રાજ્યની વીજ પરિસ્થિતિની ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં વિસ્તૃત સમીક્ષા

* ૨૯,૮૨૨ મેગાવોટની વીજ માંગની પૂર્તતા કરવામાં આવી
* વધેલી વીજ માંગને પહોંચી વળવા આયોજનબદ્ધ કામગીરી ચાલુ
* લાંબા ગાળાના વીજ પુરવઠા અને ગ્રીડ સ્થિરતા માટે બેટરી સ્ટોરેજ (BESS) તથા ન્યુક્લિયર પ્લાન્ટ સહિતનું સુદૃઢ આયોજન

ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રે વધતી માંગ અને વીજ પુરવઠાની પરિસ્થિતિ અંગે આજે ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને તમામ વીજ કંપનીઓના અગ્રણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વીજ માંગ વધવાના મુખ્ય કારણો, તાત્કાલિક નિવારણ માટે લેવાયેલાં પગલાં અને આગામી સમયની માંગને પહોંચી વળવા માટેના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વીજ માંગ વધવાનાં મુખ્ય કારણો:
* અલ નીનોની અસર: ચાલુ વર્ષે નબળા ચોમાસા બાદ પણ તાપમાન સતત ઊંચું રહેતાં કૂલિંગ લોડમાં મોટો વધારો નોંધાયો છે.
* કૃષિ ક્ષેત્રે વધુ માંગ: ઊભા પાકને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે ખેડૂતોને પૂરતા કલાકો વીજળી આપવામાં આવતાં કૃષિ લોડ વધ્યો છે, જે દૈનિક મહત્તમ ૧૨૦૦૦ મેગાવોટ સુધી રહે છે.
* તહેવારોની મોસમ: નવરાત્રી અને આગામી દિવાળી તહેવારોને કારણે ઔદ્યોગિક માંગમાં પણ વધારો થયો છે.
* હાઇડ્રો અને પવન ઊર્જામાં ઘટાડો: રાજ્ય અને પાડોશી રાજ્યોમાં ઓછા વરસાદને કારણે હાઇડ્રો પાવર ઉત્પાદન ઘટ્યું છે, જે સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં મહત્તમ મળતું હોય છે. પવનની ગતિ ઓછી રહેવાને કારણે પવન ઊર્જાનું ઉત્પાદન પણ ઓછું થયું છે.
પરિણામે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમિયાન રાજ્યની વીજ માંગ ગત વર્ષોની સરખામણીએ આશરે ૧૨% (આશરે ૪,૦૦૦ મેગાવોટ) સુધી વધી છે.
૨૯,૮૨૨ મેગાવોટની વીજ માંગ:
તા. ૧૬.૧૦.૨૦૨૬ના રોજ રાજ્યમાં અત્યાર સુધીની સર્વોચ્ચ ૨૯,૮૨૨ મેગાવોટ વીજ માંગ નોંધાઈ હતી, જે ગત વર્ષની ઓક્ટોબર ૨૧૮૨૨ મેગાવોટની સરખામણીએ ૩૬.૬% વધુ છે. તા. ૧૬.૧૦.૨૦૨૬ના રોજ દૈનિક વીજ વપરાશ ૫૭૪ મિલિયન યુનિટ રહેલ જે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ૪૫૭ મિલિયન યુનિટ હતા જે વીજ વપરાશમાં થયેલ ૨૭% નો વધારો દર્શાવે છે.
કુલ સપ્લાય કરેલ વીજળીમાંથી અંદાજે PGVCL માં ૩૦%, DGVCLમાં ૨૨%, UGVCLમાં ૨૨% અને MGVCL માં ૧૦% તેમજ અન્ય ડિસ્કોમમાં ૧૬% વપરાશ થયેલ છે.
સાંજના ૫ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી સૂર્યાસ્ત બાદ સોલાર ઉત્પાદન શૂન્ય થતાં અને પવન ઊર્જા અનિયમિત હોવાથી માંગને પહોંચી વળવા કોલસા અને ગેસ આધારિત પ્લાન્ટ્સમાંથી પુરવઠો આપવામા આવે છે. ગ્રીડની ફ્રીક્વન્સી અને સંતુલન જાળવવા રાજ્ય લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) અને વીજ વિતરણ કંપનીઓ સતત કાર્યરત છે.
પુરવઠો વધારવા તાત્કાલિક લેવાયેલાં પગલાં:
* કેન્દ્ર સરકાર સાથે સંકલન: GSECLને જરૂરી કોલસાના રેક ઉપલબ્ધ કરાવવા માટે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ હતી, જેમાં કોલસા મંત્રાલયે નવેમ્બર સુધી રોજના 10થી 11 રેલવે રેક અને નવેમ્બરથી રોજના 13થી 14 રેકનો પુરવઠો કરવાની ખાતરી આપી છે. રાજ્યનાં વીજ મથકોમાં કોલસાનો મહત્તમ કાર્યક્ષમતા અને સંસાધનોનો સાથેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
* વધારાની વીજળીનો કરાર: NTPCના ફરક્કા પ્લાન્ટમાંથી નવેમ્બર માસ માટે ૩૭૯ મેગાવોટ અને આસામ રાજ્યના કેન્દ્ર સરકારના પાવર જનરેશનના ફાળામાંથી લાંબા ગાળા માટે ૫૦૦ મેગાવોટ ટૂંક સમયમાં મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં, કેન્દ્ર સરકાર હસ્તકના પાવર જનરેશનના અન-એલોકેટેડ ફાળામાંથી ૫૦૦ મેગાવોટની ફાળવણી રાજ્ય માટે માન્ય રાખવામાં આવી છે.
* ટૂંકા ગાળાના ટાઈ-અપ: ઓક્ટોબર માટે ૨,૯૯૦ મેગાવોટ, નવેમ્બર માટે ૧,૭૪૦ મેગાવોટ અને ડિસેમ્બર માટે ૧,૩૩૫ મેગાવોટના શોર્ટ-ટર્મ ટાઈ-અપ કરવામાં આવ્યા છે.
* દિવસ દરમિયાન સૌર ઊર્જાનો ઉપયોગ: રાજ્યમાં ઉત્પન્ન થતી આશરે ૧૨,૦૦૦ મેગાવોટ સોલાર ઊર્જાનો દિવસ દરમિયાન મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન કરાયું છે. ઉપરાંત ખેતીવાડી લોડને દિવસના સૌર કલાકોમાંજ વપરાય તેવું આયોજન કરેલ છે.
બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) – સાંજના પીક અવર્સ માટે કાયમી ઉકેલ:
દિવસની સોલાર ઊર્જાનો સંગ્રહ કરી સાંજે વાપરવા માટે BESS ક્ષમતા વધારવામાં આવી રહી છે:
* હાલ ૧૯૨ મેગાવોટ BESS કાર્યરત છે.
* ૨,૭૪૨ મેગાવોટ / ૫,૫૧૭ મેગાવોટ-કલાક ક્ષમતા માટે કરાર પૂર્ણ થયા છે.
* માર્ચ ૨૦૨૭ સુધીમાં ૫૦૦ મેગાવોટ / ૧,૦૦૦ મેગાવોટ-કલાક કાર્યરત થશે.
* ૧,૦૦૦ મેગાવોટ / ૪,૦૦૦ મેગાવોટ-કલાકનું ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.
ભવિષ્યનું લાંબા ગાળાનું આયોજન
* સેન્ટ્રલ જનરેટિંગ થર્મલ સ્ટેશનમાંથી ૧૩૦૦+ મેગાવોટ રાજ્યને પહેલેથી જ ફાળવવામાં આવ્યું છે અને ૨૦૨૮-૨૯ થી ઉપલબ્ધ થશે. (તબક્કાવાર રીતે ૨૦૨૭ થી શરૂ થશે)
* સેન્ટ્રલ જનરેટિંગ હાઇડ્રો સ્ટેશનમાંથી ૧૨૦૦+ મેગાવોટ રાજ્યને પહેલેથી જ ફાળવવામાં આવ્યું છે અને ૨૦૨૮-૨૯ થી ઉપલબ્ધ થશે. (તબક્કાવાર રીતે નવેમ્બર ૨૦૨૬ થી શરૂ થશે)
* વર્ષ ૨૦૩૧-૩૨ માં વીજળીની જરૂરિયાત માટે સેન્ટ્રલ જનરેટિંગ થર્મલ સ્ટેશનમાંથી ૫૦૦૦+ મેગાવોટ વીજળીની ફાળવણી માટે સરકારને વિનંતી કરવામાં આવી છે.
* GUVNL દ્વારા SHAKTI સ્કીમ હેઠળ ૪,૦૦૦ મેગાવોટ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે (જે વીજળી ૨૦૩૦-૩૧થી મળશે).
* NPCIL સાથે ૪,૨૦૦ મેગાવોટ ન્યુક્લીઅર પાવર પ્રોજેક્ટ માટે MoU થયા છે, જેનો પ્રથમ યુનિટ ૨૦૩૨માં કાર્યરત થવાની ધારણા છે.
* ઉકાઈ ખાતે ૮૦૦ મેગાવોટ થર્મલ પ્લાન્ટ નિર્માણાધીન છે (સપ્ટેમ્બર ૨૦૨૯થી ચાલુ થશે).
* સિનોર, વણાકબોરી અને ગાંધીનગરમાં નવા થર્મલ પ્રોજેક્ટ્સ માટે જમીન અને સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.
નાગરિકોને અપીલ: અફવાઓથી દૂર રહેવું, વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરવો
રાજ્ય પાસે વીજ માંગને પહોંચી વળવા માટે પુરતો પુરવઠો ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં હવામાન બદલાતાં માંગમાં પણ ઘટાડો થશે.
રાષ્ટ્રહિત અને જનહિતમાં સૌ નાગરિકોને વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે. શક્ય હોય ત્યાં વીજ વપરાશ દિવસના સૌર કલાકોમાં ગોઠવવો અને સાંજના પીક અવર્સ (સાંજે ૫ થી ૧૧) દરમિયાન બિનજરૂરી વીજ વપરાશ ટાળીને ઊર્જા બચતમાં સહયોગ આપવો.