
-: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી -:
- વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજના અન્ય લોકોને શીખવાડવામાં કરવો
- ગ્રેજ્યુએશન ડેના દિવસો હંમેશા યાદગાર રહેતા હોય છે જેને જીવનભર સાચવી રાખવા
- વિદ્યાર્થીઓને ડ્રગ્સ જેવા વ્યસનોના દૂષણોથી દૂર રહેવું જોઇએ
- તમારી આસપાસ કોઈપણ પ્રકારની નાનામાં નાની ઘટના બને તો તરત જ પોલીસનો સંપર્ક કરો












ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજના છઠ્ઠા ગ્રેજ્યુએશન ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ ૮૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જ્યારે ૧૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ૧૪ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વિદ્યાર્થીઓએ અત્યાર સુધી જે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનનો ઉપયોગ સમાજના અન્ય લોકોને શીખવાડવામાં જરૂરથી કરવો જોઈએ. વિદ્યાર્થીઓએ પોતાના સપનાઓ સાકાર કરવા જોઈએ. મંઝિલ કેટલી પણ કઠિન કેમ ન હોય એ મંઝિલ સુધી પહોંચવા માટે તમામ પ્રયાસો અને પરિશ્રમ કરવો જોઈએ, જેથી તમારી મંઝિલ તમને મળી શકે.
શ્રી હર્ષ સંઘવીએ ગ્રેજ્યુએશન ડેનો અર્થ સમજાવતા કહ્યું કે, ગ્રેજ્યુએશન ડે એ પ્રોફેશનલ અને એજ્યુકેશન વચ્ચેનો એક બ્રેક છે. આ નાનો બ્રેક એ જીવનનો ખૂબ મોટો બ્રેક પણ છે. ગ્રેજ્યુએશન ડેના દિવસો હંમેશા યાદગાર રહેતા હોય છે આ દિવસો ફરીવાર પાછા આવતા નથી એટલે જ આ બધા દિવસો ખુબ મહત્વના હોય છે, જેને જીવનભર સાચવી રાખવા જોઇએ.
યુવાઓને માર્ગદર્શન આપતા મંત્રીએ કહ્યું કે, આપ સૌ ભવિષ્યના લીડર્સ છો અને હવે રાજ્યના જવાબદાર નાગરિક બનવા પણ જઈ રહ્યા છો, ત્યારે રાજ્યની સરકારને પણ તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હાલમાં વેસ્ટર્ન કન્ટ્રીમાં ડ્રગ્સ જે ફેશન બની ગયું છે એના રવાડે ન ચડતા તમારે ડ્રગ્સથી દૂર રહીને રાજ્યની અને દેશની સેવા કરવી જોઈએ. આજે રાજ્ય સરકાર ડ્રગ્સના દુષણને નાબૂદ કરવા માટે મજબૂતીથી લડી રહી છે.
આ ગ્રેજ્યુએશન ડેના અવસરે ઉપસ્થિત સૌ પેરેન્ટ્સ અને કોલેજના સ્ટાફને પણ અપીલ કરતાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, દેશ અને રાજ્યના સૌ કોઈ યુવાઓને ડ્રગ્સથી દૂર રાખવામાં રાજ્ય સરકાર દ્વારા અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં સૌ કોઈએ સરકારને મદદ કરવી જોઈએ. વિદ્યાર્થીઓને ડ્રગ્સ જેવા વ્યસનોના દૂષણોથી દૂર રહેવું જોઇએ. સમાજના આ દૂષણ નાબૂદ કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. તમારી આસપાસ કોઈપણ પ્રકારની નાનામાં નાની ઘટના બને તો તરત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત સમાજમાં જે દીકરા-દીકરીઓ પીડિત છે તેની જાહેરમાં ચર્ચા ન કરવી જોઈએ પણ એ લોકોને હિંમત આપીને અન્ય કોઈપણ આ દુષણમાં જોડાય નહિ તેવી વ્યવસ્થા સૌએ ગોઠવવી જોઈએ. મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા માટે પોલીસ તંત્ર સજ્જ છે તથા સમાજમાં બદલાવ લાવવા માટે સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓ જાગૃત બને એવી અપિલ પણ ગૃહ રાજ્યમંત્રીએ કરી હતી.
આ પ્રસંગે નેતૃત્વ શક્તિ કોને કહેવાય અને આદર્શ નેતૃત્વ કેવી રીતે કેળવી શકાય તેની સમજણ પણ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આ અવસરે શ્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ, કોલેજ સ્ટાફ અને સમગ્ર કૉલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ પદવીધારી વિદ્યાર્થીઓને નવાં સપનાં જોવા અને નિરંતર મહેનત કરીને આગળ વધવા માટે પ્રેરણા સંદેશ આપ્યો હતો. અંતમાં તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ છઠ્ઠા ગ્રૅજ્યુએશન ડે કાર્યક્રમના અંતે સેન્ટ ઝેવિયર્સ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. ફાધર વિનાયક જાદવે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા.
આ અવસરે પ્રોવિન્શિયલ ફાધર દુરાઈ, ફાધર રેક્ટર એન્થની પિચાઈ, ફાધર સુરેશ એન્થની, ફાધર સુનીલ મેકવાન, એન.ઈ.પી. નોડલ ઓફિસર ડૉ. રાજેશ ઐયર, કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન ડૉ. નિર્મલ દેસાઈ, વાઈસ પ્રિન્સિપાલ ઓફ સાયન્સ મલ્લિકા સંન્યાલ વિવિધ વિભાગના અધ્યક્ષશ્રીઓ અને પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.