“એક પેડ માં કે નામ” અંતર્ગત ભરૂચ જિલ્લામાં ૩૮.૭૩ લાખ રોપાઓનું વાવેતર અને વિતરણ કરાયું- રાજ્યકક્ષા મંત્રીશ્રી ઈશ્વર પટેલ

ભરૂચમાં (રાજ્યકક્ષા મંત્રીશ્રી, જળ સંપત્તિ, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને ૭૭ મો વન મહોત્સવની ઉજવણી કરાઈ

જિલ્લાના ખેડૂતોને શેઢા પર નીલગીરી, સાગ કે ચંદન જેવા વૃક્ષો વાવીને પર્યાવરણના જતન સાથે આવક મેળવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા મંત્રીશ્રી

“એક પેડ માં કે નામ” અંતર્ગત ભરૂચ જિલ્લામાં ૩૮.૭૩ લાખ રોપાઓનું વાવેતર અને વિતરણ કરાયું- રાજ્યકક્ષા મંત્રીશ્રી ઈશ્વર પટેલ

 હાઈન્સેન્ટીવ ફોર હેરીટેજ ટ્રી ટુ ફાર્મર્સ, ગ્રામવન વાવેતર, એસ.એચ.જી ગૃપ વગેરે લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ
 એક પેડ માં કે નામ ૩.૦ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ નિ:શુલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ રથને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપવામાં આવી
 ભરૂચ જિલ્લો પર્યાવરણીય સમૃદ્ધિ તરફ વૃક્ષોની ડેન્સિટી વધીને ૩૦.૧૫ ટકા થઈ

જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ ખાતે માન. રાજ્યકક્ષા મંત્રીશ્રી, જળ સંપત્તિ, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ૭૭ મો જીલ્લા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.
વન સંરક્ષક શ્રી ભાવના દેસાઈએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, શ્રી આપણા આદરણીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું પ્રેરણાદાયી અભિયાન ‘એક પેડ મા કે નામ’ આજે તેના આગળના ચરણ એટલે કે ‘એક પેડ મા કે નામ 3.o વિશે ટૂંકમાં વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, આ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ પ્રકૃતિ અને માતા પ્રત્યેની આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક સુંદર અવસર છે. આપણી આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્યની ગેરંટી છે.
કાર્યક્રમના અધ્યક્ષ અને રાજ્યકક્ષા મંત્રીશ્રીએ ઉપસ્થિતોને સંબોધન કરતાં જણાવ્યું કે, વર્ષ ૧૯૫૦માં આપણા ભરૂચના સપૂત શ્રી કનૈયાલાલ મુનશીજીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી. આજે પર્યાવરણમાં જે અનિયમિતતા જોવા મળે છે, ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ તેનું મુખ્ય કારણ વૃક્ષોનું ઘટતું પ્રમાણ છે. આપણે આપણા બાળકોના ભવિષ્ય અને સારી કારકિર્દી માટે સંપત્તિ ભેગી કરીએ છીએ, પરંતુ જો તેમને સ્વચ્છ પર્યાવરણ અને શુદ્ધ હવા નહીં આપીએ, તો ભાવી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.
ભરૂચ જિલ્લાની પર્યાવરણીય ઉપલબ્ધિઓની વાત કરતા તેમણે કહ્યુ હતુ કે, “એક પેડ માં કે નામ” અંતર્ગત જિલ્લામાં ૩૮.૭૩ લાખ રોપાઓનું વાવેતર અને વિતરણ કરાયું છે. ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ૧૮ નર્સરીઓ દ્વારા ૩૫.૨૬ લાખ જેટલા રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. અને રોડ સાઇડમાં ૧૪ હેક્ટરમાં ૧૪,૦૦૦ રોપા, ૮૫ પંચાયતોમાં ૪,૨૫૦ રોપા અને ૮ અમૃત સરોવર કિનારે ૧,૬૦૦ રોપાઓનું વાવેતર થયું છે.


સાથે જ વન કવચ અને ગ્રામીણ સશક્તિકરણ અંતર્ગત ગ્રામ્ય અને અર્બન વિસ્તાર મળી કુલ ૨૯ હેક્ટરમાં ૯ વન કવચ બનાવી ૨.૯૦ લાખ રોપાઓ વવાયા છે. DCF અને SHG જૂથો મારફતે ૧૬.૯૦ લાખ રોપાઓ ફાળવવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં વૃક્ષોની ડેન્સિટીમાં વધારો થયાનું ભાર પૂર્વક ઉમેરતા તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૧માં જંગલ બહાર ૧૭૩.૯૭ લાખ વૃક્ષો હતા, જે ૨૦૨૫માં વધીને ૧૮૩.૨૧ લાખ થયા છે,એટલે કે કુલ ૫.૩૧% નો વધારો થયો છે. આમ, હેક્ટર દીઠ ડેન્સિટી ૨૮.૬૩ થી વધીને ૩૦.૧૫ ટકા થઈ છે.
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ “એક પેડ મા કે નામ” અભિયાનનું આહ્વાન કર્યું છે. જન્મદિવસ કે પુણ્યતિથિ જેવા પ્રસંગોએ આપણે સૌએ ફરજિયાત એક વૃક્ષ વાવવું જોઈએ. મધ્ય ગુજરાત અને ગોધરા વિસ્તારમાં લગ્ન પ્રસંગે શેઢા પર ઝાડ વાવવાની અદ્ભુત પરંપરા છે, જે વર્ષો પછી આર્થિક રીતે પણ ઉપયોગી નીવડે છે.
અંતે, તેમણે જિલ્લાના ખેડૂતોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, ખેડૂતો શેઢા પર નીલગીરી, સાગ કે ચંદન જેવા વૃક્ષો વાવીને પર્યાવરણના જતન સાથે મોટી આવક પણ મેળવી શકે છે. ગ્રામ પંચાયત અને ગૌચરની જગ્યામાં વાવેલા વૃક્ષોના હરાજીમાંથી આવકના ૭૫% પંચાયતને અને રોડ સાઇડના વૃક્ષોમાંથી પ૦% તાલુકા પંચાયતને વિકાસકામો માટે મળે છે.

આ સમગ્ર ચોમાસા દરમિયાન આપણે સૌ સંકલ્પ કરીએ કે દર એક વ્યક્તિ ઓછામાં ઓછા ૧૦ વૃક્ષો વાવશે અને તેનું જતન કરશે. અને આપણે સૌ સાથે મળીને આપણી ધરતીને હરિયાળી બનાવીએ.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ગીત કરવામાં આવી હતી. શાળાની બાળાઓ સંસ્કૃતિ કાર્યક્રમની સુંદર રજૂઆત કરી હતી. મંચસ્થ મહેમાનોને સિંદૂરના રોપા, મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.
વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ તેમજ વૃક્ષોનું જતન તેની જાળવણી કરતાં પાત્રતા ધરાવતા ઉત્તમ કામગીરી કરનાર લોકોને પ્રશસ્તિ પત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ તમામ તાલુકા કક્ષાના “સ્નેક રેસ્ક્યુયર”ને પણ પ્રશસ્તિ પત્ર અને રેસ્ક્યુયર કીટ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
વન વિભાગની નવી યોજના હlઈન્સેન્ટીવ ફોર હેરીટેજ ટ્રી ટુ ફાર્મર્સ યોજના હેઠળના લાભાર્થીઓ, ગ્રામવન વાવેતર યોજનાના ગ્રામપંચાયત, એસ.એચ.જી ગૃપ નર્સરીઓના લાભાર્થીઓને સહાયના ચેકનું મહાનુભાવોના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ હતું.


આ તકે, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ ભાઈ મિસ્ત્રીએ પણ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે દ્વારા એક પેડ માં કે નામ ૩.૦ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ નિ:શુલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ રથને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી.
આ તકે, કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય સર્વે શ્રી રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ગવ્હાણે, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ ગામોના સરપંચો, વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *