રેલીમાં મંત્રી કનુભાઈ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ, તમામ ધારાસભ્યો, પ્રભારી સચિવ, કલેક્ટર, ડીડીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નગરજનો એ જોડાઈ એકતાનો સંદેશ આપ્યો

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વનો સૌથી વિકસિત દેશ બનાવવા મંત્રી કનુભાઈ દેસાઈએ આહવાન કર્યું

અખંડ ભારતના શિલ્પી, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન- ગૃહમંત્રી અને લોખંડી પુરુષ તરીકે જાણીતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસરે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘રન ફોર યુનિટી’’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ સાથે મંત્રી કનુભાઈએ સૌ ને રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા હતા.
આ રન ફોર યુનિટીમાં મંત્રી કનુભાઈ દેસાઈની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, જિલ્લાના સર્વ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઇ ચૌધરી, પ્રભારી સચિવ રેમ્યા મોહન, જિલ્લા કલેકટર નિતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત સહિત પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ, જિલ્લા પોલીસના જવાનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, સરદાર વલ્લભાઈ પટેલ ખેડૂતોના નેતા કહેવાયા, બારડોલી અને ખેડા સત્યાગ્રહ પછી સરદારનું બિરૂદ મળ્યું અને ભારતના રાજકારણમાં જમીન પરના નેતા તરીકે છાપ ઉભી કરી હતી. દેશની શાસન પ્રણાલીમાં તેમણે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ સહિતની કેડર ઉભી કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યુ કે, વિશ્વમાં જેટલા પણ દેશોએ આઝાદી મેળવી ત્યાં આઝાદી બાદ સરમુખત્યારશાહી આવી અથવા સ્થિર સરકાર બની ન હતી પરંતુ ભારતમાં આઝાદી બાદ સ્થિર સરકાર અને સ્થિર લોકશાહીનો શ્રેય સરદાર વલ્લભભાઈને જાય છે. આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી સરદારને શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ આપી ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’’ના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યુ છે.
મંત્રી કનુભાઈએ આજે નીકળેલી એકતા રેલીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, દેશનો એક સાથે સમતુલિત વિકાસ થાય અને લોકોમાં પ્રેમ, સદભાવના જાગે નીકળે તેનો સંદેશ આપવા માટે આ રેલી નીકળી છે. વધુમાં તેમણે સૌ સમાજ, ધર્મ અને જાતિના લોકોને સાથે મળી દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિશ્વનો સૌથી વિકસિત દેશ બનાવીએ એવી શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ સૌને એકતાના ભાવ સાથે મહેનત કરી પ્રગતિ કરીએ અને દેશને વિકાસના માર્ગે આગળ લઈ જઈએ એવી શુભેચ્છા પાઠવી હતી.
દેશભક્તિના ગીત સાથે નીકળેલી આ રેલીએ સમગ્ર શહેરમાં દેશભક્તિનો ભાવ જગાડયો હતો.