દિવાળીના તહેવારમાં સુદ્રઢ યાતાયાત સુવિધા સુનિશ્ચિત કરવા ૪,૨૦૦ એક્સ્ટ્રા બસ સંચાલનનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સેવામાં નવીન ૨૦૧ એસ.ટી. બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતેથી એસ.ટી. નિગમની નવી ૨૦૧ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ૧૩૬ સુપર એક્સપ્રેસ, ૬૦ સેમી લક્ઝરી અને ૫ મીડી બસોનો સમાવેશ થાય છે.

ગાંધીનગર ખાતે યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રીએ
બસનું વિધિવત રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઇવર-કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યનો દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એકસ્ટ્રા ૪,૨૦૦ બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

તાજેતરમાં જ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળા માટે ૨૮,૦૦૦થી વધુ, પવાગઢ આસો નવરાત્રિ માટે ૨૨,૦૦૦થી વધુ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ૭,૦૦૦થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક ૮,૦૦૦થી વધુ બસો દ્વારા પ્રતિદિન ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરીને રાજ્યના ૨૭ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડે છે.

આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરના મેયર શ્રીમતિ મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતિ રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્યશ્રી જયંતિભાઈ પટેલ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ અને એસ. ટી. નિગમના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *