અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

ચક્ષુદાન અંગે જનજાગૃતિ કેળવી વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવા સૌએ સહિયારો પ્રયાસ કરવો જરૂરી : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

નેત્રદાન થકી નવું પ્રકાશમય જીવન મેળવનાર 12 વર્ષીય ઉર્વીનું સન્માન કરાયું

રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે આજે 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત ચક્ષુદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દર વર્ષે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ ચક્ષુદાન તેમજ આંખના રોગો અંગે લોકોમાં જાગૃતિ કેળવવાનો અને વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવાનો છે. ભારતમાં દર વર્ષે આશરે 1.50 લાખ લોકોને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઊભી થાય છે, જ્યારે તેની સામે આશરે 50 હજાર કોર્નિયાનું દાન થાય છે. તેમાંથી 25થી 30 હજાર જેટલા દર્દીઓને સફળ શસ્ત્રક્રિયા દ્વારા નવી દૃષ્ટિ મળે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નેત્રદાન એ માનવતાની સેવા સાથે જોડાયેલું અનોખું દાન છે. વ્યક્તિના મૃત્યુ બાદ 3થી 6 કલાકની અંદર આંખના કોર્નિયા મેળવી શકાય છે, જેના થકી જરૂરિયાતમંદ વ્યક્તિને દૃષ્ટિ આપીને તેના જીવનમાં પ્રકાશ પાથરી શકાય છે. તેમણે ચક્ષુદાન અંગે વ્યાપક જનજાગૃતિ ઊભી કરવા સમાજને સહિયારો પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજી અને તબીબી સેવાઓના વિકાસને પરિણામે આંખના વિવિધ રોગોનું વહેલી તકે નિદાન અને સારવાર શક્ય બની છે. અગાઉ મોતિયાને આંખનો ગંભીર રોગ માનવામાં આવતો હતો, પરંતુ આજે અદ્યતન તબીબી સુવિધાઓના કારણે તેનું સમયસર નિદાન અને સફળ સારવાર શક્ય બની છે. રાજ્યમાં પશુઓમાં આંખને લગતી સમસ્યાઓના નિવારણ માટે પણ સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા અંગદાન ક્ષેત્રે કરવામાં આવી રહેલી શ્રેષ્ઠ કામગીરીને સમગ્ર દેશમાં નામના મળી છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે નેત્રદાન થકી નવું પ્રકાશમય જીવન મેળવનાર 12 વર્ષીય ઉર્વીનું મંત્રીશ્રીએ સન્માન કરી તેને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વ. ઝીલ શૈલેષભાઈ વાઘેલાના અંગદાન થકી હૃદય, વાલ્વ અને નેત્રદાન સહિત અનેક અંગોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. આ ઉમદા સેવાકાર્ય બદલ સ્વ. ઝીલબેનના પરિવારજનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

નેત્ર આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તબીબો અને હોસ્પિટલના સ્ટાફને આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ચક્ષુદાન અંગે શપથ લીધા હતા.

આ પ્રસંગે રામ-શ્યામ ચેરિટેબલ મંડળ દ્વારા દાનમાં આપવામાં આવેલી એમ્બ્યુલન્સને આરોગ્ય મંત્રીશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ સિવિલ આંખ હોસ્પિટલ દ્વારા આયોજિત ચક્ષુદાન જાગૃતિ રેલીને પણ મંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં હેલ્થ કમિશનર શ્રી રતનકંવર ગઢવીચારણ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. રાકેશ જોશી, સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. પિયુષ મિતલ, ડૉ. શશાંક પંડ્યા, ડૉ. મીનાક્ષી પરીખ સહિતના તબીબી નિષ્ણાતો, લાભાર્થીઓ, દાતાશ્રીઓના પરિવારજનો તથા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *