‘એક પેડ મા કે નામ’ અભિયાન માટે આયોજિત બૃહદ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સંસદીય મતવિસ્તાર ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન માટે અમદાવાદમાં બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સહભાગી થયા હતા.

આ બૃહદ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનનાં 12 વર્ષ નિમિત્તે તેમના દ્વારા બે કાર્યક્રમો પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ‘એક પેડ મા કે નામ’ અને પ્રાકૃતિક ખેતીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને આપણા સાંસદ શ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સવા કરોડ વૃક્ષો ઉછેરવાના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રોજિંદા જીવનમાં પર્યાવરણ અનુકુળ જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઇફ’ની પ્રેરણા આપી છે. પ્રકૃતિનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે ત્યારે દરેકે દરેક કાર્યકર્તાએ ગાંધીનગર લોકસભાને વૃક્ષોના જતન થકી દેશની સૌપ્રથમ હરિયાળી લોકસભા બનાવવા માટે પોતપોતાના સ્તરેથી જવાબદારી લેવાની રહેશે. ભવિષ્યની પેઢીઓ માટે આશીર્વાદરૂપ બનનાર આ કામ દરેકને એક આત્મસંતોષ પણ આપશે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોવિડે આપણને ઓક્સિજનનું મૂલ્ય સમજાવ્યું છે. આપણે યોગ્ય ભોજન અને સ્વચ્છ પાણી માટે જાગૃત બન્યા છીએ, પરંતુ શુદ્ધ હવા પણ આરોગ્યપ્રદ જીવન માટે એટલી જ જરૂરી છે. આપણે દરરોજ 33 હજાર લીટર હવા શ્વાસમાં લઈએ છીએ. માટે હવાના શુદ્ધિકરણ માટે વૃક્ષો અત્યંત આવશ્યક છે. શ્રી અમિતભાઈ શાહે આ બધી બાબતોનો અભ્યાસ કરીને જ આપણને આ અભિયાનમાં જોડવા માટે આહવાન આપ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શ્રી અમિતભાઈ પાસે દેશનું ગૃહ મંત્રાલય તથા પક્ષની અનેક જવાબદારીઓ હોવા છતાં તેઓ મતવિસ્તારનું ધ્યાન રાખે છે ત્યારે દરેક કાર્યકર્તાએ વૃક્ષો વાવવા તેમજ તેને ઉછેરવા તથા ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાના મિશનને પોતાની જવાબદારી ગણીને તેના માટે સંકલ્પ લઈને જ જવાનું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભાને દેશની સૌ પ્રથમ હરિયાળી લોકસભા બનાવવા માટે સૌ કાર્યકરોએ સંકલ્પબદ્ધ થવું જરૂરી છે. ભાજપનો કાર્યકર જે મિશન ઉપાડે છે, તેને લક્ષ્ય સુધી પહોંચાડે છે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

શ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સવા કરોડ વૃક્ષો વાવવા માટે માઇક્રો પ્લાનિંગ કરવું જરૂરી છે. વૃક્ષો વાવી દેવામાં આવે, પછી તેનું સતત જતન થવું જરૂરી છે. દરેક છોડને નિયમિત પાણી મળે, રક્ષણ મળે, તેનો યોગ્ય વિકાસ થાય, એની તકેદારી પણ આપણે રાખવી પડશે. વૃક્ષો વાવ્યા પછી તેનું જતન ન કરવામાં આવે તો વૃક્ષારોપણનો ખર્ચ, સમય અને પ્રયાસો વ્યર્થ જાય છે, એટલે વૃક્ષ વાવીને પછી તેની કાળજી લેવાની પણ તકેદારી રાખવી પડશે, એવું તેમણે ઉમેર્યું હતું.

શ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે શ્રી અમિતભાઈ શાહનો સંકલ્પ છે કે તેમના મતવિસ્તારની હવાની ગુણવત્તા સુધરે. હવાની ગુણવત્તાના માપદંડ એક્યૂઆઈ પ્રમાણે તે 0-50 સુધીનો રહે, એ માટે આપણે સતત પ્રયાસ કરવા પડશે. આ કોઈ એક દિવસનું અભિયાન નથી. આના માટે સતત દેખરેખ અને પ્રયાસ જરૂરી છે. આપણે બાળકોના જન્મદિવસ મનાવીએ, એમ વૃક્ષો વાવ્યા પછી તેના માસિક અને વાર્ષિક જન્મદિવસ પણ મનાવવો જોઈએ, એવું સૂચન પણ તેમણે કર્યું હતું.

શ્રી વિશ્વકર્માએ કાર્યકરો પાસેથી સૂચનો પણ જાણ્યાં હતાં અને સૌ કાર્યકરોને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સવા કરોડ વૃક્ષો વાવવા માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.

આ બેઠકમાં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી અનિલ પટેલ, ગાંધીનગર શહેર પ્રમુખ શ્રી આશિષ દવેએ પોતપોતાના આયોજન અંગે રજૂઆત કરી હતી. આ મિશનને પાર પાડવા માટે સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કૉલેજો તથા ક્લબ અને વેપારી મહામંડળોનો સાથ સહકાર લઈને કઈ રીતે કામ કરવામાં આવશે, તેની વિગતો જણાવી હતી.

આ બેઠકમાં ગાંધીનગર લોકસભાના ‘એક પેડ મા કે નામ અભિયાન’ના પ્રભારી શ્રી પ્રવીણભાઈ પટેલે આ અભિયાનની વિસ્તૃત જાણકારી રજૂ કરી હતી અને તેની અગત્યતા સમજાવી હતી. આ ઉપરાંત નિખિલભાઈએ આ અભિયાનમાં જોડવા માટેની વેબસાઇટ અને તેમાં કરવાના રજિસ્ટ્રેશન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બૃહદ બેઠકમાં અમદાવાદ શહેરના મેયર શ્રી હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્ય સર્વશ્રી અમિત ઠાકર, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ ભગત, શ્રી કનુભાઈ પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી અજય બ્રહ્મભટ્ટ, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા બેઠકોના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી અમિતભાઈ શાહના ‘ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા’ના સૂત્રને સાકાર કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM