કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના અમરેલીમાં સહકાર સંમેલન -અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની – એજીએમને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પોતાનાં સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સહકારથી સમૃદ્ધિના ખ્યાલને દેશ સમક્ષ મૂકીને અને એ માટે સહકારિતા મંત્રાલય બનાવીને દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે એક નવો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સહકારનો અર્થ થાય છે, સાથે આવવું, સાથે વિચારવું, સાથે મળીને સંકલ્પ લેવો અને સાથે સંકલ્પ પૂર્ણ કરવા પુરુષાર્થ કરવો.
દેશના પ્રથમ સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કના 1995થી 2022 સુધીના ઇતિહાસ પર નજર કરીએ તો તે દર્શાવે છે કે આટલાં વર્ષોમાં તેનો ગ્રાફ ક્યારેય નીચે ગયો નથી પરંતુ હંમેશા ઉપર તરફ ગયો છે. શરૂઆતમાં આ બૅન્કની થાપણો 19 કરોડ હતી, જે આજે વધીને 1880 કરોડ થઈ ગઈ છે. 1995માં તેણે 32 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું, જ્યારે હવે 1612 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. કાર્યકારી મૂડી ૪૫ કરોડ રૂપિયાથી વધીને ૨૪૨૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે અને નફો ૪૫ લાખથી વધીને ૨૭ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે આ બતાવે છે કે બૅન્કે કેટલું સારું પ્રદર્શન કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, વર્ષ 1995માં ખેડૂતોને આપવામાં આવતા ઋણ 18 ટકાના વ્યાજદરને રૂ. 3 લાખ સુધીની લોન પર શૂન્ય કરવાનું મોટું કાર્ય કરીને મોદીજીએ બતાવ્યું છે કે, જ્યારે ખેડૂત હિતેચ્છુ સરકાર આવે છે, ત્યારે કેવું પરિવર્તન આવે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આશરે 1350 ખેડૂતોને સ્ટોરેજ માટે વેરહાઉસ બનાવવા માટે લોન આપવામાં આવી છે. 70 હજાર ખેડૂતોને રૂપે ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકોને તે સમયે સહકારી ડેરી ન હોવાથી નુકસાન વેઠવું પડતું હતું. પરંતુ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં સૌરાષ્ટ્રની તમામ ડેરીઓ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે અને આપણી બહેનોને તેમના પૈસા મળી રહ્યા છે. વર્ષ 2002માં અમર ડેરી 2500 લીટર દૂધ પ્રોસેસ કરતી હતી, પરંતુ આજે અહીં 1,25,000 લીટર દૂધ પ્રોસેસ કરવામાં આવી રહ્યું છે. આજે દર દસ દિવસે 5 થી 6 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બૅન્ક ખાતામાં જમા થાય છે અને આમ એક વર્ષમાં ખેડૂતોનાં ખાતામાં 204 કરોડ રૂપિયા જમા થાય છે અને 18 કરોડ રૂપિયાનો નફો થાય છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, હવે દૂધની સાથે-સાથે મોદીજીએ મધમાખી ઉછેર યોજના પણ શરૂ કરી છે. ભારતને વિશ્વમાં મધનાં ઉત્પાદનમાં પણ નંબર વન બનાવવું જરૂરી છે. અમરેલીમાં ગીર ગાયની જાતિને પ્રોત્સાહન, જાળવણી અને સુધારા માટે એક કેન્દ્ર પણ શરૂ થવા જઈ રહ્યું છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પ્રાથમિક ખેડૂત મંડળીઓ અને સેવા સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરીને તેમને જિલ્લા, રાજ્ય અને નાબાર્ડ સાથે જોડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે આજે 65 હજાર પેક્સ-પીએસીએસ છે અને અમે લક્ષ્ય નક્કી કર્યું છે કે પાંચ વર્ષમાં આ સંખ્યા 65 હજારથી વધારીને 3 લાખ કરવામાં આવશે અને પીએસીએસ બનાવવાનો કાર્યક્રમ આ વર્ષે જ ડિસેમ્બરથી શરૂ થશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે પેક્સનાં કમ્પ્યુટરાઇઝેશન માટે આશરે રૂ. 2516 કરોડ આપ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર નવી સહકાર નીતિ લાવવા પર પણ કામ કરી રહી છે, જે સહકારી મંડળીઓમાં આરોગ્ય, વીમા, પરિવહન, પર્યટન વગેરે જેવી પ્રવૃત્તિઓ ઉમેરશે. વર્તમાન તાલીમ માળખામાં સહકાર નીતિની સાથે સાથે કેન્દ્ર સરકાર સહકાર યુનિવર્સિટી બનાવીને દરેકને તાલીમ આપવાનું કામ પણ કરવા જઈ રહી છે અને આ માટે મોદીજીએ 55 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ વર્ષનાં બજેટમાં સહકારી મંડીઓ પર વૈકલ્પિક કર 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા અને સરચાર્જને 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સહકાર ડેટાબેઝ પણ બનાવવા પર કામ કરી રહી છે. આ ઉપરાંત ભારત સરકારે એવો નિર્ણય કર્યો છે કે, એક સહકારી ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે, જેથી ભારત સરકાર મંડળીઓની સંખ્યા અને તંદુરસ્તી બંનેની ઓનલાઈન ચકાસણી કરી શકે. તેમણે જણાવ્યું હતું કે, અમે પીએસીએસને બહુહેતુક બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યા છીએ, જેથી માર્કેટિંગ, સ્ટોરેજ, ગોબર ગેસ, વીજળી વિતરણ, ગેસ વગેરે પ્રવૃત્તિઓ પીએસીએસને સોંપવાની વ્યવસ્થા થશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કુદરતી ખેતી પર પણ વિશેષ ભાર મૂક્યો છે. ઓર્ગેનિક ઉત્પાદનો આપણા દેશ અને વિશ્વભરના લોકોનાં સ્વાસ્થ્યમાં સુધારો કરશે અને ખેડૂતોને ઊંચા ભાવ પણ મળશે. પરંતુ આ પ્રોડકટનાં સર્ટિફિકેશન માટે અમે અમૂલ અને અન્ય પાંચ સહકારી મંડળીઓને જોડીને એક મલ્ટિસ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી બનાવવાનું નક્કી કર્યું છે, જે દેશનાં દરેક રાજ્યમાં લૅબોરેટરી બનાવશે અને ત્યાં ખેડૂતોનાં ખેતરોની માટીનું પરીક્ષણ કરીને અમૂલ ઓર્ગેનિકનું પ્રમાણપત્ર લગાવીને તેનો નફો સીધો ખેડૂતના ખાતામાં જમા થઈ જશે. આ ઉપરાંત વધુ ઉત્પાદન આપતાં બિયારણ બનાવવાં માટે પણ અમે મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીની રચના કરવાના છીએ. આજે સમગ્ર વિશ્વમાં ખેતપેદાશોના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ તેનો લાભ ખેડૂતો અને મંડળીઓને મળે તેવી કોઇ વ્યવસ્થા નથી. આ બધો જ નફો મોટી મોટી કંપનીઓ લઈ રહી છે, એટલે જ અમે મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી બનાવવા જઈ રહ્યા છીએ.

