
રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત, ઝડપી અને બહેતર આરોગ્ય સેવાઓ મળી રહે તથા ગ્રામ્ય વિસ્તારો સુધી કટોકટીના સમયે તબીબી સહાય ત્વરિત પહોંચે તે હેતુથી આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા બજાજ ફાઇનાન્સના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી- CSR ફંડ અંતર્ગત રાજ્યની વિવિધ સેવાભાવી હોસ્પિટલોને ૨૫ જેટલી એમ્બ્યુલન્સ ફાળવવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત પ્રથમ ચરણમાં આજે સુરતથી આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે આધુનિક આરોગ્ય સંસાધનોથી સજ્જ ૫ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી દર્દીનારાયણની સેવામાં રવાના કરવામાં આવી હતી.

સેવાભાવ સાથે આરોગ્ય સેવા પૂરી પાડતી માતુશ્રી રામુબા તથા માતુશ્રી શાંતાબા વીડિયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ-સુરત, વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ- લલ્લુભાઈ હોસ્પિટલ, સાવરકુંડલા, સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ- ટીંબી, તા. ઉમરાળા, જિ. ભાવનગર, દિનબંધુ ચેરિટેબલ હોસ્પિટલ, ખોલવડ, તા. કામરેજ અને પૂ.મુક્તાનંદ બાપુ પ્રેરિત જય અંબે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ-ચાપરડા, તા.વિસાવદર, જિ.જૂનાગઢ એમ આ પાંચ હોસ્પિટલોને પ્રથમ તબક્કામાં એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને આ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સેવા મળવાથી ખૂબ મોટી રાહત મળી રહેશે.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સેવાભાવ સાથે ટ્રસ્ટીઓ દ્વારા માત્ર દાનના માધ્યમથી હોસ્પિટલો ચલાવવી એ કોઈ પવિત્ર યજ્ઞથી કમ નથી. રાજ્યમાં ઘણી હોસ્પિટલો સંપૂર્ણપણે વિનામૂલ્યે ચાલે છે અને ત્યાં કેશ કાઉન્ટર જ હોતા નથી. ત્યારે આવા સેવાયજ્ઞમાં આહૂતિ આપવા માટે રાજ્ય સરકારે બજાજ ફાયનાન્સના આર્થિક સહયોગથી ૨૫ આધુનિક એમ્બ્યુલન્સ આપવાનો સંકલ્પ કર્યો છે. 
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. હાલ રાજ્યમાં કાર્યરત ૧૦૮ સેવા ઉપરાંત આ ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલોની એમ્બ્યુલન્સ આજુબાજુના ગામોના ગરીબ દર્દીઓ માટે ઇમરજન્સી સમયે, સાપ કે વિંછી જેવા ઝેરી જીવજંતુના કરડવા પર અથવા પ્રસૂતિ જેવા કટોકટીના પ્રસંગોએ ખૂબ જ ઉપયોગી સાબિત થશે એમ જણાવી મંત્રીશ્રીએ હોસ્પિટલોના તમામ ટ્રસ્ટીઓ અને સંચાલકોને આ પવિત્ર આરોગ્યસેવા યજ્ઞ બદલ વંદન સહ અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓ શ્રી વલ્લભભાઈ સવાણી, દિનેશભાઈ નાવડિયા, ધીરૂભાઈ ગજેરા, કાનજીભાઇ ભાલાળા, મુકેશ પટેલ, નિવૃત્ત કલેક્ટર, પૂર્વ આઈ.એ.એસ.જે.બી.વોરા, સ્થાનિક કોર્પોરેટરો તેમજ બજાજ ફાઇનાન્સના પ્રતિનિધિઓ, વિવિધ સામાજિક અને તબીબી સંસ્થાઓના અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો , સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.