શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્પંદન મહોત્સવ કાર્યક્રમ યોજાયો

ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ખાતે સ્પંદન મહોત્સવ અંતર્ગત પાંચ જિલ્લાના પાંચ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ લીધો ભાગ

રાજ્યમાં શિક્ષણનો દર વધ્યો છે,સરકારશ્રીના પ્રયત્નોથી રાજ્યના છેવાડાના ગામ સુધી શિક્ષણનો વ્યાપ વધ્યો છે – શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યના યુવાનો ખેલકૂદમાં આગળ વધે તે માટે પ્લેટફોર્મ ઊભું કરાયું છે,આજે સ્પોર્ટ્સ ક્ષેત્રે રાજ્યના ખેલાડીઓ આગળ વધ્યા છે -ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી

કમલમ ન્યુઝ જતીન સોની

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ખાતે બે દિવસીય સ્પંદન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી ઊપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા યુનિવર્સિટીના યુવક મહોત્સવની શરૂઆત કરાવવામાં આવી હતી, આ કાર્યક્રમમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર અને વડોદરા ગ્રામ્ય જિલ્લામાં આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સીટી સંલગ્ન તમામ કોલેજના પાંચ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય શ્લોક ગાન અને ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના નાગરિકોને પણ ભણતર મળે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, રાજ્યમાં શિક્ષણનો દર વધ્યો છે,સરકારશ્રીના પ્રયત્નોથી રાજ્યના છેવાડાના ગામ સુધી શિક્ષણનો વ્યાપ વધ્યો છે. સરકારશ્રી દ્વારા સ્થાપવામાં આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સીટી આજે સફળતાના શિખરો સર કરી રહી છે. રાજ્યના પછાત વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી કામ કરી રહી છે. આજે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિને મળ્યો છે. ગોધરા શહેરમાં આયોજિત યુવક મહોત્સવ કાર્યક્રમમાં પ્રથમ દિવસે અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે શિક્ષણમંત્રી દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ખાતે નિર્માણ પામી રહેલ નવી બિલ્ડીંગની મુલાકાત લઈને બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યમાં ચાલુ વર્ષે ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના તમામ ખેલાડીઓ ભાગ લેશે, ત્યારે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને અમદાવાદ આવવા આમંત્રણ પાઠવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યના યુવાનો ખેલકૂદમાં આગળ વધે તે માટે પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે,આજે સ્પોર્ટ્સ ક્ષેત્રે રાજ્યના ખેલાડીઓ આગળ વધ્યા છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓને નેશનલ ગેમ્સમાં જોડાવવા માટે આહવાન કર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બે વર્ષના કોરોનાકાળ બાદ જ્યારે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ચાલુ વર્ષે ૧૨ વાગ્યા સુધી ગરબા રમવા માટેની છૂટ આપવામાં આવી છે, સૌ મન મૂકીને ગરબે ઘૂમજો તેવું જણાવ્યું હતું.

આ સ્પંદન મહોત્સવ અંતર્ગત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પ્રવચન રજૂ કરાયું હતું.

આજના આ પ્રસંગે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર, રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, છોટા ઉદેપુર સાંસદશ્રી ગીતાબેન રાઠવા , જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા, પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM