સ્વસ્થ-સશકત રાષ્ટ્રના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ

કલોલ ખાતેથી તાલુકા યોગ સંવાદ કાર્યક્રમનો શુભારંભ કરાવતા ચેરમેન શ્રી : માણસા તથા દહેગામ ખાતે તાલુકા યોગ સંવાદ કાર્યક્રમ સંપન્ન

તાજેતરમાં કલોલ ખાતેના કપીલેશ્વર મહાદેવ મંદિરથી તાલુકા યોગ સંવાદ કાર્યક્રમનો ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલે શુભારંભ કરાવતા કહ્યું હતું કે સ્વસ્થ-સશકત રાષ્ટ્રના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ અંતર્ગત માણસા તથા દહેગામ ખાતે પણ તાલુકા યોગ સંવાદ કાર્યક્રમો યોજાયા હતા.

શ્રી શીશપાલે કહ્યું હતું કે, જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને નાગરિકો યોગમય બને તેવા ઉમદા હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. યોગથી શરીરના રોગનું નિદાન, ઉત્તમ જીવનશૈલી, શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સુખ, જીવનમાં સફળતા અને શાંતિ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ભારતની જ્ઞાન પરંપરામાં યોગનું અદભુત પ્રદાન રહેલુ છે. આજે સમગ્ર વિશ્વ યોગ તરફ આકર્ષાયું છે અને યોગને અપનાવી રહ્યું છે. વિશ્વ આજે જે તનાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે યોગને જીવનશૈલી સાથે જોડવો તે સમયની માંગ છે.

શાંતિ, સૌહાર્દ અને પ્રગતિ માટે યોગને આદર્શ બનાવવા સૌને આહવાન કરતાં શ્રી શિશપાલે કહ્યું હતું કે યોગને ઉંમર, રંગ, જ્ઞાતિ, સમુદાય, વિચારધારા, સંપ્રદાય, રાજ્ય કે સરહદોનું બંધન નથી, યોગ દરેક વ્યક્તિ સાથે સંકળાયેલો છે.  આ યોગ સંવાદ કાર્યક્રમમાં યોગ થકી જીવનને કેવી રીતે સુખી, સમૃદ્ધ અને સાર્થક બનાવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજય યોગ બોર્ડના સભ્ય શ્રી ભાનુકુમાર ચૌહાણ તથા ભારતીય યોગ સંસ્થાન કલોલ તરફથી ડો.ચીમનભાઇ તેમજ યોગ બોર્ડના યોગ કોચ, યોગ ટ્રેનરો સહિત યોગ સાથે જોડાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *