વાયર આર્ટની ચીજ વસ્તુઓ જોઇને કચ્છીઓ આશ્ચર્યચક્તિ થઇ રહ્યા છે – હરજીભાઇ ભાનુશાલી, લાભાર્થી

રંગબેરંગી તારમાંથી ગાડી, બાઇક, મોર, કિચન, ઘર સુશોભનની વિવિધ વસ્તુઓ બનાવતા હરજીભાઇની કળા વિવિધ રાજયોમાં પ્રચલિત

નાનપણથી તારમાંથી વસ્તુઓ બનાવવાનો શોખ હતો. મોટા થયા બાદ તેને જ આવકનું સાધન બનાવી લીધું તેવું ભુજ હાટ ખાતે ચાલતા વંદે ગુજરાત પ્રદર્શન-સખી મેળામાં રંગબેરંગી તારમાંથી આકર્ષિત વિવિધ પ્રોડકટ બનાવીને વેંચાણ કરતા નલીયાના હરજીભાઇ ભાનુશાલીએ જણાવ્યું હતું.

        હરજીભાઇ જણાવે છે કે, મારી સ્થિતી એટલી સારી નથી કે હું કોઇ શહેરમાં દુકાન ભાડે રાખીને મારી કલા-કારીગરીના નમુના વેંચી શકું પરંતુ સરકાર દ્વારા યોજાતા પ્રદર્શન મેળાના કારણે મારા જેવા કારીગરોને બજાર મેળવવાનું પ્લેટફોર્મ મળ્યું છે. વિવિધ શહેરોમાં જઇને હું આ પ્રકારના મેળામાં ભાગ લઉં છું જેના કારણે મારૂ વાયર આર્ટ કચ્છમાં જ નહીં પરંતુ ભારતના મોટાભાગના શહેરોમાં પ્રચલિત બન્યું છે, મને દેશભરના અનેક શહેરોના ગ્રાહકો પ્રાપ્ત થયા છે. આ પ્રકારનું બજાર આપવા અને ભાડા વગર જગ્યા આપવાના સરકારના આ વિચારને હું દિલથી બિરદાવું છું તથા સરકારનો આભાર માનું છું. તેમણે પોતાની આર્ટ અંગે માંડીને વાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૭૮માં મુંબઇ રોજગારી માટે ગયો હતો, જયાં મારી પાસે પૈસા ખુટી પડતા મારી આવડતને કામે લગાડીને મેં તારમાંથી કેટલીક વસ્તુઓ બનાવીને ચોપાટી પર વેંચાણ શરૂ કર્યું હતું. ગ્રાહકોનો સારો પ્રતિભાવ મળતા તે બાદ આજદિન સુધી મે પાછું વળીને જોયું નથી. ૧૦ થી ૧૫ વર્ષ મુંબઇમાં આ જ પ્રકારે વાયર આર્ટની પ્રોડકટ બનાવીને રોજગારી રળતો રહ્યો. હવે ગુજરાત તથા અન્ય રાજયોમાં સરકાર દ્વારા યોજાતા પ્રદર્શન મેળામાં ભાગ લઇને દરેક રાજયના લોકો સુધી મારી કળાને પહોંચાડવાનું કામ કરી રહ્યો છું. આ કામમાં સૌથી મોટો સહકાર સરકારનો છે, તેઓના માધ્યમથી જ હું કોઇપણ મોટા ભાડાના તોતિંગ ખર્ચ વગર મારી ચીજોનું વેચાણ કરી રહ્યો છું.

        તારમાંથી મોટર સાઇકલ, મોર, ચકલી, બાઇક, ગાડી, ફુલદાની, કિચન, સાઇકલ, ઝુમર, રમકડા, ટ્રક, ઝુલો, ગાડુ, રીક્ષા સહિતની ૧૦૦થી વધુ ચીજવસ્તુઓ તેઓ બનાવે છે. જેની કિંમત રૂ.૫૦ થી રૂ.૧૦૦ સુધીની હોય છે તેવું જણાવતા તેઓ ઉમેરે છે કે, ભુજ ખાતેના પ્રદર્શન મેળામાં લોકો મારા આર્ટને જોઇને આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. મારી કળાને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે, જે બદલ મુખ્યમંત્રીશ્રીનો હું ખાસ આભાર માનું છું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM