ગૌ માતાનું સંરક્ષણ, પોષણ અને સંવર્ધન એ પ્રકૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રની સેવા છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરના અડાલજ ખાતે યોજાયેલા ગૌ સન્માન આહ્વાન અભિયાનના રાજ્ય સ્તરીય તૃતીય ચરણ‌ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સનાતન અને વૈદિક સંસ્કૃતિમાં ગૌ માતાનું વિશેષ સ્થાન છે અને ગાયને કામધેનુનું સ્વરૂપ માનવામાં આવે છે.

ગાયના દૂધથી પરિવારનું તથા ગોબરથી જમીનનું પોષણ થાય છે, જ્યારે ગૌ સેવાના સંસ્કારથી માનવ જીવનમાં કરુણા અને જીવદયાની ભાવના વિકસે છે. ગૌ સન્માન અભિયાનના પાવન અવસરે તેમણે સનાતન સંસ્કારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા વિકાસની સાથે સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિના સંરક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. માનવ કલ્યાણ, પ્રકૃતિ રક્ષણ અને ગૌ માતાના સંવર્ધન સાથેનો વિકાસ એ જ મુખ્ય વિચારધારા છે, તેને અનુસરીને ગુજરાત સરકાર ગૌ સેવા અને પશુધનના સંવર્ધન માટે સતત કર્તવ્યરત છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરાપોળો ગૌ માતાની સેવા, સંભાળ અને રક્ષણનું પવિત્ર કાર્ય કરી રહી છે. આવી સેવાભાવી સંસ્થાઓને યોગ્ય સહયોગ મળે અને ગૌ માતાને પોષણ મળી રહે તે આપણી સહિયારી જવાબદારી છે. આ હેતુથી રાજ્ય સરકારે ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’ અમલમાં મૂકી છે. ગૌશાળાઓ માત્ર સહાય પર નિર્ભર ન રહે, પરંતુ વ્યવસ્થિત માળખું, પૂરતા સંસાધનો અને સ્વાવલંબન સાથે ગૌ સેવા આગળ વધે તે દિશામાં સરકારના સતત પ્રયાસો છે.

ગ્રામ્ય અર્થતંત્ર અને ખેતી અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દૂધ ઉત્પાદન અને આવકના સાધન સાથે ગૌધન એ ગ્રામ્ય અર્થતંત્રનો મહત્વપૂર્ણ આધાર છે. ગોબર અને ગૌમૂત્રનો પરંપરાગત ઉપયોગ ખાસ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં જમીનની ફળદ્રુપતા અને સ્વાસ્થ્ય જાળવવામાં અત્યંત ઉપયોગી છે.

આજે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રબળ હિમાયતી છે અને ખેડૂતોને સતત પ્રેરિત કરી રહ્યા છે. આપણે ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા સાથે ગૌપાલનને રોજગાર અને આવકના નવા અવસર તરીકે વિકસાવવું છે તેવી નેમ તેમણે દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગૌશાળાના સંચાલકો, સેવકો, ગૌ ભક્તો, દાતાઓ તથા સંતો-ધર્માચાર્યોના યોગદાનને બિરદાવતા કહ્યું કે બીમાર ગાયની સારવાર, નિરાધાર પશુને આશ્રય, ઘાસચારો અને વૃદ્ધ-અશક્ત ગાયોની સંભાળ એ સાચી માનવતાની સેવા છે. માત્ર પૂજન પૂરતું સીમિત ન રહેતા ગૌ માતાની યોગ્ય સંભાળ, પોષણ, આરોગ્ય અને સુરક્ષાની જવાબદારી નિભાવવી એ જ સાચી ગૌ ભક્તિ છે.

વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ગૌ માતાના ગૌમૂત્ર તથા ગોબરના આધારથી જમીનનું ઉપરનું સ્તર કોઈ પણ પાકના ઉત્પાદન માટે સક્ષમ બને છે. વિજ્ઞાનની ભાષામાં જેને ઓર્ગેનિક કાર્બન અને માઈકોરાઈઝા કહેવામાં આવે છે, તે વિકસવા પાછળ ગૌ માતાનું ગૌમૂત્ર મહત્વપૂર્ણ કારણ છે.

વિધાનસભા અધ્યક્ષશ્રીએ ઉમેર્યું હતું કે જેઓ સમર્પણ ભાવથી ગૌ સેવા કરે છે તેમને સહયોગ અને આર્થિક મદદ આપવાની શરૂઆત મુખ્યમંત્રીશ્રીએ કરી છે, જેનાથી ગૌ માતાના હિતમાં મોટું કાર્ય આગળ વધ્યું છે. આગામી સમયમાં સંતો અને ગૌ ભક્તોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પણ સરકાર સાથે રહીને જરૂરી કામગીરી કરશે.

ગુજરાત વિધાનસભાના ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ કરતાં શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાત વિધાનસભામાં સંપૂર્ણ ગૌવંશ પ્રતિબંધ માટે કાયદો પસાર કરીને ગુજરાતની ધરતી પર ગૌવંશનું એક ટીપું પણ લોહી ન પડે અને જો ક્યાંય આવું બને તો કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે કાંકરેજ, ગીર સહિતની દેશી નસલોનું સંવર્ધન થાય અને લોકો વધુ ગૌપાલન કરતા થાય તે માટે વિજ્ઞાન અને વિરાસતને સાથે રાખીને બનાસ ડેરીના માધ્યમથી પણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

તેમણે ભાવ વ્યક્ત કરતાં કહ્યું કે માત્ર ગૌશાળા ચલાવવા પૂરતું સીમિત ન રહેતા, ગૌશાળામાંથી ગૌ માતા દરેક સનાતનીના ઘર સુધી પહોંચે અને દરેક સનાતની પોતે ગૌ માતાનું પાલન-પોષણ કરે. માત્ર ગૌ ભક્તો, ગૌશાળા સંચાલકો કે સરકાર પર નિર્ભર ન રહેતા, આપણે સૌ સનાતનીઓ પણ ગૌ માતાની સેવા અને સંવર્ધનનું પોતાનું કર્તવ્ય નિભાવીએ તેમ અપીલ કરી હતી.

આ પ્રસંગે દ્વારકા પીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ,શ્રી ગોપાલનંદ સરસ્વતીજી, શ્રી અચ્યુતાનંદ સરસ્વતીજી, શ્રી પ્રકાશનારાયણ ગીરીજી, શ્રી ગોપેશ કૃષ્ણદાસજી, શ્રી પ્રકાશદાસજી, શ્રી ચંદ્રમાદાસજી, શ્રી રામતીર્થદાસજી, શ્રી અમૃતાનંદજી, શ્રી મુકુંદ પ્રકાશ બ્રહ્મચારી, યોગી દેવનાથ બાપુજી, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, દાહોદ જિલ્લાના સંગઠનના પ્રભારી શ્રી શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ ચેરમેન શ્રી વલ્લભભાઈ કથીરિયા તથા બહોળી સંખ્યામાં ગૌસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *