
આવો આપણા મહીસાગર જિલ્લાને સૂર્યશક્તિથી પ્રકાશિત જિલ્લો બનાવીએ:- શિક્ષણ મંત્રીશ્રી કુબેર ભાઈ ડિંડોર
મહિસાગાર જિલ્લાના એમ જી વી સી એલ ની વિવિધ સહાયરૂપ યોજનાઓ વિષે ખેડૂતોને માહિતગાર કરવાના પ્રસંશનિય હેતુથી ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સૌર ઉર્જા વિકાસ કાર્યક્રમ સંતરામપુર ટાઉન હૉલ ખાતે સફળતા પૂર્વક યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સંબોધન કરતાં શિક્ષણ મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે સૌર ઉર્જા એટલે સૂર્યની શક્તિથી આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ. સૌર ઊર્જા ફક્ત વીજળી પૂરતી નથી, પરંતુ આત્મનિર્ભર ભારત તરફનું એક મોટુ પગથિયુ છે. સરકારશ્રી દ્વારા પી.એમ. કુસુમ યોજનાના માધ્ચમથી પોતાના ખેતરમાં સૌર ઊર્જા આધારિત પંપસેટ દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવાનો ઉદેશ્ય છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૫૮ અરજીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.જેમાં ૨.૪૫ કરોડનો લાભ ખેડૂતોને મળ્યો છે. આજ દિન સુધીમાં ૧૬૮ અરજીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જે અંર્તગત ૧૨.૪૧ લાખનો લાભ ખેડૂતોને મળ્યો છે. આ આંકડા સાબિત કરે છે કે આપણા ખેડૂતો ટેકનોલોજી સાથે જોડાઈને સોર ઊર્જાના નવનિર્માણ આગળ વધી રહ્યા છે.
આ પ્રસંગે ખેડૂતો માટે કલ્યાણકારી મોડલ સોલર વિલેજ યોજના વિશે તેમણે કહ્યું કે આ યોજનામાં 800 કરોડનું બજેટ ફાળવાયું છે જેમાં દરેક ગામ માટે ૧ કરોડનો પ્રાવધાન રાખવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૯૩૦ અરજીઓને ૧૫ કરોડની સબસિડી આપવામાં આવી છે, અને ૧૯૮૫ અરજીઓ સ્થાપન સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હાલમાં ૨૬૯૭ ગ્રાહકોને કુલ ૨૦૭.૮૭ લાખનું ક્રેડિટ આપવામાં આવ્યું છે.

વધુમાં વનબંધુ કલ્યાણ યોજના – ફેઝ ૧ અને ૨ની કામગીરી ગણાવતા તેમણે જણાવ્યું હતું કે ફેઝ-૧ હેઠળ કડાણા અને સંતરામપુર તાલુકાના ૨૧ ફીડર આવરી લેવામાં આવ્યા છે, જેમાં ૭૪૨ કિ.મી. લાંબા MVCC કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેમાંથી ૧૦૦ કિ.મી.નું કામ પૂર્ણ થઈ ગયું. જેમાં ₹૫૪.૧૪ કરોડનો ખર્ચ થવાનો છે અને ૪૧,૫૫૩ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળશે. તથા ફેઝ-2 હેઠળ સંતરામપુર તાલુકાના ૫ ફીડર થકી ૮૩.૩૫ કરોડના ખર્ચે ૧૪,૩૯૮ ગ્રાહકોને વિશ્વસનીય વીજ પુરવઠાનો લાભ મળશે. ઉપરાંત કિસાન સૂર્યોદય યોજના થકી સંતરામપુર અને ખાનપુર તાલુકાના ૬ ખેતી ફિડર હેઠળ ૬૧.૧૦ કરોડના ખર્ચે ૫૭૭૯ ખેડૂતોને વીજળી ઉપલબ્ધ થસે.
અંતે જેમણે જણાવ્યું કે આ તમામ યોજનાઓ એ માત્ર આંકડા નથી – એ આપણા ગામડાંના વિકાસની કહાણી છે. એ આપણા ખેડૂતોની મહેનતનો પ્રતિબિંબ છે. અને એ આપણી સરકારની પ્રતિબદ્ધતા છે કે ગામથી લઈને શહેર સુધી ઊર્જા વિકાસ અને સમૃદ્ધિ પહોંચાડવી છે.ચાલો, આપણે સૌ મળીને આ યોજનાઓને વધુ સફળ બનાવીએ અને આપણા મહીસાગર જિલ્લાને સૂર્યશક્તિથી પ્રકાશિત જિલ્લો બનાવીએ.
આ કાર્યક્રમમાં મહિસગાર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, અગ્રણીશ્રી દશરથભાઈ, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી, એમ જી વી સી એલના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા.