ભાજપાના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસી થી વડનગર‘ની સેવા સંકલ્પ બાઈક યાત્રા અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

ભાજપાના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસી થી વડનગર‘ની સેવા સંકલ્પ બાઈક યાત્રા અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાન્ય કાર્યકર્તાથી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન સુધીની સફરમાં સતત સેવા અને રાષ્ટ્રનિર્માણને જીવનનો સંકલ્પ બનાવીને દેશને નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે
– શ્રી વી. ડી. શર્માજી

વડનગર અને વારાણસી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની જન્મભૂમિ અને કર્મભૂમિ બંને સ્થળેથી 17 સપ્ટેમ્બરે સવારે 9.30 કલાકે એકસાથે બે દિશામાં આ યાત્રા પ્રસ્થાન કરશે
– શ્રી વી. ડી. શર્માજી

વડનગર ખાતેથી ૧૭ સપ્ટેમ્બરે યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગભાઈ જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે
– શ્રી વી. ડી. શર્માજી

કાશીથી શરૂ થનારી યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં દેશના રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રી શ્રી ચિરાગ પાસવાન, તથા પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહેશે- શ્રી વી. ડી. શર્માજી

આ સેવા બાઈક યાત્રા 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 જેટલાં ગામડાંમાંથી પસાર થશે તથા અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે- શ્રી વી. ડી. શર્માજી

દેશભરમાં વડનગર અને વારાણસીથી નીકળનારી બાઈક યાત્રામાં યાત્રામાં 1,000 જેટલા યુવાનો ભાગ લેશે- શ્રી વી. ડી. શર્માજી

આ યાત્રા માત્ર એક સ્થળથી બીજા સ્થળ સુધીની યાત્રા નથી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના જીવનમાંથી પ્રેરણા લઈ દેશની યુવા શક્તિને સેવા, સમાજ અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાનું વિશાળ અભિયાન છે – શ્રી વી. ડી. શર્માજી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સમર્પણના 25 વર્ષના જીવનમાંથી પ્રેરણા લઈ દેશના યુવાનોને સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાના સંકલ્પ સાથે આ ઐતિહાસિક યાત્રાનું આયોજન કરાયું છે – શ્રી વી. ડી. શર્માજી

આ યાત્રા યુવાનોમાં સેવાભાવ અને રાષ્ટ્રભાવનાનો સંકલ્પ વધુ મજબૂત કરવાની યાત્રા છે – ડૉ. પ્રશાંતભાઈ કોરાટ

ચારેય ઝોનમાંથી ૧૩ સપ્ટેમ્બરે વડનગર માટે પ્રસ્થાન થયેલી ઉપયાત્રાના માર્ગમાં આવતા વિવિધ ગામોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ રહી છે – ડૉ. પ્રશાંતભાઈ કોરાટ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં દેશના પ્રધાનમંત્રી અને ગુ જરાતના મુખ્યમંત્રી તરીકેના સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર સુધી આયોજિત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત યોજાનારી ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસી થી વડનગર‘ સેવા સંકલ્પ બાઈક યાત્રાના સંદર્ભમાં આજે તા. 15 સપ્ટેમ્બર, મંગળવારે ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

 

આ પત્રકાર પરિષદમાં લોકસભાના સાંસદ તથા ‘વડનગરથી વારાણસી’ બાઈક સેવા યાત્રાના રાષ્ટ્રીય ઇન્ચાર્જ શ્રી વી. ડી. શર્માજી, પ્રદેશ મહામંત્રી તથા ‘સેવા સંકલ્પ અભિયાન’ના પ્રદેશ પ્રભારી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહામંત્રી તથા બાઈક સેવા યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, યુવા મોરચાના રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ શ્રી અમનદીપજી, યાત્રાની યુવા મોરચાની રાષ્ટ્રીય ટીમના મીડિયા ઇન્ચાર્જ કુ. પ્રજવલજી ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભાના સાંસદ તથા યાત્રાના રાષ્ટ્રીય ઇન્ચાર્જ શ્રી વી. ડી. શર્માજીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના 25 વર્ષ તા. 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. એક કર્મયોગી વ્યક્તિએ સામાન્ય કાર્યકર્તાથી મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન સુધીની સફરમાં સતત સેવા અને રાષ્ટ્રનિર્માણને જીવનનો સંકલ્પ બનાવીને દેશને નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે. આ 25 વર્ષની અવિરત સેવા યાત્રાની પ્રેરણાને દેશના યુવાનો સુધી પહોંચાડવાના હેતુથી ભાજપા યુવા મોરચા સહિત દેશભરના યુવાનોની ભાગીદારી સાથે આ બાઈક સેવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 17 સપ્ટેમ્બરે શરૂ થનારી આ યાત્રાની તા. 7 ઓક્ટોબરે પૂર્ણાહુતિ થશે.

શ્રી વી. ડી. શર્માજીએ જણાવ્યું હતું કે, વડનગર ખાતે તા. 17 સપ્ટેમ્બરે યોજાનારા યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગભાઈ જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. બીજી તરફ કાશીથી શરૂ થનારી યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં દેશના રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રી શ્રી ચિરાગ પાસવાન, તથા પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, વડનગર વડાપ્રધાનશ્રીની જીવનયાત્રાની શરૂઆત અને જન્મભૂમિ છે, જ્યારે વારાણસી તેમની કર્મભૂમિ છે. વડનગરથી શરૂ થતી યાત્રા દેશના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ વારાણસી પહોંચશે અને વારાણસીથી શરૂ થતી યાત્રા પણ વડનગર તરફ આગળ વધશે. ભારતના ઇતિહાસમાં યુવાનો દ્વારા યોજાનારી આ વિશાળ બાઈક યાત્રા 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 જેટલાં ગામડાંમાંથી પસાર થશે તથા અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે.

તા. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ‘વડનગરથી વારાણસી’ બાઈક સેવા યાત્રાનો પ્રારંભ થશે. વડનગર અને વારાણસી વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ અને કર્મભૂમિ બંને સ્થળેથી એકસાથે બે દિશામાં આ યાત્રા પ્રસ્થાન કરશે અને 7 ઓક્ટોબરે યાત્રાનું સમાપન થશે. વડનગરથી 10 અલગ-અલગ ગ્રુપમાં યાત્રા નીકળશે અને દરેક ગ્રુપમાં 25 સેવા યાત્રીઓ મળી કુલ 250 સેવા યાત્રીઓ જોડાશે. એ જ રીતે કાશીથી પણ 10 ગ્રુપમાં 250 સેવા યાત્રીઓ યાત્રાનો પ્રારંભ કરશે. દેશભરમાં બંને દિશામાંથી નીકળનારી આ યાત્રામાં અંદાજે 1,000 જેટલા યુવાનો ભાગ લેશે. કાશીથી નીકળતી યાત્રા પૂર્વે કાશી આસપાસના વિવિધ નદીઓ તથા જળસ્ત્રોતોનું પવિત્ર જળ એકત્ર કરી કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ જળકળશ સાથે યાત્રાનો પ્રારંભ થશે.

શ્રી વી. ડી. શર્માજીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાઈક સેવા યાત્રા માત્ર એક સ્થળથી બીજા સ્થળ સુધીની યાત્રા નથી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના જીવનમાંથી પ્રેરણા લઈ દેશની યુવા શક્તિને સેવા, સમાજ અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાનું વિશાળ અભિયાન છે. પદ કોઈ પણ હોય, પરંતુ સેવાનો સંકલ્પ સૌથી મોટો છે. આ ભાવને યુવાનો સુધી પહોંચાડવો અને રાજનીતિનો હેતુ માત્ર સત્તા નહીં પરંતુ સમાજની સેવા તથા રાષ્ટ્રનિર્માણ છે તે સંદેશને જનમાનસ સુધી લઈ જવો એ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે.

યાત્રા દરમિયાન દરરોજ પ્રસ્થાન સ્થળે 25 વૃક્ષોના ઉછેરનો સંકલ્પ કરવામાં આવશે. સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત અભિયાન, ટીબી મુક્ત ભારત અભિયાન, પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અને જળસંરક્ષણ સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે. સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. યાત્રા જે ગામ અને વિસ્તારમાં પહોંચશે ત્યાં તેના આગમનના બે દિવસ અગાઉથી ભાજપા યુવા મોરચા, સ્થાનિક યુવાનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે અને સેવાભાવથી યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.

તેઓએ ઉમેર્યું કે, યાત્રા અગાઉ નક્સલ પ્રભાવિત રહેલા ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી પણ પસાર થશે. આ વિસ્તારોમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે તેમની સાથે સંવાદ કરવામાં આવશે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓથી સમાજમાં આવેલા પરિવર્તનને સમજવા માટે લાભાર્થીઓ સાથે સંવાદ, યુવા સાથીઓ સાથે યુવા સંવાદ તેમજ મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવશે. ‘લખપતિ દીદી’, ‘ડ્રોન દીદી’ સહિતની પહેલ દ્વારા નારીશક્તિને મળેલી નવી તકો અને સશક્તિકરણ અંગે પણ મહિલાઓ સાથે સંવાદ કરવામાં આવશે.

બાઈક સેવા યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યાત્રા વડનગર થી પ્રસ્થાન કરે તે પહેલાં તા. 13 સપ્ટેમ્બરથી ચાર અલગ-અલગ ઝોનમાંથી વડનગર સુધીની ઉપયાત્રાઓ પણ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના ચારેય ઝોનમાં થી નીકળેલી ઉપયાત્રા સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ઝોનની ઉપયાત્રા સોમનાથ મહાદેવના પવિત્ર ધામથી, ઉત્તર ઝોનની શામળાજીથી, મધ્ય ઝોનની પાવાગઢ ખાતેના મહાકાળી માતાજીના મંદિરથી અને દક્ષિણ ઝોનની ઉનાઈ માતાજીના મંદિર, નવસારીથી શરૂ થઈ છે. આ ચારેય ઉપયાત્રાઓ તા. 16 સપ્ટેમ્બરની રાત્રિ સુધીમાં વડનગર ખાતે પહોંચશે.

ઉપયાત્રાના માર્ગમાં આવતા વિવિધ ગામોમાં 25 નિર્ધારિત સેવાકીય કાર્યોમાંથી અલગ-અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ક્યાંક વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન, ક્યાંક વિદ્યાર્થીઓનો સંપર્ક કરી ચોપડા વિતરણ, તો ક્યાંક સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંપર્ક અને સંવાદ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ચારેય ઉપયાત્રાઓ દરમિયાન માર્ગમાં આવતા નદીઓ, તળાવો અને ખેતરના કૂવાઓમાંથી જળ એકત્ર કરી જળકળશ રથમાં પધરાવવામાં આવી રહ્યું છે. આ પવિત્ર જળ વડનગર ખાતે એકત્ર થયા બાદ શર્મિષ્ઠા તળાવનું જળ પણ તેમાં ઉમેરવામાં આવશે અને હાટકેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ આ જળકળશ વારાણસી લઈ જવામાં આવશે, જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવજીનો જળાભિષેક કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક યાત્રા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સમર્પણના 25 વર્ષના જીવનમાંથી પ્રેરણા લઈ દેશના યુવાનોને જનસેવા, સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેશ અને રાજ્યના યુવાનો પોતાની ભૂમિકા નિભાવે તે માટે યુવાનો સાથે સંપર્ક અને સંવાદ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. આ યાત્રા યુવાનોમાં સેવાભાવ અને રાષ્ટ્રભાવનાનો સંકલ્પ વધુ મજબૂત કરવાની યાત્રા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *