મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિભાગોની સમીક્ષા બેઠકોના ઉપક્રમના બીજા તબક્કામાં એક જ દિવસમાં 16 વિભાગોની કામગીરી સમીક્ષા કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની આ વર્ષના બજેટ અંતર્ગત થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવાના શરૂ કરેલા ઉપક્રમના બીજા તબકામાં એક જ દિવસમાં 16 વિભાગોની કામગીરી સમીક્ષા હાથ ધરી હતી. આ સંદર્ભમાં તેમણે શુક્રવારે સમગ્ર દિવસ દરમિયાન વિભાગોના વરિષ્ઠ સચિવો અને વિભાગના વડાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 27 નવેમ્બરે આ શ્રૃંખલામાં બપોર પહેલાં નાણાં, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, કૃષિ અને સહકાર, ઉદ્યોગ, અન્ન-નાગરિક પૂરવઠા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ, સામાજિક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.

તેમણે બપોર બાદ અન્ય 7 વિભાગો પોર્ટ્સ, વન-પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, મહિલા અને બાળ કલ્યાણ, મહેસૂલ, રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ક્લાયમેટ ચેન્જની સમીક્ષા કરી હતી.

આ બધા જ વિભાગોની પ્રવર્તમાન કામગીરી, બજેટના યોજનાકિય લક્ષ્યાંકો સામે થયેલી પ્રગતિ અને સિદ્ધિઓની વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી ઝિણવટ પૂર્વક મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢિયા તેમજ નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને સચિવ શ્રી અજયકુમાર પણ આ બેઠકોમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *