‘વન સેતુ ચેતના યાત્રા’વન્ય જીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના જગાવશે – વન પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

‘વડાપ્રધાનશ્રીના વનવાસી કલ્યાણના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા બે દાયકાથી મળી રહ્યો છે- આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ

ઉનાઈ થી અંબાજી સુધીના આદિજાતિ બેલ્ટમાંથી પસાર થનારી યાત્રા ત્રણ લાખ આદિવાસી બંધુઓને સરકારની સિદ્ધિઓ અને વિકાસકાર્યોની ઝાંખી કરાવાશે

ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો અને શબરી ધામ, આદિવાસી અસ્મિતાના પ્રતિક હોવાનું જણાવી કહ્યું હતું કે, શ્રી રામના પાવન પગલાં જે ભૂમિ પર પડ્યા હોય એ ગુજરાતની ભૂમિ પર આપણને વિકસવા અને વસવા મળ્યું એ આપણું સૌભાગ્ય છે.

મહાભારતના પૌરાણિક કાળમાં ડાંગ પ્રદેશનો દંડકારણ્ય નામે ઉલ્લેખ થયો છે એમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આદિવાસીઓના આરાધ્ય માતા શબરી વિના રામાયણ અધૂરી છે. શબરીજીના એંઠા બોર ખાઈને ભગવાન શ્રીરામે આદિજાતિ માતાના સ્નેહ, વાત્સલ્ય અને મમતાની અનુભૂતિ કરી હતી.

વન રક્ષક અને પ્રકૃતિપૂજક આદિવાસી સમાજ વન સંપદાની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણમાં અગ્ર ભૂમિકા નિભાવી રહ્યો છે એમ જણાવી મંત્રી શ્રી હળપતિ એ, આદિજાતિ બાંધવોના પ્રકૃતિ પ્રેમ અને વન્ય જીવો પ્રત્યેની સંવેદનાને બિરદાવી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું કે, વન સેતુ ચેતના યાત્રા રાજ્યના નાગરિકોમાં વન્ય જીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના જગાવશે.

વનબંધુ વિશ્વબંધુ બને એ માટે રાજ્ય સરકારે વન બંધુ કલ્યાણ યોજના ૨.૦ હેઠળ સને ૨૦૨૩-૨૪ ના વર્ષમાં રૂ.૪૭,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે. તેમ જણાવતા વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે, આદિજાતિઓના વિકાસની નવી પરિભાષા અંકિત કરવાના ધ્યેય સાથે નવસારી, ડાંગ, અરવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં રાજ્ય સરકારે કામગીરી આરંભી છે તેમ જણાવ્યું હતું.

તા.૧૮ થી ૨૨ જાન્યુ. સુધીની પ દિવસની આ વન સેતુ ચેતના યાત્રા ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા  અને બનાસકાંઠા એમ ૧૩ જિલ્લાના ૫૧ તાલુકાઓમાંથી પસાર થઈને ત્રણ લાખ આદિવાસી ભાઈઓ-બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ, વિકાસકાર્યોની ઝાંખી કરાવશે.

‘વન સેતુ ચેતના યાત્રા’માં ઉપસ્થિત વિશાળ જનસમૂહને સંબોધતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વનવાસી કલ્યાણના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા બે દાયકાથી મળી રહ્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટામાં વસતા રાજ્યના અભિન્ન અંગ સમાન આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ દ્વારા વિકાસની મુખ્યધારામાં લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાનું સફળ અમલીકરણ કર્યું છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અને પવિત્ર ઉત્સવ દેશભરમાં ઉજવાશે તે સમગ્ર દેશવાસીઓ માટે વિકાસની દિપાવલી સમાન લોકોત્સવ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા વન મંત્રીશ્રીએ, આ પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ દિવસે જ આદ્યશક્તિ ધામ અંબાજીમાં ‘વન સેતુ ચેતના યાત્રા’ પૂર્ણ થશે, અને તે પણ વનવાસી વિસ્તારમાં વિકાસની નવી ઉર્જા-ચેતના જગાવશે એમ ઉમેર્યું હતું.

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો પણ ઠેર ઠેર યાત્રાના માર્ગમા આવતા મંદિર પરિસરની સાફ-સફાઈમાં જોડાઈ રહ્યાં છે તેમ જણાવતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, આગામી તા.૨૨મીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની વડાપ્રધાનશ્રી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે ત્યારે, પ્રત્યેક નાગરિકો ઘરઆંગણેથી જ અયોધ્યામાં માનસિક ઉપસ્થિતિ સાથે જોડાય તેવું આહ્વાન કર્યું હતું.

ડાંગ જિલ્લામાંથી પસાર થયેલી યાત્રા દરમિયાન મહાનુભાવોએ, યાત્રાની ભૂમિકા આપતા રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા સાથે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી ક્ષેત્રમાં વસતા આદિવાસી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો, અભિયાનોથી વાકેફ કરવા અને સાંકળવાનો, અને વિશેષત: આદિમ જૂથના લાભાર્થીઓને પાકા મકાનની સુવિધા, પાકી સડકો, આરોગ્ય, વીજળી, શિક્ષણ, ઘર આંગણે જ આયુષ્માન ભારત યોજનાનો લાભ આપવાનો આશય છે તેમ જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા આદિજાતિ બાંધવો સહિત આદિમ જૂથો, વંચિત, જરૂરિયાતમંદ લાભાર્થીઓમાં ચેતનાનો સંચાર કરી મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ છે. તેમ પણ વધુમાં ઉમેર્યું હતું.

શબરી ધામ ખાતે મહાનુભાવોએ માં શબરી, પ્રભુ શ્રી રામ, અને ભ્રાતા શ્રી લક્ષ્મણજીની નયનરમ્ય પ્રતિમાના દર્શન કરી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ડાંગ જિલ્લામાં પ્રવેશેલી યાત્રા તેના જિલ્લાના અંતિમ પડાવ એવા શબરી ધામ બાદ, પાડોશી તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પહોંચી હતી.

ડાંગ જિલ્લાના વઘઇ સહિત પિમ્પરી, આહવા, સુબિર, અને શબરી ધામ ખાતે ‘વન સેતુ ચેતના યાત્રા’ નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. ડાંગ જિલ્લાની યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, પૂર્વ પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ભાજપ સંગઠન પ્રભારી મંત્રી શ્રી રાજેશભાઈ દેસાઈ, ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. એમ. ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથાર, વરિષ્ઠ વન અધિકારી શ્રી શશિકુમાર, શ્રી આનંદ કુમાર, ડાંગના નાયબ વન શ્રી સંરક્ષકો સર્વશ્રી શ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, એ.સી.એફ. સર્વશ્રી આરતી ડામોર અને કેયુર પટેલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ, વનકર્મીઓ, સ્થાનિક પદાધિકારીઓ, સંબંધિત અધિકારી/કર્મચારીઓઓ, કારસેવકો, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM