યાત્રાધામ અંબાજીના વિકાસને વેગ: કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે મેળવી જાણકારી

કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે આજે અંબાજી ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. કેબિનેટ મંત્રીશ્રીએ અંબાજી શક્તિ કોરિડોર, અંબાજી બાયપાસ રોડ તેમજ અંબાજી–તારંગા રેલવે લાઇન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટ્સની પ્રગતિ અને સંબંધિત કામગીરી અંગે જાણકારી મેળવી હતી.

કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરી, અંબાજી બાયપાસ રોડના નિર્માણકાર્ય તેમજ અંબાજી–તારંગા રેલવે લાઇન પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સ યાત્રાધામ અંબાજીના વિકાસ, યાત્રાળુઓની સુવિધા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો આપ્યાં હતાં.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારોનો સર્વાંગી અને ઝડપી વિકાસ થાય તેમજ આદિવાસી પરિવારોને તમામ પાયાની સુવિધાઓ સુલભ બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓની ઉપલબ્ધતામાં રહી ગયેલી નાની-મોટી ખામીઓને દૂર કરી વિકાસકાર્યોને વધુ વેગવાન બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિવાસી વિસ્તારોમાં અનેક વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. આ વિકાસપ્રવાહને વધુ મજબૂત બનાવી આગામી સમયમાં પણ આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે. વિકાસની સાથે યાત્રાધામ અંબાજીના ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે વિકાસને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

કેબિનેટ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશના શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા અંબાજી શક્તિપીઠના વિકાસ અને ધાર્મિક પ્રવાસનને વેગ આપવા અંબાજી મંદિરથી ગબ્બર સુધીનો કોરિડોર આશરે રૂ. ૧,૬૦૦ કરોડથી વધુના ખર્ચે બે તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પ્રગતિ હેઠળ છે, જ્યારે બીજા તબક્કાનું કામ પણ ત્યારબાદ શરૂ કરવામાં આવશે. ભાદરવી પૂનમના મેળા સહિતના ધાર્મિક પ્રસંગોએ અંબાજીમાં ઉમટતા શ્રદ્ધાળુઓની ભીડનું સુચારુ સંચાલન થાય, સ્થાનિક નાગરિકોને અવરજવરમાં રાહત મળે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બને તે હેતુથી અંબાજી બાયપાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ અને વરેઠા થઈને આબુરોડ સુધીની રેલવે લાઇનનો પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે. વર્ષ ૧૯૫૦માં આ રેલવે લાઇનનો વિચાર રજૂ થયો હતો, પરંતુ વિવિધ કારણોસર તે સાકાર થઈ શક્યો નહોતો. હવે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ પ્રોજેક્ટને વેગ મળ્યો છે. પહાડી વિસ્તારમાં પડકારો વચ્ચે આશરે ૧૩ ટનલના નિર્માણ સાથે સાકાર થનારી આ રેલવે લાઇન ઉત્તર ગુજરાત માટે પ્રાણવાયુ સમાન બની રહેશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ રેલવે લાઇન કાર્યરત થતાં ઉત્તર ગુજરાતનો રેલવે સંપર્ક વધુ સુદૃઢ બનશે અને આબુરોડ મારફતે જયપુર તથા દિલ્હી તરફની અવરજવર વધુ સુગમ બનશે. પેસેન્જર પરિવહનની સાથે ગુડ્સ ટ્રેન દ્વારા માલસામાનની હેરફેરને પણ વેગ મળશે, જેના પરિણામે ઉત્તર અને પશ્ચિમ ભારત વચ્ચે વેપાર, માંગ અને પુરવઠાની વ્યવસ્થાને પ્રોત્સાહન મળશે તથા સ્થાનિક અર્થતંત્રને લાભ થશે. દાંતા તાલુકાની મુલાકાતનો મુખ્ય હેતુ આવા મોટા વિકાસપ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાની સાથે સ્થાનિક સ્તરે જનહિતનાં નાનાં-મોટાં કામોનું સંકલન કરવાનો પણ છે. વિકાસકાર્યોના અમલીકરણમાં કોઈ અવરોધ કે મુશ્કેલી હોય તો રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર વચ્ચે સંકલન સાધીને પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે અને પ્રજાલક્ષી કાર્યોને વધુ ગતિ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *