નવીન ભવનના પ્રારંભથી બેંકના ગ્રાહકને લોકર સહિત વધુ સારી-ઝડપી સુવિધા ઉપલબ્ધ થશે
રાજકોટ નાગરિક સહકારી બેંક લી. ગાંધીનગર શાખાનો સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતોના હસ્તે પોતાના નવીન ભવનનો સેક્ટર-૨૧ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂજ્ય સંતગણશ્રીએ આશિર્વચન આપતા કહ્યુ હતું કે,બેંક એટલે માત્ર નાણાકીય લેવડ-દેવડ જ નહીં પણ લાગણી-સંબંધોના પણ જમા-ઉધાર પાસા હોય છે અને તેને પણ જાળવી રાખીને ગ્રાહકો સાથેના સંબંધો સાચવવા જરુરી હોય છે. આ નવીન ભવનના પ્રારંભથી ગ્રાહકોને નાના-મોટા સુરક્ષિત લોકર સહિતની વધુ સારી અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ થશે. જેનાથી બેંક અને ગ્રાહક વચ્ચેના સંબંધો વધુ વિશ્વસનીય અને મજબૂત બનશે. વિશ્વકર્મા શોપિંગ સેન્ટર સેકટર-૨૧ ખાતેના આ નવીન ભવનના ઉદઘાટન પ્રસંગે ગાંધીનગરના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી કમલ જૈન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સંઘચાલક શ્રી હર્ષદભાઇ પટેલ અને નગર સંઘચાલક શ્રી શંકરભાઇ ચાવડા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર શાખાના પ્રભારી ડિરેક્ટર શ્રી પ્રદિપભાઇ જૈન, અમદાવાદ શાખાના શ્રી સુરેન્દ્ર કાકા, રાજકોટથી શ્રી ડાહ્યાભાઇ ડેલાવાળા તથા શ્રી ટપુભાઇ લીંબાસીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બોર્ડ ઓફ ડિરેક્ટર પૈકી અર્જુનભાઇ શીંગાળા, બીન અનામત આયોગના ચેરમેન શ્રી હંસરાજભાઇ ગજેરા, ગાંધીનગર શાખાના કન્વીનરશ્રી ડૉ. ભરતભાઇ જૈન, સહ કન્વીનર શ્રી નીતિનભાઇ પટેલ, શાખા વિકાસ સમિતિના સભ્યો, શાખા અધિકારી શ્રી વિમલભાઇ રૂપારેલીયા, શ્રી વસંતભાઇ પટેલ તથા કર્મચારીગણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતમાં આભાર દર્શન શ્રી ભરતભાઇ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.









