આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ગાંધીનગર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ આગામી 7 ઓક્ટોબરના રોજ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ 25 વર્ષની યાત્રા માત્ર એક વ્યક્તિની રાજકીય સફર નથી, પરંતુ એક કાર્યકર્તાના રાષ્ટ્રસેવા અને જનસેવાના સંકલ્પની અવિરત સાધનાની યાત્રા છે. વડાપ્રધાનશ્રીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં એક મહિના માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની અવિરત જનસેવા, સમર્પણ અને સેવાભાવની સાધનાને જન-જન સુધી પહોંચાડવાનો તેમજ સેવાભાવને જનઆંદોલન બનાવવાનો છે.

મુખ્યમંત્રીશ્રી પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જ સૌને સેવાને કેન્દ્રમાં રાખીને તથા સત્તા અને સંગઠનને સેવાના માધ્યમ તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાની હાકલ કરી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એવી કાર્યશૈલી વિકસાવી છે જેમાં સત્તા, પદ, સંગઠન કે વ્યવસ્થા પોતાનામાં અંતિમ લક્ષ્ય નથી, પરંતુ જનકલ્યાણ અને રાષ્ટ્રહિતના સાધન છે. ભારતીય જનતા પાર્ટી જ એવી પાર્ટી છે જ્યાં કાર્યકર્તા આધારિત વર્ક કલ્ચરના આધારે એક સામાન્ય કાર્યકર્તા પણ દેશના વડાપ્રધાન બની શકે છે અને શ્રી નરેન્દ્રભાઈ મોદી તેનું ઉત્તમ ઉદાહરણ છે.
મુખ્યમંત્રીશ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પણ દિવસના આરામ વિના નિઃસ્વાર્થ ભાવે જનસેવા કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની કાર્યયાત્રા પણ આ સેવા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ ગુજરાત જે રીતે ઝડપથી બેઠું થયું અને વિકાસની રાહે દોડતું થયું, તેમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ મનોબળ અને અવિરત પરિશ્રમનું મોટું યોગદાન છે. કચ્છ રણોત્સવથી લઈને વાઇબ્રન્ટ ગુજરાત સુધીના અનેક નિર્ણયો અને પહેલથી ગુજરાતે વિકાસની નવી ઓળખ ઊભી કરી. તેમના નેતૃત્વમાં ગુજરાતે ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’ અને દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકેની ઓળખ મેળવી.
તેમણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના શાસનની સૌથી મોટી વિશેષતા ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ છે. તેમનો સ્પષ્ટ મત રહ્યો છે કે સુશાસન એટલે માત્ર નીતિઓ ઘડવી નહીં, પરંતુ તે નીતિઓ અને યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડાઓમાં 24 કલાક વીજળી પહોંચાડી, કન્યા કેળવણી અભિયાન દ્વારા દીકરીઓના શિક્ષણનો પાયો મજબૂત કર્યો અને જળસંચય અભિયાન દ્વારા ગુજરાતને પાણીની તંગીમાંથી બહાર લાવવાના દિશામાં ઐતિહાસિક કાર્ય કર્યું.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ગરીબ, વંચિત, પીડિત અને શોષિત વર્ગોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષને હંમેશા કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. જનસેવા અને રાષ્ટ્રસેવાના ભાવથી શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ અને નીતિઓથી દેશના અનેક ક્ષેત્રોમાં પરિવર્તન આવ્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધારવામાં આવી છે. ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈ ક્ષેત્રે ભારતની આગવી વૈશ્વિક ઓળખ ઊભી થઈ છે. આ સમગ્ર પરિવર્તન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને પરિણામલક્ષી કાર્યશૈલીનું પ્રતિબિંબ છે.
મુખ્યમંત્રીશ્રી પટેલે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીની સેવાકીય કાર્યશૈલીના કારણે ગુજરાતના લોકો તેમજ દેશના લોકોનો તેમના પ્રત્યેનો વિશ્વાસ સતત મજબૂત બન્યો છે. આજે વિશ્વ પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપથી અત્યંત પ્રભાવિત છે. એક સમય એવો હતો કે ભારતના વડાપ્રધાન શું કહે છે તેની વિશ્વમાં ખાસ નોંધ લેવામાં આવતી નહોતી, જ્યારે આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી શું કહે છે તેના પર વિશ્વની મહાસત્તાઓની પણ નજર હોય છે. કોરોના મહામારી હોય, આંતરરાષ્ટ્રીય સંઘર્ષો હોય કે તાજેતરની જટિલ વૈશ્વિક પરિસ્થિતિ હોય, અનેક પ્રસંગોએ વિશ્વ ભારતને એક વિશ્વસનીય અને જવાબદાર ‘વિશ્વમિત્ર’ તરીકે જોઈ રહ્યું છે.
તેઓએ ઉમેર્યું કે, ભારત આજે વિશ્વની ત્રીજી મોટી આર્થિક શક્તિ બનવાની દિશામાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં દેશનો આર્થિક વૃદ્ધિદર 7.8 ટકા સુધી પહોંચ્યો છે. આર્થિક વિકાસની સાથે ગરીબ અને વંચિત વર્ગોના કલ્યાણને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલા પ્રયાસો વડાપ્રધાનશ્રીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના અભિગમને પ્રતિબિંબિત કરે છે. આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત-2047નો સંકલ્પ દેશના ખૂણે-ખૂણે વિકાસની નવી ઊર્જા પેદા કરી રહ્યો છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્પષ્ટ વિઝન, અડગ સંકલ્પ અને ગરીબ કલ્યાણલક્ષી અભિગમના પરિણામે કરોડો ગરીબ પરિવારોના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને અંદાજે 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. કરોડો ગરીબ પરિવારોને મફત રાશન, જરૂરિયાતમંદોને આવાસ, આરોગ્ય અને સ્વચ્છતાની સુવિધા પહોંચાડવાના સફળ પ્રયાસો થયા છે. જનધન યોજના દ્વારા કરોડો ગરીબોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા, આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક સારવારની સુવિધા મળી અને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા કરોડો પરિવારોનું પોતાના પાકા ઘરના સ્વપ્નને સાકાર કરવામાં આવ્યું છે. નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની અવિરત સેવા યાત્રાને જનભાગીદારી સાથે આગળ વધારવા માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ માત્ર કાર્યક્રમો યોજવાનો નથી, પરંતુ સેવા દ્વારા સમાજમાં પરિવર્તન લાવવાની શક્તિને વધુ મજબૂત કરવાનો અને દરેક વ્યક્તિને સેવાના કાર્ય સાથે જોડવાનો છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રેસવાર્તાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ૧૪૦ કરોડ દેશવાસીઓ માટે સતત કાર્યરત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર જીવનમાં જનસેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ કરવાનો અવસર માત્ર એક વ્યક્તિની રાજકીય યાત્રાની ઉજવણી નથી, પરંતુ એક કાર્યકર્તાથી પ્રધાન સેવક સુધીની, જનસેવાથી રાષ્ટ્રસેવા સુધીની અને સંકલ્પથી સિદ્ધિ સુધીની અવિરત યાત્રાને જનજન સુધી પહોંચાડવાનો અવસર છે.
શ્રી વિશ્વકર્મા એ જણાવ્યું કે, તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંત્યોદયની વિચારધારા અને રાષ્ટ્રવાદના મંત્ર સાથે જે સેવા-યાત્રાનો પ્રારંભ કર્યો હતો, તે આજે ગુજરાતના વિકાસથી આગળ વધીને સમગ્ર દેશના વિકાસ અને રાષ્ટ્રનિર્માણની યાત્રા બની છે. વર્ષ ૨૦૦૧માં ગુજરાતે ભૂકંપ સહિત અનેક પડકારોનો સામનો કર્યો હતો. આવા પડકારજનક સમયમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું અને વિકાસ તથા સુશાસનને કેન્દ્રસ્થાને રાખીને ગુજરાતને નવી દિશા આપી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા યોજનાને વેગ આપી ગુજરાતના ઘેર-ઘેર પાણી પહોંચાડવાનું કાર્ય હોય, ડેમ પર દરવાજા લગાડવા માટે ઉપવાસ કરીને સંકલ્પબદ્ધતા દર્શાવવાની વાત હોય કે છેવાડાના ગામડાં સુધી ૨૪ કલાક વીજળી પહોંચાડવાની પહેલ હોય, શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની નવી ગાથા લખાઈ. ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટ’ના માધ્યમથી દેશ-વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં આમંત્રિત કરી રોકાણ અને રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં આવ્યું. ગુજરાતનું વિકાસ મોડેલ આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
પ્રદેશ અધ્યક્ષશ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત બાદ દેશની જવાબદારી સંભાળ્યા પછી પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે અંતિમ પંક્તિના વ્યક્તિ સુધી વિકાસ અને કલ્યાણ પહોંચાડવાનો પ્રયાસ થયો છે. આયુષ્માન ભારત દ્વારા ૪૩ કરોડથી વધુ લોકોને આરોગ્ય સુરક્ષા, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ૪ કરોડથી વધુ પરિવારોને પાકા મકાન, જનધન યોજના દ્વારા આશરે ૬૦ કરોડ લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાણ, ઉજ્જવલા યોજના દ્વારા ૧૧ કરોડ માતા-બહેનોને એલપીજી કનેક્શન તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા ૮૧ કરોડથી વધુ જરૂરિયાતમંદોને મફત અનાજ જેવી અનેક લોકકલ્યાણકારી પહેલોએ સામાન્ય નાગરિકના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને રૂ. ૪ લાખ કરોડથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે અને આશરે ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, ‘બેટી બચાવો, બેટી પઢાવો’થી શરૂ થયેલી દીકરીના સશક્તિકરણની યાત્રા આજે ‘લખપતિ દીદી’ સુધી પહોંચી છે. ‘મેક ઇન ઇન્ડિયા’ના મંત્ર સાથે ભારત મેન્યુફેક્ચરિંગ અને વૈશ્વિક ઉત્પાદન ક્ષેત્રે સશક્ત બન્યું છે. ભારત આજે વિશ્વના ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત તરફ મજબૂત પગલાં ભરાયા છે, દેશની નિકાસમાં વધારો થયો છે, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત અગ્રેસર બન્યું છે અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે. એક સમયે ‘ફ્રેજાઈલ ફાઈવ’ તરીકે ઓળખાતું ભારત આજે વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે.
પ્રદેશ અધ્યક્ષશ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિશ્વના ૩૬ દેશોએ સર્વોચ્ચ સન્માન આપ્યું છે, જે વાસ્તવમાં ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે. નક્સલવાદ સામે નિર્ણાયક લડત ચલાવી અસરગ્રસ્ત વિસ્તારોને નક્સલમુક્ત કરવાની દિશામાં ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સરકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોંચાડવાથી વચેટિયાઓનો અંત આવ્યો છે. આરોગ્ય ક્ષેત્રે અગાઉના દાયકાઓની સરખામણીએ નવી એઈમ્સની સ્થાપના દ્વારા આરોગ્ય માળખાને મજબૂત બનાવાયું છે.
તેમણે જણાવ્યું હતું કે, શ્રી મોદીજીના નતૃત્વમાં સ્વચ્છ ભારત મિશનને જનઆંદોલનમાં પરિવર્તિત થયું છે. ‘એક પેડ મા કે નામ’ જેવા અભિયાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણને જનભાગીદારી સાથે જોડવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ ધામ, મહાકાલ મંદિર તેમજ ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજી સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોના વિકાસને નવી દિશા મળી છે. ૫૫૦ વર્ષથી કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ પણ ઐતિહાસિક ગૌરવનો વિષય બન્યું છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદીથી રાષ્ટ્રીય એકતા અને સુરક્ષાને વધુ મજબૂતી મળી છે.
કોરોના મહામારીના કપરા સમયમાં ભારતે સ્વદેશી રસીનું નિર્માણ કરીને માત્ર પોતાના નાગરિકોને સુરક્ષા આપી નહીં, પરંતુ ૨૨૦ કરોડથી વધુ રસીના ડોઝ સાથે વિશ્વના સૌથી મોટા અને સફળ રસીકરણ અભિયાનોમાંનું એક સફળતાપૂર્વક હાથ ધર્યું. આ સમગ્ર યાત્રા એ વાતનું પ્રમાણ છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ’ને પ્રાધાન્ય મળ્યું છે અને જનકલ્યાણને રાજકીય કાર્યનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.
પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અંતમાં જણાવ્યું હતું કે, ‘સેવા સંકલ્પ અભિયાન’ માત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની સેવા-યાત્રાની ઉજવણી માટેનું અભિયાન નથી. આ અભિયાનનો મૂળ ભાવ સેવાને સંકલ્પ સાથે, સંકલ્પને જનભાગીદારી સાથે અને જનભાગીદારીને ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે જોડવાનો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્રને આત્મસાત કરીને ગુજરાતમાં પણ ‘સેવા સંકલ્પ અભિયાન’ને જન-જનનું અભિયાન બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આ ૨૫ વર્ષની સેવા-યાત્રા આપણા સૌ માટે ગૌરવની સાથે જવાબદારીનો પણ વિષય છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યો, સુશાસન, જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રનિર્માણના સંદેશને ગુજરાતના દરેક પરિવાર અને દરેક નાગરિક સુધી પહોંચાડવા માટે ભાજપા સંગઠન સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી એક મહિના માટે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત થનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ અભિયાનની શરૂઆત તા. ૧૭ સપ્ટેમ્બરે ‘સેવા દિવસ’ તરીકે રક્તદાન શિબિરોના આયોજનથી કરવામાં આવશે. તે જ દિવસે સાંજે ૭ વાગ્યે ‘આશીર્વાદનો દીવો’ અંતર્ગત દરેક બૂથ પર પ્રત્યેક પરિવાર તથા વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ દ્વારા દીપ પ્રજ્વલિત કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે.
‘મારા સપનાનું ભારત’ અંતર્ગત શાળાઓમાં ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાઓ યોજાશે તથા વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે. ‘નમો સેવા ગાથા—અનકહી કહાનિયા’ અંતર્ગત ૨૫ વર્ષની સેવા-યાત્રા, જનકલ્યાણકારી યોજનાઓ અને દેશમાં આવેલા પરિવર્તનોને ૨૫થી ૩૦ મિનિટની સરળ, ભાવનાત્મક અને સંગીતમય નાટ્ય પ્રસ્તુતિ દ્વારા ગામડે-ગામડે પહોંચાડવામાં આવશે. ‘ આંગણા નો ઉત્સવ’ અંતર્ગત આંગણવાડી કાર્યકરો અને આશા દીદીઓનું સન્માન કરવામાં આવશે તથા બાળકો અને માતાઓ સાથે જોડાયેલી પોષણ, સ્વાસ્થ્ય અને મહિલા કલ્યાણની યોજનાઓની માહિતી સરળ અને બોલચાલની ભાષામાં આપવામાં આવશે. ‘સેવાની વાર્તા’ અંતર્ગત મોદી સરકારની વિવિધ યોજનાઓથી જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની વાતો આમ જનતા પાસેથી મેળવીને સમાજ સમક્ષ રજૂ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, તા. ૭ ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા‘ દ્વારા વિકસિત ભારત સંકલ્પ’ લેવાશે, શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે અને ‘વિકસિત ભારત ૨૦૪૭’નો સંકલ્પ લેવામાં આવશે. આ સાથે વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગરની ૧૦-૧૦ ટુકડીઓ દ્વારા ‘સેવા યાત્રા’ યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વડનગરના હાટકેશ્વર મહાદેવ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરવાનો રહેશે.
‘સેવા મારું યોગદાન’ અંતર્ગત જનભાગીદારીથી ૨૫ અલગ-અલગ સેવા થીમ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ વિવિધ સ્થળોએ યોજાશે. ‘સેવા સેતુ અભિયાન, સરકાર આપના દ્વારે’ અંતર્ગત પ્રત્યેક બ્લોક સ્તરે શિબિરો યોજીને એક જ સ્થળે નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ અંતર્ગત દેશના પ્રમુખ જાહેર સ્થળોએ ‘માનવ સમૂહ રંગોળી’ દ્વારા જનકલ્યાણકારી યોજનાઓ, રાષ્ટ્રીય પ્રતીકો અને ‘વિકસિત ભારત’નો સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે. ‘સેવા ફર્સ્ટ ઈનોવેશન ચેલેન્જ’ અંતર્ગત યુવાનો, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ, પ્રોફેશનલ્સ અને કોર્પોરેટ ઈનોવેટર્સને જોડવા માટે પાંચ મોટા પ્રાદેશિક ઈનોવેશન ચેલેન્જ યોજાશે. શિક્ષણ સંસ્થાઓ, સ્ટાર્ટઅપ નેટવર્ક અને ઈન્ક્યુબેશન સેન્ટરોના સહયોગથી ઓનલાઈન અરજીઓ મંગાવી શ્રેષ્ઠ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવશે. તા. ૨ ઓક્ટોબરના રોજ દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ અને પ્રદેશ મુખ્ય પ્રવકતાશ્રી ડૉ. અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.