મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તરભ વાળીનાથ ધામ ખાતે નવનિર્મિત ‘શ્રી વાળીનાથ ગુરુકુળ’નું લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ-
– શિક્ષણ અને સંસ્કારનો સમન્વય વિકસિત ભારતની પાયાની જરૂરિયાત
– વાળીનાથ ધામ એ રબારી સમાજની ભક્તિ, શક્તિ અને ઉન્નતિનું પ્રતીક
– ‘વિકાસ પણ, વિરાસત પણ’ના ધ્યેય સાથે વાળીનાથ ધામ જ્ઞાનનું કેન્દ્ર બન્યું છે

‘સેવા સંકલ્પ અભિયાન’ વિશે માહિતી આપી સૌને વડાપ્રધાનશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવા અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના તરભ વાળીનાથ ધામ ખાતે નવનિર્મિત ‘શ્રી વાળીનાથ ગુરુકુળ’નું લોકાર્પણ કર્યું હતું. આ મંગલ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ભગવાન વાળીનાથના ચરણોમાં શીશ ઝુકાવી પૂજન-અર્ચન કરી જનસુખાકારીની મંગલ કામના કરી હતી. આ અવસરે વાળીનાથ ધામના મહંત શ્રી જયરામગીરીજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ અને ધર્મના સંગમને વિકસિત ભારતની પાયાની જરૂરિયાત ગણાવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સાધુ-સંતો અને ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે, વાળીનાથ ધામ એ રબારી સમાજની ભક્તિ, શક્તિ અને ઉન્નતિનું પ્રતીક છે. પૂજ્ય બળદેવગિરીજી બાપુના આશીર્વાદ અને પૂજ્ય જયરામગિરી બાપુના પુરુષાર્થથી નિર્મિત આ ગુરુકુળ શિક્ષણના ક્ષેત્રમાં નવા આયામો સર કરશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ પણ, વિરાસત પણ’ના મંત્રને સાકાર કરતા તેમણે ઉમેર્યું કે, ૯૦૦ વર્ષ જૂની આ વિરાસત પર નૂતન શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે શૈક્ષણિક પ્રકલ્પનું લોકાર્પણ એ સમાજ સુધારણાની દિશામાં મોટું કદમ છે. મંદિરો હંમેશા જ્ઞાનના કેન્દ્રો રહ્યા છે અને વાળીનાથ ધામે આ પરંપરાને શિક્ષણ ક્ષેત્રે પવિત્રતાથી આગળ ધપાવી છે.
શિક્ષણ ક્ષેત્રે વાળીનાથ ધામના યોગદાનની પ્રશંસા કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ધોરણ ૫ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને મફત પુસ્તક વિતરણ અને ગાંધીનગરમાં કન્યા કેળવણી જેવા કાર્યો વંદનીય છે. ખાસ કરીને વાળીનાથ ગુરુકુળમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિનામૂલ્યે તૈયારી કરી રહ્યા છે, જે વિકસિત ભારત માટે સક્ષમ પેઢી તૈયાર કરશે. તેમણે યુવા શક્તિને મોબાઈલ સ્ક્રીનથી દૂર રહી મેદાનમાં શારીરિક રમતો રમવા અને વ્યસનમુક્તિના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ૧૭મી સપ્ટેમ્બરથી ૧૭મી ઓક્ટોબર દરમિયાન યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ વિશે માહિતી આપી સૌને વડાપ્રધાનશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાળીનાથ ધામ આજે સમગ્ર ગુજરાતની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા સોલર અને ઇલેક્ટ્રિકલ કામગીરી અર્થે ₹૨.૬૮ કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, વિસનગરની આ પવિત્ર ધરા આવનારા સમયમાં પ્રવાસન અને ધાર્મિક શ્રદ્ધાનું પ્રમુખ કેન્દ્ર બનશે.
કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન કરી સરકારના સહયોગ બદલ આભાર માન્યો હતો, જ્યારે મહંત શ્રી જયરામગીરીજીએ આશીર્વચન પાઠવી સંસ્થાની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની વિગતો આપી હતી.
આ ગરિમામય સમારોહમાં મુખ્યમંત્રીશ્રી અને મહંતશ્રીના હસ્તે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અગાઉ મુખ્યમંત્રીશ્રીએ મંદિરના પ્રાંગણમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં વાળીનાથ ધામના કોઠારી શ્રી દશરથગીરી બાપુ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઇ નાયક, લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપુત, પૂર્વ મંત્રી શ્રી રણછોડભાઈ રબારી, પદ્મ શ્રી માલજીભાઈ દેસાઈ, ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય શ્રી સી.જે.ચાવડા, ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, માણસા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર, પૂર્વ સાંસદ શ્રી સાગરભાઈ રાયકા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ રબારી, અગ્રણી સર્વે શ્રી દિનેશભાઈ દેસાઈ, શ્રી શૈલેષભાઈ દેસાઈ, શ્રી મુકેશભાઈ દેસાઈ, શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ, અભુભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર શ્રી એસ.કે. પ્રજાપતિ તેમજ સમાજના અગ્રણીશ્રીઓ, દાતાશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.