મહેસાણામાં રૂ. ૧.૪૩ કરોડના ખર્ચે ૭૭૬ દિવ્યાંગ લાભાર્થીઓને અત્યાધુનિક સાધનોનું નિઃશુલ્ક વિતરણ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના જન્મદિને ‘સેવા સંકલ્પ અભિયાન’ની ભવ્ય ઉજવણી

મહેસાણામાં રૂ. ૧.૪૩ કરોડના ખર્ચે ૭૭૬ દિવ્યાંગ લાભાર્થીઓને અત્યાધુનિક સાધનોનું નિઃશુલ્ક વિતરણ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના જન્મદિને ‘સેવા સંકલ્પ અભિયાન’ની ભવ્ય ઉજવણી

છેવાડાના માનવીને આત્મનિર્ભર બનાવવો એ જ સરકારની પ્રાથમિકતા: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ખાતે દિવ્યાંગ સહાય કેમ્પમાં જનસેવાનો મંત્ર દોહરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સેવા-સુશાસન અને અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે મહેસાણા લોકસભા વિસ્તારમાં દિવ્યાંગ સશક્તિકરણનો સેવાયજ્ઞ સંપન્ન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર સેવામાં ૨૫ વર્ષના સફળ કાર્યકાળના ઉપલક્ષમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ના સમાપન અવસરે અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે મહેસાણાના નુગર ખાતે મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલના પ્રયાસોથી દિવ્યાંગજન સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોરાસી કડવા પાટીદાર સમાજ વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ઊર્જામંત્રી શ્રી ઋષિકેશ પટેલ તેમજ અગ્રણી શ્રી રત્નાકરજી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારની એડીપ (ADIP) યોજના અને ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL)ના સી.એસ.આર. ફંડના સહયોગથી મહેસાણા, બેચરાજી, કડી અને ઊંઝા વિસ્તારના દિવ્યાંગોને આધુનિક સાધનોનું વિતરણ કરી તેમને સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દિવ્યાંગ લાભાર્થીઓને સંબોધતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના લોખંડી પુરૂષ શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસે મહેસાણા જિલ્લામાં દિવ્યાંગજનો માટેનું આ પ્રેરણાદાયી સેવા કાર્ય ખરા અર્થમાં માનવતાની મહેક ફેલાવે છે. આ સેવાયજ્ઞ અંતર્ગત સમગ્ર પ્રક્રિયામાં અંદાજે રૂ. ૩.૬૦ કરોડના ખર્ચે આશરે ૩,૪૦૦ જેટલા અત્યાધુનિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાધનો દિવ્યાંગજનો સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સાધનો માત્ર ભૌતિક સહાય નથી, પરંતુ દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવી તેમનામાં આત્મશક્તિ અને આત્મવિશ્વાસ જગાડવાનું માધ્યમ છે. સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોથી દિવ્યાંગો પોતાની દૈનિક જરૂરિયાતો સરળતાથી પૂર્ણ કરી આર્થિક રીતે સદ્ધર બને તેવું વિઝન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે રાખ્યું છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણી શ્રી રત્નાકરજીએ જનસેવાને જ સાચો ધર્મ ગણાવતા કહ્યું હતું કે, જનપ્રતિનિધિઓ હંમેશા જનતાની વચ્ચે રહીને તેમના સુખ-દુઃખના ભાગીદાર બને તે અનિવાર્ય છે. દિવ્યાંગજનોમાં કુદરતે અદ્ભુત ક્ષમતાઓ મૂકી હોય છે અને તેમની સેવામાં સહભાગી થવું એ આપણી નૈતિક ફરજ છે. શાસન અને સમાજ વચ્ચે સેતુ બનીને છેવાડાના માનવીના જીવનમાં ઉજાસ લાવવો એ જ આપણી ખરી સંસ્કૃતિ છે.

આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે માહિતી આપી હતી કે, વડાપ્રધાનના સુશાસનના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે મહેસાણા લોકસભા ક્ષેત્રના અંદાજે ૭૮૦ દિવ્યાંગોને સાધનો અર્પણ કરવામાં આવ્યા છે. આ માટે UGVCL દ્વારા સી.એસ.આર. ફંડમાંથી રૂ. ૧ કરોડ ૪૩ લાખની માતબર રકમ ફાળવીને આ સેવાકાર્યને વેગ આપવામાં આવ્યો છે.

રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘અંત્યોદય’ વિચારને યાદ કરતા જણાવ્યું હતું કે, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના કેન્દ્રમાં હંમેશા ગરીબ અને વંચિત વર્ગ રહ્યો છે.

આ પ્રસંગે મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને અગ્રણી શ્રી ભરતભાઈ ડાંગરે પણ દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે શ્રી ગીરીશભાઈ રાજગોરે સ્વાગત પ્રવચન કરી તમામ મહાનુભાવોને આવકાર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે યોજાયેલ કેમ્પમાં UGVCL ના CSR ફંડમાંથી મહેસાણા, બેચરાજી, કડી વિધાનસભા અને ઊંઝા તાલુકા વિસ્તારના ૭૭૬ લાભાર્થીઓને રૂપિયા ૧.૪૩ કરોડથી વધુ કિંમતના ટ્રાયસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, હિયરિંગ એડ, ઇલેક્ટ્રીક ટ્રાયસીકલ, સ્માર્ટ કેઇન, ટીચિંગ લર્નિંગ મટીરીયલ્સ, સી.પી. ચેર, વોકર અને બ્રેઈલ કીટ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ બાદ લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સને મંત્રી શ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી લોકાર્પિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા,પાટણ લોકસભા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રાજ્ય સભા સાંસદ શ્રી રાજેશભાઈ શુકલ, અગ્રણી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી પ્રશાંતભાઈ કોરાટ, મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર, ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઇ ચૌધરી, કડી ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર કુમાર ચાવડા, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, BSF ના કમાન્ડન્ટશ્રી, UGVCL ના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, એલિમ્કોના પ્રતિનિધિ શ્રી મૃદુલ અવસ્થી સહિત દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *