‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬’નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પ્રારંભ

‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬’નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પ્રારંભ

-:મુખ્યમંત્રીશ્રી:-

– WCEF–2026 ગુજરાતને પોતાની શ્રેષ્ઠ પ્રથાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવાની અને વિશ્વની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવાની તક પૂરી પાડશે

– વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી; ગ્રોથ સાથે ગ્રીનરી અને ઇન્ડસ્ટ્રી સાથે ઇકોલોજી પણ જોઈએ

– વેસ્ટ ટુ વેલ્થ’નો અભિગમ માત્ર કચરા વ્યવસ્થાપનનું મોડલ નથી, પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થાને નવી ગતિ આપવાનું સાધન

– ’સોમનાથ મંદિર’ સર્ક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ: પૂજા સામગ્રી – જળાભિષેકના પવિત્ર પ્રવાહીનો વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’ તરીકે ઉપયોગ

-:કેન્દ્રીય પર્યાવરણ મંત્રીશ્રી:-

– સર્ક્યુલર ઇકોનોમીનો અર્થ માત્ર કચરાના નિકાલ કે રિસાયક્લિંગ પૂરતો મર્યાદિત નહિ, પરંતુ તે સંસાધનોના સમગ્ર જીવનચક્રને વધુ કાર્યક્ષમ-ટકાઉ બનાવવાની વ્યાપક વિચારધારા

– વસ્તુ બદલતા પહેલાં સમારકામ અને કચરો બનતા પહેલાં પુનઃઉપયોગ—આ પરંપરાગત જીવનશૈલી ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો

– સર્ક્યુલર ઇકોનોમીની સાચી સફળતા એમાં નથી કે આપણે કેટલો કચરો રિસાયકલ કર્યો, પરંતુ એમાં છે કે આપણે આવનારી પેઢીઓ માટે કેટલા વધુ સંસાધનો બચાવી શક્યા

વર્ષ ૨૦૫૦માં ભારતની સર્ક્યુલર ઇકોનોમી ૨ ટ્રિલિયન ડોલરથી વધુ થશે: લગભગ ૧ કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના: પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા

અંદાજે ૬૬ દેશોના બે હજારથી વધુ હિસ્સેદારો સહભાગી: આંતરરાષ્ટ્રીય એક્સ્પોમાં ૧૨૫ થી વધુ પ્રદર્શનકર્તાઓનું સર્ક્યુલરિટી સોલ્યુશન્સનું પ્રદર્શન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયામાં પ્રથમવાર આયોજિત પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬’ની ૧૦મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહ્યા હતા.

આ વૈશ્વિક ફોરમમાં વિશ્વના ૬૬ દેશોના ૨,૦૦૦થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો સહભાગી થઈ રહ્યા છે. આગામી તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી યોજાનારા આ ચાર દિવસીય ફોરમમાં વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવા, સર્ક્યુલર બિઝનેસ મોડેલ્સ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે. આ આયોજનથી દક્ષિણ એશિયાઈ દેશોમાં પર્યાવરણ અનુકૂળ નીતિઓ અને ટેકનોલોજીના આદાન-પ્રદાનને એક નવી દિશા મળશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે ગ્રીન ઇનોવેશન્સ, વેસ્ટ-ટુ-વેલ્થ મોડેલ્સ અને રિસાયક્લિંગ ટેકનોલોજીને પ્રદર્શિત કરતાં ૧૨૫થી વધુ સ્ટોલ્સ ધરાવતાં વિશેષ ‘સર્ક્યુલરિટી એક્સ્પો’ નું પણ વિધિવત ઉદ્ઘાટન કરી નિરીક્ષણ કર્યું હતું.

-:મુખ્યમંત્રીશ્રી:-

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર એક એવી વૈશ્વિક ચિંતનયાત્રાનો આરંભ થઈ રહ્યો છે, જે માત્ર અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવાની નહીં, પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરવાની યાત્રા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનૉમી ફોરમ–2026(WCEF)નું સૌ પ્રથમ વખત ભારતમાં આયોજન થઈ રહ્યું છે. ભારત ઉપરાંત ૬૬ દેશોના પ્રતિનિધિઓ, ૨૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને ૫૫ આંતરરાષ્ટ્રીય વક્તાઓની ભાગીદારી આ ફોરમના વૈશ્વિક મહત્વને દર્શાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતના વધતા વૈશ્વિક નેતૃત્વની આ ઓળખ છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા, કચરા અને જળ વ્યવસ્થાપન તેમજ સંસાધન કાર્યક્ષમતા જેવાં ક્ષેત્રોમાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવી અનેક પહેલો કરી છે. WCEF–2026 ગુજરાતને પોતાની શ્રેષ્ઠ પ્રથાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવાની અને વિશ્વની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવાની તક પૂરી પાડશે.

શ્રી પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરને સર્ક્યુલર ઇકોનોમીના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરતાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલો કરવામાં આવી રહી છે. મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ થતાં ફૂલ, બિલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં કે અન્ય સામગ્રીને કચરો સમજીને ફેંકી દેવામાં આવતી નથી. અભિષેકમાંથી નીકળતા પવિત્ર પ્રવાહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’ તરીકે ભક્તો સુધી પહોંચાડવામાં આવે છે.

મંદિર અને ટ્રસ્ટની વ્યવસ્થામાંથી નીકળતાં ફૂલ, બિલીપત્ર અને ભોજનના જૈવિક કચરાને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ખાતરમાં પરિવર્તિત કરવામાં આવે છે. પ્લાસ્ટિક કચરામાંથી પેવર બ્લોક બનાવવામાં આવે છે તથા સ્થાનિક સખી મંડળની મહિલાઓને તાલીમ આપી આ કાર્ય સાથે જોડવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સર્ક્યુલર ઇકોનોમી ભારતની પ્રાચીન પરંપરાઓનો પણ હિસ્સો રહી છે. રિયુઝિંગ અને રિસાયક્લિંગ આપણાં જીવન સાથે સહજ રીતે જોડાયેલાં છે. ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને કચરા વ્યવસ્થાપનના મોડલ દ્વારા ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ગતિ આપવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવું અનિવાર્ય છે અને સર્ક્યુલર ઇકોનોમી ઊર્જા ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્પષ્ટ માનવું છે કે વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી. આપણે ગ્રોથ પણ જોઈએ અને ગ્રીનરી પણ જોઈએ, ઇન્ડસ્ટ્રી પણ જોઈએ અને ઇકોલોજી પણ જોઈએ, પ્રોસ્પેરિટી પણ જોઈએ અને સસ્ટેનેબિલિટી પણ જોઈએ, આ જ WCEF–2026ની સાચી ભાવના છે.

આ ચાર દિવસીય ફોરમમાં વિવિધ વિષયો પર થનારા વિચારોના આદાન-પ્રદાનથી સમગ્ર વિશ્વના કલ્યાણ માટેનું ચિંતન અને નવી દિશા પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ ‘વસુધૈવ કુટુંબકમ્’ના વિચારને આ ફોરમના માધ્યમથી સાકાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

-:કેન્દ્રીય પર્યાવરણ મંત્રીશ્રી:-

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે ઉપસ્થિત સર્વે ડેલીગેટ્સને આવકારતા જણાવ્યું હતું કે, બ્રિક્સ (BRICS) નવી દિલ્હી ઘોષણાપત્રમાં પણ આર્થિક સ્થિતિસ્થાપકતા અને ટકાઉ વિકાસ માટે સર્ક્યુલર ઇકોનોમીની અનિવાર્યતાને વૈશ્વિક સ્તરે પુનઃસમર્થન મળ્યું છે. સર્ક્યુલર ઇકોનોમીનો અર્થ માત્ર કચરાના નિકાલ કે રિસાયક્લિંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સંસાધનોના સમગ્ર જીવનચક્ર, ડિઝાઇન, ઉત્પાદન, વપરાશ, પુનઃઉપયોગ, સમારકામ અને પુનઃઉત્પાદનને વધુ કાર્યક્ષમ અને ટકાઉ બનાવવાની વ્યાપક વિચારધારા છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક વિકાસને એકબીજાના વિરોધી નહીં, પરંતુ એકબીજાના પૂરક તરીકે સ્વીકારીને સંસાધનક્ષમ, ટકાઉ અને સર્વસમાવેશી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. વાસ્તવમાં, ભારત માટે સર્ક્યુલર ઇકોનોમી કોઈ નવી વિચારધારા નથી. તે તો આપણી સદીઓ જૂની જીવનશૈલી, સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યોનો અભિન્ન હિસ્સો રહી છે. આપણી સંસ્કૃતિમાં વસ્તુને ઉપયોગ પછી તરત જ ફેંકી દેવાની નહીં, પરંતુ તેને સમારકામ કરવાની, પુનઃઉપયોગ કરવાની અને શક્ય હોય ત્યાં સુધી પુનઃઉત્પાદિત કરવાની પરંપરા રહી છે.

આજે નીતિ-નિર્માણની ભાષામાં જેને આપણે ‘સર્ક્યુલર ઇકોનોમી’ કહીએ છીએ, તે ભારતીય જનજીવનમાં વર્ષોથી એક સહજ જીવનમંત્ર રહ્યો છે. “વસ્તુ બદલતા પહેલાં સમારકામ અને કચરો બનતા પહેલાં પુનઃઉપયોગ.” આ પરંપરાગત જ્ઞાન અને જીવનશૈલીને આધુનિક વ્યવસ્થા સાથે જોડવા માટે ભારત સરકારે કાયદાકીય સુધારાઓ તેમજ ડિજિટલ પ્રણાલીઓ દ્વારા મજબૂત માળખું ઊભું કર્યું છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્લાસ્ટિક, ઈ-વેસ્ટ, બેટરી, સ્ક્રેપ મેટલ તેમજ બાંધકામ અને ડિમોલિશન ક્ષેત્રના કચરાના વ્યવસ્થાપન માટે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી—EPR જેવી મહત્વપૂર્ણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી યાદવે કહ્યું હતું કે, સર્ક્યુલર ઇકોનોમી માત્ર કોઈ એક દેશ કે એક ક્ષેત્રનો વિષય નથી; પરંતુ તે સમગ્ર માનવજાતના ટકાઉ ભવિષ્ય સાથે જોડાયેલો વૈશ્વિક વિષય છે. આપણી સામેનો સાચો પડકાર વિકાસને અટકાવવાનો નથી, પરંતુ વિકાસને વધુ સંસાધનક્ષમ, પર્યાવરણ-મૈત્રીપૂર્ણ અને ટકાઉ બનાવવાનો છે. અંતે, સર્ક્યુલર ઇકોનોમીની સફળતાનું માપદંડ માત્ર એ નથી કે આપણે કેટલો કચરો રિસાયકલ કર્યો પરંતુ તેની સાચી સફળતા તો એમાં છે કે આપણે કેટલા ઓછા સંસાધનોને વ્યર્થ જવા દીધા, કેટલા સંસાધનોને ફરી ઉપયોગમાં લીધા અને આવનારી પેઢીઓ માટે કેટલું વધુ સંસાધન બચાવી શક્યા.

-:વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા:-

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભારત હવે સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં એક મોટી સંભાવના તરીકે ઉભરી રહ્યું છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમીનું બજાર મૂલ્ય ૨ ટ્રિલિયન ડોલરથી વધુ થવાની અને લગભગ ૧ કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે. આથી, આજના સમયમાં સર્ક્યુલર ઇકોનોમી માત્ર આપણા પર્યાવરણ અને ઇકોસિસ્ટમને સહારો આપવાનો માર્ગ નથી; તે હવે આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટેની એક મોટી સંભાવના પણ બની રહી છે.

તેમણે કહ્યું કે, જનભાગીદારીને વધુ મજબૂત બનાવવી અને સર્ક્યુલારિટીના સિદ્ધાંતને અર્થપૂર્ણ કામગીરીમાં પરિવર્તિત કરીને એક ટકાઉ અને સ્થિતિસ્થાપક ભવિષ્યનું નિર્માણ કરવું એ આપણી સહિયારી જવાબદારી છે. ગુજરાત મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, “પૃથ્વી માણસની જરૂરિયાતો સંતોષવા માટે પૂરતી છે પરંતુ માણસના લોભને સંતોષવા માટે પૂરતી નથી.” મહાત્મા ગાંધીજીનું આ વિધાન આજે પણ એટલું જ પ્રસ્તુત છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, માત્ર ગુજરાત કે ભારત પૂરતું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આ વિચારને સ્વીકારવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા,ત્યારે તેમણે સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં પાયો નાખવાનું કાર્ય કર્યું હતું. આજે આ ક્ષેત્ર સાથે જોડાયેલા તેમના જાહેર નેતૃત્વને ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સર્ક્યુલર ઇકોનોમી માટે વૈશ્વિક હબ તરીકે ઉભરી આવવાની સ્થિતિમાં છે. મજબૂત ઔદ્યોગિક વિકાસનું ઇકોસિસ્ટમ, વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા, દરિયાઈ જોડાણ અને રોકાણકારોને અનુકૂળ શાસનવ્યવસ્થા ગુજરાતની વિશેષ તાકાત છે.

તેમણે કહ્યું કે, ગુજરાતે દેશની સૌથી મોટી હેઝાર્ડસ વેસ્ટ રિસોર્સ રિકવરી સિસ્ટમ અને સર્ક્યુલર ઇકોનોમીનું મજબૂત ઇકોસિસ્ટમ ઊભું કર્યું છે. રાજ્યમાં ૧,૨૪૨ રિસાયક્લિંગ સુવિધાઓ અને ૧૯ કોર પ્રોસેસિંગ યુનિટ્સ છે. ગત વર્ષે ગુજરાતમાં આશરે ૬૩ ટકા કચરાના રિસાયક્લિંગની કામગીરી થઈ છે. ગુજરાતમાં ૪૧ ઈ-વેસ્ટ રિસાયકલર્સ અને ૧૨ રિફર્બિશર્સ આવેલા છે. આ વ્યવસ્થાને નોંધાયેલા ઉત્પાદકો અને મેન્યુફેક્ચરર્સનો સહયોગ પ્રાપ્ત થયો છે તથા સુવિધાઓનું નિયમિત ઓડિટ પણ કરવામાં આવે છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે સર્ક્યુલર ઈકોનૉમી પર ભાર મૂકતાં નેધરલેન્ડનાં ઈકોનૉમિક અફેર્સ અને ક્લાયમેટ વિભાગનાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મરિકી સ્પાઈકરબોરે જણાવ્યું કે, વર્તમાન સમયમાં આબોહવા પરિવર્તન, હીટવેવ, ભૌગોલિક-રાજકીય તણાવ, વૈશ્વિક વેપારમાં જોખમો અને સપ્લાય ચેઇનની અનિશ્ચિતતા જેવા પડકારો વચ્ચે સસ્ટેનેબિલિટી નીતિ મહત્વપૂર્ણ બની છે. વધતા વપરાશ અને ઉત્પાદનને કારણે કચરો, પ્રદૂષણ અને સંસાધનોની અછત જેવા પડકારો ઊભા થયા છે. આ સ્થિતિમાં અર્થવ્યવસ્થાને ‘સર્ક્યુલર’ બનાવવી સમયની જરૂરિયાત છે.

નેધરલેન્ડ્સે વર્ષ ૨૦૧૬થી રાષ્ટ્રીય સર્ક્યુલર ઇકોનોમી કાર્યક્રમ દ્વારા આ દિશામાં કામગીરી હાથ ધરી છે અને ૨૦૫૦ સુધીમાં સંપૂર્ણપણે સર્ક્યુલર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. વર્ષ ૨૦૩૫ સુધીમાં સામગ્રીનો વપરાશ ૧૫ ટકા ઘટાડવા, જૈવ-આધારિત સંસાધનો અને ગૌણ સામગ્રીનો હિસ્સો ઓછામાં ઓછો ૫૫ ટકા કરવા તથા ઓછામાં ઓછા ૮૨ ટકા કચરાનું રિસાયક્લિંગ કરવાનો લક્ષ્યાંક છે.

વૈશ્વિક સહયોગને અનિવાર્ય ગણાવતા નેધરલેન્ડ્સે ગુજરાતમાં ૨૦થી વધુ ડચ કંપનીઓ અને વિવિધ સંસ્થાઓની ભાગીદારી તથા World Circular Economy Forum સાથેના સહયોગને તેમણે રેખાંકિત કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે વર્લ્ડ સર્ક્યુલર ઈકોનૉમિક ફોરમ-૨૦૨૬ના આ વિચારમંથનમાંથી આપણે માત્ર પ્રેરણા લઈને ન જઈએ, પરંતુ એક નવા બદલાવ માટેના આહ્વાન તરીકે સ્વીકારીએ.

આ પ્રસંગે ફિનલેન્ડના રાજદૂત મિકો કિવિકોસ્કીએ વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026ની અગત્યતા દર્શાવતા કહ્યું કે, આ વૈશ્વિક કોન્ફરન્સની ૧૦મી આવૃત્તિ છે અને તે પ્રથમ વખત ભારતમાં યોજાઈ રહી છે. આ ફોરમ ગ્લોબલ સાઉથ અને ઊભરતી અર્થવ્યવસ્થાઓની જરૂરિયાતો અને સોલ્યુશન્સને સર્ક્યુલર ઇકોનોમીના કેન્દ્રમાં લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

તેમણે ઉમેર્યું કે આ ફોરમનો મુખ્ય સંદેશ એ છે કે સર્ક્યુલરિટીને માત્ર રિસાયક્લિંગ પૂરતી સીમિત ન રાખતાં પ્રોડક્ટની ડિઝાઇન, સામગ્રીની પસંદગી અને મૂલ્ય જાળવણી પર શરૂઆતથી જ ધ્યાન આપવું. તેમણે કહ્યું કે સૌથી ઉત્તમ કચરો એ જ છે જે ક્યારેય ઉત્પન્ન જ ન થાય.

તેમણે જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ વચ્ચે માર્ચ મહિનામાં બંને દેશોએ સર્ક્યુલર ઇકોનોમી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ક્લાઈમેટ એક્શન પર કેન્દ્રિત પર્યાવરણીય સહયોગ અંગેના MoU પણ થયા છે.

કેન્દ્રીય વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલયના સચિવ શ્રી તન્મય કુમારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારત ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિકાસના નવા પરિમાણ તરીકે સર્ક્યુલર ઇકોનોમીને વધુ મહત્વ આપી રહ્યું છે. આ ફોરમ વૈશ્વિક સહયોગ, નવીનતા અને ક્ષમતાવર્ધનને વેગ આપીને ટકાઉ ઉત્પાદન અને જવાબદાર વપરાશ તરફના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાનશ્રીના ‘મિશન LiFE’ના વિઝનને સાકાર કરવાની દિશામાં કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ અને સંયમિત ઉપયોગ જરૂરી છે. નીતિ, ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વયથી પરંપરાગત લિનિયર મોડલમાંથી સર્ક્યુલર અર્થવ્યવસ્થા તરફ આગળ વધીને ટકાઉ અને સંસાધન-કાર્યક્ષમ વિકાસનું નિર્માણ કરવા તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

CPCB ના ચેરમેન ડૉ. અમનદીપ ગર્ગે આભારવિધિ વ્યક્ત કરી હતી.

WCEF-2026 વૈશ્વિક ફોરમનું આયોજન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC), સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), ફિનિશ ઇનોવેશન ફંડ ‘સિત્રા’ (Sitra) અને ફિનલેન્ડ સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમાં ભારત સરકાર દ્વારા સર્ક્યુલર ઇકોનોમી અને મિશન LiFE (Lifestyle for Environment) અંતર્ગત હાથ ધરાયેલી વિવિધ પહેલો અને વૈશ્વિક સંદેશ દર્શાવતી વિશેષ શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંચસ્થ મહાનુભાવોના હસ્તે સર્ક્યુલર ઇકોનોમી વિષયક મહત્વપૂર્ણ પ્રકાશનોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

આ વૈશ્વિક ફોરમના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, GPCB ના અધ્યક્ષ શ્રી આર.બી.બારડ સહિત કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ તેમજ દેશ-વિદેશમાંથી આવેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *