

મરિન નેવિગેશન, સ્પેસ સાયન્સ, એનર્જી સાયન્સ, નેનો ટેકનોલોજી, ફિલ્ડસ મેડલ અને બોસાઇ ગેલેરી એમ કુલ ૬ થીમ આધારીત ગેલેરી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે


કચ્છના લોકોની ખુમારી આખા વિશ્વમાં વખણાય છે. ત્યારે જિલ્લાના ખુમારીભર્યા લોકો તથા આગામી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તથા કચ્છ પ્રવાસનનું હબ બને તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ભુજીયા ડુંગર ખાતે સ્મૃતિવનની સાથે સાથે સરહદી કચ્છમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૧૦ એકરમાં ફેલાયેલા આ સેન્ટરને કચ્છની સંસ્કૃતિને અનુરૂપ ભુંગા આકારની ડિઝાઇનમાં તૈયાર કરાયું છે. જેનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકાર્પણ કરાશે. કચ્છ સફેદ રણ તથા વિશ્વ વિરાસત ધોળાવીરા માટે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પરંતુ વડાપ્રધાનશ્રી દ્વારા ૮૯ કરોડના ખર્ચે બનેલા આ મ્યુઝિયમને જાહેરજનતા માટે લોકાર્પિત કરાયા બાદ વિજ્ઞાનક્ષેત્રે રસ ધરાવતા દેશ-વિદેશના જિજ્ઞાસુપ્રેમી પ્રવાસીઓ માટે આ સેન્ટર વધુ એક નવલું નજરાણું બની રહેશે. તેમજ સરહદી કચ્છને પ્રવાસનક્ષેત્રે વધુ એક ઊંચાઇ પર લઇ જશે.




રાજય સરકાર દ્વારા વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ) દ્વારા ચાર સ્થળે પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલયનું નિર્માણ કરાશે જેમાં ભુજ ખાતે પ્રથમ સેન્ટર આકાર પામ્યું છે. સ્મૃતિવનની નજીક માધાપર રીંગ રોડ પર આકાર પામેલા અત્યાધુનિક મ્યુઝિયમની વાત કરીએ તો, ૬ થીમ ગેલેરી, વૈદ્યશાળા, સહિતના વિવિધ આકર્ષણ ઉભા કરાયા છે. નાના બાળકોથી લઇને મોટેરા તમામ લોકોને વિજ્ઞાન વિશેની રોચક માહિતી અહીંથી મળી રહેશે.
આ અંગે સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેકટર ડો.રાજેન્દ્ર પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભાવિ પેઢીને વિજ્ઞાનમાં રસ લેતા કરવા તથા તેમની જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા આ મ્યુઝિયમ ખરૂ ઉતરશે. બાળકો અને યુવાનોને વિજ્ઞાનના પ્રવાહ સાથે જોડવા આ કેન્દ્રમાં માહિતીનો રસથાળ એ રીતે પિરસાયો છે કે, દરેક ઉંમરના લોકો કંટાળ્યા વગર ઉત્સુકતાથી દરેક ગેલેરીમાં વધુમાં વધુ સમય વિતાવીને માહિતગાર થઇ શકે. મુલાકાતીઓનો રસ કેળવી રાખવા તથા તેઓ વિજ્ઞાનના વિવિધ પાસાનો અભ્યાસ કરી તેનાથી માહિતગાર થઇ શકે તે માટે વૈજ્ઞાનિક પરિક્ષણ તથા વિવિધ પ્રયોગો કરવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે.
તેઓએ ઉમેર્યું હતું કે, મરિન નેવિગેશન ગેલેરી , સ્પેસ સાયન્સ ગેલેરી, એનર્જી સાયન્સ ગેલેરી, નેનો ટેકનોલોજી ગેલેરી, ફિલ્ડસ મેડલ ગેલેરી અને બોસાઇ ગેલેરી એમ કુલ ૬ થીમ આધારીત ગેલેરી બનાવવામાં આવી છે. ઉપરાંત અન્ય આકર્ષણમાં વૈજ્ઞાનિક પરીક્ષણ કરવા માટે વૈદ્યશાળા, થ્રીડી મૂવી થિયેટર, થીમ આધારીત વિશાળ લેન્ડ સ્કેપિંગ ગાર્ડન, સબમરીન સિમ્યુલેટર, સોલાર ટ્રી અને ઉચ્ચ ગુણવત્તાનો ટેલિસ્કોપ, મુલાકાતીઓ માટે કાફેટેરિયા, તમામ ગેલેરીમાં વિષયને અનુરૂપ અલગ અલગ સાધનોની મદદથી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન તેમજ વિજ્ઞાનમાં રસ ધરાવતા નાગરીકો, શિક્ષકો, છાત્રો, યુવા સાહસિકો વગેરે માટે કાર્યશાળાનું આયોજન કરવા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયા બાદ ૩ વર્ષમાં નિર્માણકાર્ય સંપન્ન કરી લેવાયું છે.
પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રના હેતુ અંગે ડો.પટેલ જણાવે છે કે, સાયન્સ સેન્ટર લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ કેળવવા, વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ વધે તે માટેનું માધ્યમ બને છે. તે હેતુથી સરહદી કચ્છ ખાતે સંગ્રહાલયનું નિર્માણ કરાયું છે. અહીંનું કેન્દ્ર કચ્છના બાળકો, યુવાનોને વૈજ્ઞાનિક બનવા પ્રેરિત કરશે તેમજ વિજ્ઞાનના શિક્ષકો, યુવા ઉદ્યોગ સાહસિકો, ટેકનીશિયન્સ, દિવ્યાંગો, ગૃહિણીઓ તથા અન્ય લોકો માટે વિજ્ઞાન, ટેક્નોલોજી તથા ઉદ્યોગને લગતા તાલીમ કાર્યક્રમનું કેન્દ્ર બની રહેશે. જેના થકી ભવિષ્યમાં નવી પેઢી વધુને વધુ વિજ્ઞાનની નજીક આવશે.

