્યું હતું . શિબિરાર્થીઓ વતી સૌમ્ય મહેશ્વરીએ પોતાના પ્રતિભાવમાં આવી કાર્યશાળા એકથી વધુ દિવસ યોજવાનું જણાવીને ભાગ લેવા બદલ રાજીપો વ્યકત કર્યો હતો . કાર્યશાળામાં ભાગ લેનાર ૩ ર શિબિરાર્થીઓને બિપીન સોની , કીર્તિ ખત્રી , ઝવેરીલાલ સોનેજી , મહેશ ગોસ્વામી , મીનાબેન સોનેજી , યોગેન ખત્રી , ભાનુબેન ખત્રી , જીતુભાઈ ખત્રી અને ગોરધન પટેલ’કવિ’ના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા . આ કાર્યક્રમમાં સર્વશ્રી શિવદાસભાઈ પટેલ , સંજય ઠાકર , ઉપેન્દ્ર ઉપાધ્યાય , ગૌતમ જોષી , કૃષ્ણકાંત ભાટીયા , નિરૂપમ છાયા , રસનિધી અંતાણી , રમણીક સોમેશ્વર , હંસાબેન ભીંડી , ભગીરથ ધોળકિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા .
