
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અર્થે દેશના ખૂણે ખૂણેથી માટી એકત્રિત કરવાના અભિયાન અંતર્ગત માણસા તાલુકા કક્ષાનો ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માણસા તાલુકા પંચાયત ખાતે અમૃત કળશ યાત્રા યોજવામાં આવી હતી. 53 બટાલિયન બી.એસ.એફના જવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું



આ દરમિયાન ‘ભારત માતા કી જય’, ‘વીર શહીદો અમર રહો’ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. તાલુકા પંચાયત ખાતે પ્રમુખ શ્રી , તેમજ અગ્રણી અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓએ પણ માટી પધરાવી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ જણાવ્યુ હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ઉલ્લાસપૂર્ણ ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યભરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.



અમૃત કળશ યાત્રાએ માતૃભૂમિના વીરોને વંદન અને નમન અર્પણ કરવાની ક્ષણ છે. આ અભિયાન શહીદોના સંઘર્ષ અને વીરતા યાદ કરાવવાનો અવસર છે. નોંધનીય છે કે, માણસા તાલુકા પંચાયત ખાતે અમૃત કળશ યાત્રા દરમિયાન ચપટી માટી અને ચોખા એકત્ર કરવામાં આવ્યા હતા.

માણસા તાલુકા પંચાયત ના પ્રત્યેક સભ્યો દ્વારા લાવવામાં આવેલ અમૃત કળશમાંથી પ્રતિકાત્મક રૂપે માટી – ચોખા લઈ તાલુકા કક્ષાના કળશમાં મુકવામાં આવ્યા હતા. હવે આ અમૃત કળશ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. આ કળશ યાત્રામાં માણસા તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, આંગણવાડીના બહેનો તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિત સ્થાનિક લોકો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
