વલસાડમાં ‘શ્રીમતી રેખાબેન કિશનભાઇ દેસાઈ કોલેજ ઓફ ફાર્મસી’નું ભવ્ય લોકાર્પણ: કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન સંપન્ન

હું આ જ કેમ્પસમાં ભણ્યો છું, મંડળ માટે મદદરૂપ થવું એ મારી ફરજ છે, આભાર માનવાનો ન હોય” – ફાર્મસી કોલેજના લોકાર્પણ ટાણે ભાવુક થયા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી શ્રી નૂતન કેળવણી મંડળ, વલસાડ સંચાલિત નવનિર્મિત ‘શ્રીમતી રેખાબેન કિશનભાઇ દેસાઈ કોલેજ ઓફ ફાર્મસી’નો ભવ્ય લોકાર્પણ સમારંભ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ થયેલી આ નવતર કોલેજનું વિધિવત લોકાર્પણ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ‘શ્રીમતી રેખાબેન કિશનભાઇ દેસાઈ કોલેજ ઓફ ફાર્મસી’ના ભવ્ય લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પોતાના જૂના સંસ્મરણો વાગોળતા ભાવુક થઈ ગયા હતા. આ કોલેજની મંજૂરી મેળવવાથી લઈને બાંધકામ અને અન્ય તમામ વહીવટી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવા બાબતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, “આજે આ ફાર્મસી કોલેજનું નિર્માણ અને મંજૂરી સહિતનું સમગ્ર કાર્ય જે ઝડપથી પૂર્ણ થયું છે, તે ખૂબ જ સરાહનીય છે.” પોતાના બાળપણ અને વિદ્યાર્થી જીવનના દિવસોને યાદ કરતાં નાણામંત્રી અત્યંત ભાવુક બન્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, “હું પોતે પણ આજ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કર્યો છે. આ કેમ્પસ સાથે મારી યાદો જોડાયેલી છે, જેથી શ્રી નૂતન કેળવણી મંડળ અને આ સંસ્થા માટે ગમે ત્યારે મદદરૂપ થવું એ મારી નૈતિક ફરજ છે. આ માટે મારો કોઈએ આભાર માનવાનો ન હોય”. મારા પરમ મિત્ર એવા કિશનભાઇ દેસાઈ અને તેમના પરિવારે વલસાડની ધરતી પર આટલી સુસજ્જ ફાર્મસી કોલેજ શરૂ કરી છે તે સમગ્ર વલસાડ જિલ્લા માટે અત્યંત ગર્વની બાબત છે. તેમણે આ માતબર યોગદાન બદલ સમગ્ર ગુજરાત સરકાર વતી દાતા પરિવારને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. આ લાગણીસભર અને પ્રેરણાદાયી માહોલ વચ્ચે વલસાડના ગણમાન્ય નાગરિકો અને કેળવણી મંડળના હોદ્દેદારોએ મંત્રીની આ ઉદાર ભાવના અને નિસ્વાર્થ સેવાભાવને વધાવી લીધા હતા.
સાંસદ ધવલભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, જીવનમાં શિક્ષણનું સ્થાન સૌથી ઉચ્ચ છે. મારા પિતાએ મને ભણવા માટે પ્રોત્સાહિત કર્યો હોવાથી જ હું આજે આ મુકામ સુધી પહોંચી શક્યો છું. તેમણે દરેક વિદ્યાર્થીને ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવવાની હાકલ કરી હતી અને ફાર્મસી અભ્યાસક્રમ માટે વલસાડમાં આટલી આધુનિક સુવિધા ઊભી કરવા બદલ સંસ્થાના હોદ્દેદારો તથા દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
કોલેજના ડાયરેક્ટર ડો. દીપેશ શાહે કોલેજ નિર્માણની અદભુત સફર પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, આ કોલેજ શરૂ કરવાનો વિચાર ૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ નક્કી કરવામાં આવ્યો હતો. મંડળના અથાક પ્રયત્નો, દાનદાતાઓના અતૂટ સહકાર અને સમગ્ર ટીમ મેમ્બર્સના એકજૂથ પ્રયાસોના પરિણામે ૬ સપ્ટેમ્બર ૨૦૨૬થી જ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પોતાનો અભ્યાસ કરતા થઈ ગયા છે. આટલા ટૂંક સમયમાં સુસજ્જ કોલેજનું નિર્માણ થવું તે એકજૂથ ટીમના અવિરત પ્રયાસોનું પરિણામ છે.
કાર્યક્રમના પ્રારંભે શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ સ્વાતિબેન લાલભાઈ દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય અતિથિ અને ઉદ્ઘાટક એવા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈનું ભાવભીનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનું સ્વાગત કોલેજના મુખ્ય દાતા કિશનભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. મંડળ દ્વારા કોલેજના ઉદારદાતા પરિવાર- કિશનભાઇ દેસાઈ, મેહુલભાઈ દેસાઈ, શિવાનીબેન દેસાઈ તથા આર્યનનું શાલ ઓઢાડીને ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના અગ્રણી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયા, હેતલબેન પટેલ (પ્રમુખ, વલસાડ જિલ્લા પંચાયત), ભરતભાઈ પટેલ (ધારાસભ્ય, વલસાડ), ડો. દિનેશ શાહ (સીઈઓ, ઉકા તરસાડીયા યુનિવર્સિટી), હેમંતભાઈ કંસારા (પ્રમુખ, વલસાડ જિલ્લા સંગઠન) અને શહેરના નામી ગણમાન્ય નાગરિકો, કેળવણી મંડળના સભ્યો તથા કિશનભાઇ દેસાઈ, પુત્ર મેહુલ દેસાઈ, પુત્રવધુ શિવાની દેસાઈ, ભત્રીજા શિવાંગ અર્જુનભાઈ દેસાઈસહિત સમગ્ર પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. ઉપસ્થિત સૌ કોઈએ વલસાડમાં શિક્ષણના વિકાસ અર્થે કિશનભાઇ અને તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલા માતબર દાન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે શ્રી નૂતન કેળવણી મંડળના માનદ મંત્રી કીર્તિભાઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતા પરિવાર, મંત્રીગણ અને આમંત્રિત મહેમાનોનો વિધિવત આભાર માનવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *