મુંદરાની શારદા મંદિર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

પેટમાં ઝીણો દુખાવો થવો, વારંવાર ભૂખ લાગવી, ખાવાનું પૂરતું ખાવા છતાં વજન વધે નહીં, ગળ્યું ખાવાનું બહુ મન થાય જેવા લક્ષણો વાળા રોગ કૃમિને નિવારવા માટે છ મહિનામાં એક વખત કૃમિનાશક ગોળી બાળકને આપવી અતિ આવશ્યક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધુ બાળકોને કૃમિ રોગ થતો હોઇ 2015થી દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં 1 થી 19 વર્ષ સુધીના તમામ બાળકોને ગુજરાતની સંવેદનશીલ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કૃમિના ચેપથી બચવા આલબેન્ડાઝોલની ગોળી વિનામુલ્યે આપીને બાળકોની દરકાર રાખવામાં આવે છે ત્યારે મુન્દ્રાની શારદા મંદિર પ્રાથમિક શાળાના આચાર્યા ચંદ્રિકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠકકરે કૃમિના લક્ષણો, સારવાર, ફેલાવના કારણો, સાવચેતીના પગલાઓ અને ગોળીના ફાયદાઓની સમજ આપતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે બાળકોમાં આ રોગનો પ્રભાવ તાત્કાલિક જોવા મળતો નથી પરંતુ બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થકી તેને હંમેશા થાક લાગે છે અને તેનાથી બાળકનો સર્વાંગી વિકાસ રૂંધાય છે આના નિવારણ માટે વર્ષમાં બે વખત કૃમિનાશક દવાનો એક ડોઝ બાળકને વિનામૂલ્યે આપવામાં આવે છે. દવાની સાથે તેનાથી બચવાના ઉપાયો જેવા કે નખ કાપીને સાફ રાખવા, હંમેશા સ્વચ્છ પાણી પીવું, ખોરાક ઢાંકીને રાખવો, બજારનો ખુલ્લો ખોરાક ન ખાવો, ફળો અને શાકભાજીનો ધોઈને જ ઉપયોગ કરવો, પગરખાં પહેરવા, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, ખુલ્લામાં જાજરૂ ન જતા શૌચાલયનો જ ઉપયોગ કરવો, જમ્યા પહેલા અને શૌચ પછી સાબુથી હાથ ધોવા પણ ખૂબ જ જરૂરી છે એમ જણાવ્યું હતું. આરોગ્ય લક્ષી વિચારો રજૂ કરનાર શાળાના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા સી. એચ. ઓ. ખુશ્બુબેન અસારી, આરોગ્ય કાર્યકર રમીલાબેન વસરા, જીગ્નેશભાઈ પંચાલ, અશ્વિનભાઈ ગરાસિયા અને સ્થાનિક આશા રેહનાબેન માંજલિયા સહયોગી રહ્યા હતા. આભારવિધિ શાળાના શિક્ષક મુકેશભાઈ બાવળીયાએ કરી હતી.
તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાશપતિ પાસવાને એક યાદીમાં જણાવ્યું હતું કે 10મી ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં 1 થી 19 વર્ષ સુધીના 45000 જેટલા બાળકોને આંગણવાડી કાર્યકર તથા આરોગ્ય કાર્યકર દ્વારા વિનામુલ્યે આલબેન્ડાઝોલ ગોળી આપવામાં આવશે ત્યારે શિક્ષક અને વાલીઓ સહકાર આપે તો તંદુરસ્ત બાળક થકી ઉજ્જવળ ભારતની આશા સાર્થક કરી શકાશે એમ જણાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *