જયાં સુધી ગામડાઓને બધી જ સુવિધાઓથી સુસજજ નહી કરીએ ત્યાં સુધી સાચા અર્થમાં ભારતની પ્રગતિ નહીં કરી શકીએ -સાંસદશ્રી પુનમબેન માડમ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ગત ટર્મની જેમ આ ૧૭ મી લોકસભામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ માર્ગદર્શિકા મુજબ ગામો પસંદ કરેલ છે જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામની સાંસદ આદર્શ ગ્રામ તરીકે પસંદગી કરાયેલ છે. જે અંતર્ગત કવિડ-૧૯ની અનલોકની ગાઇડ લાઇન પ્રમાણે તા.૧૬ ના રોજ ભાડથર ગામે દરેક વિભાગ દ્વારા યોજનાઓ, માળખાકિય સુવિધાઓ અને અન્ય સુખાકારીના કામોનું સારી રીતે અમલીકરણ થાય તે હેતુથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં સાંસદશ્રી પુનમબેન માડમે લોકોને કોરોના મહામારી સામે જરૂરી સાવચેતી રાખવા જણાવી કહયું હતું કે દર વર્ષે એક ગામ સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરવા અને ૩000થી ૫000ની વસ્તી ધરાવતા જ ગ્રામોની પસંદગી કરવાની થતી હોઇ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામની સાંસદ આદર્શ ગામ તરીકે પસંદગી કરવામાં આવી છે. માન. નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ૧૧મી ઓક્ટોબર ૨૦૧૪ના રોજ મહાત્મા ગાંધીના આદર્શ ભારતીય ગામ માટેના વ્યાપક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવાની સાથે તે મુજબના ગામના સર્વાંગી વિકાસના હેતુ ને કેન્દ્રમાં રાખીને એક મહત્વપુર્ણ અને ઉમદા લક્ષ્યને સિદ્ધ કરવા લૉન્ચ કરવામાં આવી હતી.
સંસદસભ્યશ્રી દ્વારા ગ્રામ પંચાયત વિસ્તાર દત્તક લેવામાં આવે છે અને એ ગામનાં માળખાકીય વિકાસ સાથે સામાજિક વિકાસને સમાન મહત્ત્વ મળે એમ સમગ્રલક્ષી વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જેથી ‘આદર્શ ગ્રામો’ સ્થાનિક સર્વાંગી વિકાસ સાથે સુશાસનુ પણ દાખલારૂપ ઉદાહરણ બને છે જે અન્ય ગ્રામ પંચાયતોને પ્રેરણા આપનાર બની રહે છે. સંસદસભ્યશ્રીના નેતૃત્વ હેઠળ ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટસ તૈયાર કરવામાં આવે છે જેમાં ગામની માળખાકીય તેમજ આદર્શ ગામ તરીકેની જરૂરી સુવિધાઓ અને યોજનાઓને સમાવી લેવાય છે અને લગત વિભાગો દ્વારા રાજ્ય સરકારશ્રીને આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે અને તે મુજબના વિકાસ કાર્યો સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવે છે
આદર્શ ગામમાં પીવાના સ્વચ્છ પાણી- રસ્તા-સ્ટ્રીટ લાઇટ-બગીચા-હોસ્પિટલ- શાળા- લાઈબ્રેરી- રમતગમતનું મેદાન-સુવિધાયુક્ત પંચાયત ઘર -સેનીટેશન તેમજ હાઇજીન સહિતની અનેકવિધ પાયાની અને આદર્શ સંપુર્ણ સુવિધા હોય છે ઉપરાંત આદર્શ ગામના દરેક ખેડૂતોને આરોગ્ય કાર્ડ અને આધાર કાર્ડની સાથે સોઈલ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવે છે તેમજ શાળાને સ્માર્ટ સ્કૂલ પણ બનાવી શકાય છે. એકંદર સર્વાંગી વિકાસથી ગામડાની કાયા પલટનો મહત્વપુર્ણ હેતુ આ યોજનાનો છે. આ ઉમદા ઉદેશ્યને સિદ્ધ કરવાની નેમ સાથે ભાડથર ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકા મુજબ પસંદ કર્યું છે.
આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓએ પોતપોતાના વિભાગવાઈજ થયેલ કામગીરીની રૂપરેખા આપી હતી.
ભાડથર ગામમાં સીમતળના રસ્તા, કોઝવે, સ્મશાનગૃહમાં સ્ટ્રીટ લાઇટો, પી.એચ.સી.સેન્ટર અપગ્રેડ, એમ્યુલન્સ વગેરે જેવી સુવિધાઓ મળે તે માટે ગ્રામજનો તરફથી સુચન કરેલ હતું.
ગામમાં ઘન કચરાના નિકાલ માટે, ઘરે ઘરે પાણીની કનેકટીવીટી મળે, તે માટે ભાડથર ગામના સરપંચશ્રીને સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત કરોના માટે હેલ્થકેમ્પ, મળવાપાત્ર સરકારી યોજનાનો લાભ મળવા માટે ગામમાં કેમ્પ યોજવા, ખેતીવાડીશાખા, પશુપાલનશાખા, તેમજ એક આર.ટી.ઓ.નો કેમ્પ યોજવા તથા આયુર્વેદનો કેમ્પ, યોગ અભ્યાસ માટે અને ઓર્ગેનીક ખેતીની લોકોમાં જાગૃતિ આવે તે માટે કેમ્પ યોજવા ભલામણ કરી હતી.
આ બેઠકમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ, અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.





