સરકારે અમારી કળાને પ્રોત્સાહન આપીને ઘરની ચાર દિવાલમાંથી બહાર લાવી ઉડવા માટે ખુલ્લુ ફલક આપ્યું છે – પાર્વતીબેન ગરવા, હિનાબેન બડીયા- શ્રી ઘનશ્યામ સખી મંડળ

મોટી ખોંભડીની ૨૦ મહિલાઓ ૨ લાખની લોન મેળવી મેકમ વર્ક અને ભરતકામ કરી પગભર થઇ

સખી મંડળે ફિનાઇલ, સાબુ, મીણબત્તી, વેસલીન વગેરે બનાવવાની તાલીમ મેળવીને ગૃહઉદ્યોગ પણ શરૂ કર્યો

અડધી જીદંગી મજૂરી કામ કરીને પસાર કરી દીધી પરંતુ સરકારે સખી મંડળોના માધ્યમથી અમારામાં ધરબાયેલી કળાને પ્રોત્સાહન આપીને તેને બિઝનેસમાં ફેરવવા લોન, તાલીમ તથા પ્રદર્શન મેળાના માધ્યમથી માર્કેટ આપીને અમને ઉડવા માટે વિશાળ ફલક આપી આપ્યું છે તેવું ભુજ વંદે ગુજરાત પ્રદર્શન મેળા- સખી મેળામાં મેકમ વર્ક અને ભરતકામના નમુના વેંચાણ કરતા મોટી ખોભંડીના શ્રી ઘનશ્યામ સખી મંડળના ૬૦ વર્ષના પાર્વતીબેન ગરવાએ સરકારશ્રીનો આભાર માનતા જણાવ્યું હતું.

        નખત્રાણા તાલુકાના ખોબા જેવડા મોટી ખોભંડી ગામના શ્રી ઘનશ્યામ સખી મંડળ સાથે ૨૦ બહેનો જોડાયેલી છે. જે મેકમ વર્ક તથા ભરતકામ કરીને વિવિધ શહેરોમાં સખી મેળાના માધ્યમથી હવે પોતાની ચીજવસ્તુઓ વેંચતી થઇ છે. આ અંગે પાર્વતીબેન કહે છે કે, મોટાભાગનું જીવન વાડીમાં મજૂરી કામ કરીને પસાર કરી દીધું. અમારામાં આવડત તો હતી પરંતુ તેનો ઉપયોગ કેમ કરાય તે ખબર ન હતી. પરંતુ સખી મંડળના માધ્યમથી સરકારે સમગ્ર બહેનોને એક છત નીચે એકત્ર કરીને તમામની કળાને પ્લેટફોર્મ મળે તે માટે તાલીમ, લોન અને માર્કેટીંગ અને બેંક વ્યવહાર કેમ કરાય વગેરે શીખવ્યું છે. હવે અમે જાતે જ તમામ શહેરોમાં જઇને અમારી પ્રોડકટનું વેંચાણ કરવા સક્ષમ બની ગયા છીએ. પહેલા ગામની બહાર નીકળતા પણ ડર લાગતો હવે રાજય બહાર પણ હિંમતપૂર્વક જઇ શકીએ છીએ.

        સખીમંડળના હિનાબેન બડીયા વધુ માહિતી આપતા જણાવે છે કે, મેકમ વર્ક એટલે નાઇલોનની દોરીની મદદથી ઘર સુશોભનની વસ્તુઓ જેવી કે, પર્સ, તોરણ, ઝુમર, વોલપીસ, ટેબલકલોથ, ફુલદાની વગેરે તેમજ ભરતકામમાં કચ્છી, બાવળીયા, રબારી, કાશ્મીરી વગેરે વર્ક કરીને બહેનો વિવિધ નમુના બનાવે છે. આ સાથે સખીમંડળની બહેનોએ મીણબત્તી, સાબુ, વેસલીન, ફિનાઇલ જેવી ઘર વપરાશની વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી છે અને હાલ તેનું ઉત્પાદન કરીને વિવિધ વેપારીઓને માલ પણ વેંચીએ છીએ. આમ, અમને ગામમાં જ રહીને આવક રળવાનું સાધન મળી ગયું છે.

        બંને બહેનો જણાવે છે કે, સરકાર દ્વારા યોજતા સખીમેળા થકી અમારા બિઝનેસના અનુભવમાં વધારો થયો છે, બજારની જાણકારી તથા લોકોને શું નવું જોઇએ તેની જાણકારી મળે છે. તેથી એ મુજબ અમે નવી પ્રોડકટ બનાવી શકીશું. ભાડું ન હોવાથી અમારા નફો અને અમારો આત્મવિશ્વાસ ખુબ જ વધ્યો છે. હવે બેંકમાં કે ગ્રાહકો સાથે વાત કરતા ગભરામણ થતી નથી. ઘરની આર્થિક સ્થિતી ઘણી સુધરી છે. આ બધું જ રાજય સરકારના પ્રયાસ અને પ્રોત્સાહન થકી શક્ય બન્યું છે જેથી અમે સખી મંડળ વતી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરીએ છીએ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM